કારે ટક્કર મારતા સેન્ડવીચની લારી ચલાવનારનું મોત
રાજકોટ, શહેરમાં સતત ત્રીજા દિવસે રફતાર માફિયાઓ બેફામ બન્યા હોવાની ઘટના સામે આવી છે. રાજકોટ શહેરમાં ગુરૂવારના રોજ વહેલી સવારે ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં પોતાના બાઈક પર ઘરે જઈ રહેલા કિરીટ પૌંદા નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યુ હોવાની ઘટના સામે આવી છે. ફોક્સવેગન કારચાલક અનંત ગજ્જર દ્વારા સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોવાનું સામે આવ્યું છે.
પોલીસ દ્વારા કારચાલક અનંત ગજ્જર અને તેની સાથે રહેલા દેવેન્દ્ર ઉપાધ્યાય નામના વ્યક્તિઓની અટકાયત કરી ગાંધીગ્રામ પોલીસમાં ખાતે લઈ જવામાં આવ્યા છે.
સમગ્ર મામલે એસીપી પશ્ચિમ રાધિકા ભારાયનું નિવેદન પણ સામે આવ્યું છે. મીડિયા સાથેની વાતચીતમાં એસીપી પશ્ચિમ રાધિકા ભારાય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, કિરીટભાઈ નામની વ્યક્તિ પોતાની દુકાન બંધ કરીને પોતાના ઘરે જઈ રહ્યા હતા. તે સમયે રામાપીર ચોક ઓવરબ્રિજ ઉપર કારચાલક દ્વારા તેમને અડફેટે લેવામાં આવ્યા હતા. ત્યારે ઘટના સ્થળ પર જ તેમનું મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે.
સમગ્ર મામલે આરટીઓ તેમજ એફએસએલના અધિકારીઓની મદદ પણ લેવામાં આવી છે. કારમાં સવાર બંને વ્યક્તિઓના મેડિકલ ટેસ્ટ પણ કરાવવામાં આવશે. મેડિકલ ટેસ્ટ અંતર્ગત બંને વ્યક્તિઓએ નશા યુક્ત પદાર્થનું સેવન કરવામાં આવ્યું હશે તો તેમના વિરુદ્ધ અલગથી ગુનો દાખલ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે, કિરીટભાઈ નામની વ્યક્તિ લોધાવાડ ચોકમાં સેન્ડવીચની લારી ચલાવતા હોવાનો સામે આવ્યું છે. તેમજ તેઓ રાધિકા પાર્ક શેરી નંબર ૨ માં રહેતા હોવાનું પણ સામે આવ્યું છે. ચાર વ્યક્તિઓના પરિવારના મોભી કિરીટભાઈ પોતાના પરિવારનો આર્થિક રીતે એકમાત્ર આધાર સ્થંભ હોવાનું નજીકના વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
૧૯ માર્ચ ૨૦૨૪ મંગળવારના રોજ સવારના ૪ઃ૩૦ વાગ્યાના અરસામાં શીતલ પાર્ક બીઆરટીએસ પાસે બાઈક ચાલક ૨૪ વર્ષીય સાહિલ નંદાણી નામના વ્યક્તિનું રોડ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. સાહિલ નંદાણી પોતાની માલિકીનું હાર્લી ડેવિડસન મોટરસાયકલ પૂરપાટ ઝડપે ચલાવી રહ્યો હતો. ત્યારે કોઈ કારણોસર બાઈક સ્લીપ થઈ જતા તેને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.
૧૦૮ ની ટીમ દ્વારા ઘટના સ્થળ પર પહોંચીને સાહિલને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યો હતો. મૃતકના પિતા માર્કેટિંગ યાર્ડમાં અનાજની દુકાન ચલાવતા હોવાનું તેમજ તે પોતાના માતા-પિતાનો એકનો એક દીકરો હોવાનું સામે આવ્યું છે.
રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં ૨૦ મી માર્ચ ૨૦૨૪ના રોજ રાત્રિના ૧૨ઃ૧૫ વાગ્યાના અરસામાં સ્વીફ્ટ કારના ચાલક દ્વારા મર્સિડીઝ કાર સાથે અકસ્માત સર્જવામાં આવ્યો હતો. સમગ્ર ઘટના સીસીટીવી ફૂટેજમાં કેદ થવા પામી હતી.
સમગ્ર ઘટનામાં મર્સિડીઝ કારમાં બેસેલા કારચાલક આશિષ પટેલ તેમજ તેની સાથે રહેલા દીપક કલ્યાણી નામના વ્યક્તિને ઈજા પહોંચી હોવાનું સામે આવ્યું હતું. ત્યારે સમગ્ર મામલે એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે જુકં કારના ચાલક વિરુદ્ધ કલમ ૪૨૭, ૨૭૯, ૩૩૭ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે.SS1MS