સંજય જોષી કેમ ગાંધીનગર આંટો મારી ગયા?

File Photo
રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સિનિયર સ્વયંસેવક અને હાલ હાંસિયામાં ધકેલાઈ ગયેલા સંજય જોષી તાજેતરમાં ગાંધીનગર આવી ગયા હોવાના સમાચાર બહાર આવ્યા છે.એવુ કહેવાય છે કે સંજય જોષી પીઢ અગ્રણી કનકસિંહ માંગરોળાના મહેમાન બન્યા હતા અને ભોજન પણ તેમની સાથે લીધું હતું.
આ સિવાય કોઈ કાર્યકરને ત્યાં ખરખરો કરવા આવેલા ત્યાં સંજય જોષીને મળવા તેમના ચાહકોની ભીડ ઉમટેલી એવું પણ કહેવાય છે.
આખી સચિવાલય કેડરને નીચાજોણું કરાવતા દિનેશ પરમાર
ગુજરાત રાજ્યના સચિવાલય કેડરની એક વિશેષતા એ છે કે એ તંત્રમાં હજું પૈસાની લાલચ નથી પ્રવેશી.૧૯૮૦થી ૨૦૧૧ સુધીની બેચના અધિકારીઓમાં આ વલણ સચવાયેલું જોવા મળ્યું છે. અહીં એક કિસ્સો તો એવો સાંભળવા મળ્યો છે કે એક વૃદ્ધ સ્વાતંત્ર્ય સેનાની પોતાના પેન્શન કેસ અંગે એક સેક્શન અધિકારીને મળવા ગયા હતા
ત્યારે સામાન્ય વાતચીતમાં એ અધિકારીને જાણવા મળ્યું કે એ વૃદ્ધ સજ્જ્ન પોતાના વતનના ગામથી ગાંધીનગર સુધી બસમાં આવ્યા હતા અને બસ સ્ટેન્ડથી સચિવાલય સુધી ચાલતા આવ્યા હતા તો એ અધિકારી પેલા વૃદ્ધ સજ્જ્નનું કામ તો પતાવી જ આપ્યું પણ એ ઉપરાંત એ વૃદ્ધને પોતાના સ્કૂટર પર બેસાડીને બસ સ્ટેન્ડ પર મુકી આવ્યાં હતાં.
આ સામે રૂ.૩૦/-લાખની લાંચ માંગતાં માંગતા અધિક સચિવનો કિસ્સો પ્રકાશમાં આવે ત્યારે આખા સચિવાલયમાં એવી લાગણી પ્રવર્તી રહી છે કે આ એક કિસ્સાને કારણે આખા સચિવાલય કેડરને નીચાજોણું થયું છે.
જોગાનુજોગ તો એ છે કે દિનેશ પરમારના પિતા બી.કે.પરમાર પણ સચિવાલય કેડરના જ અધિકારી અને અધિક સચિવ તરીકે માનભેર નિવૃત થયા હતા.તેમની છાપ સચિવાલયમાં ખૂબ ખૂબ સારી હતી! તેઓની પરંપરા ન સચવાઈ એ સૌને આશ્ચર્યજનક લાગે છે.
અજય પ્રકાશનો ગુજરાતી ભાષા પરનો કાબુ પ્રશંસનીય છે!
ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અપાતા ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ વિતરણ સમારંભમાં સ્વાગત પ્રવચન ગુજરાત આઈએ.એ.એસ.કેડરની ૨૦૧૧ની બેચના અધિકારી અને ઉર્જા વિકાસ એજન્સીના નિયામક અજય પ્રકાશે કર્યું હતું.
લગભગ ૧૦ મિનિટ ચાલેલું તેમનુ પ્રવચન સાચાં અને સરળ ગુજરાતીમાં અપાયું હતું.આમ તો આઈ.એ.એસ. અધિકારીઓને તેઓનું જે રાજ્યમાં પોસ્ટીંગ હોય તે રાજ્યની ભાષા શીખવી ફરજિયાત હોય છે ગુજરાતમાં તો એ અંગે ભાષા નિયામક તરફથી પરીક્ષા પણ લેવામાં આવે છે.પરંતુ બધાં આઈ.એ.એસ.અધિકારીઓ ગુજરાતી ભાષા પર કાબુ નથી મેળવી શકતા.બિહારના સમસ્તીપુરના રહેવાસી અંગ્રેજી સાહિત્ય સાથે એમ.ફીલ.ની ડિગ્રી મેળવનાર અજય પ્રકાશ એમાં અપવાદ છે.
ગુજરાતમાં હવે એક નવી ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટી સ્થપાશે!
ગુજરાત રાજ્યના વન અને પર્યાવરણ વિભાગ દ્વારા અપાતા ક્લાઈમેટ ચેન્જ એવોર્ડ વિતરણ સમારંભ પ્રસંગે એ વિભાગના રાજયમંત્રી મુકેશ પટેલે જાહેરાત કરી હતી કે ગુજરાતમાં હવે ક્લાઈમેટ ચેન્જ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.આ રીતે હવે ગુજરાતને એક નવી યુનિવર્સિટી મળશે.અલબત આ માત્ર જાહેરાત છે.
આ યુનિવર્સિટીને કાર્યાન્વિત થતાં હજું એક વર્ષથી પણ વધુ સમય જશે.આ યુનિવર્સિટીનો એક્ટ વિધાનસભામાં મંજૂર કરાવવો પડશે તેમજ તેનું પ્રાથમિક માળખુ ઉભું કરવા માટે કુલસચિવ નીમવા પડશે.એ પછી ગુજરાતને એક વિશિષ્ટ યુનિવર્સિટી મળશે.
પ્રધાનમંડળમાં ફેરફારની ગરમાગરમ અફવા વચ્ચે બધું સ્થિર છે!
પાટનગરમાં ગુજરાતના મંત્રીમંડળમાં ફેરફારની નીતનવીન વાતો સતત વહેતી રહે છે.કમલમ સાથે નિકટતાથી સંકળાયેલા વર્તુળોમાંથી મળતી માહિતી જો સાચી માનીએ તો વાત એવી છે કે ભા.જ.પ.ના રાષ્ટ્રીય અને રાજ્ય પ્રમુખનું નામ નક્કી થયાં પછી પ્રધાનમંડળમાં ફેરફારની શક્યતા રહેશે.તેથી હાલ જે શાંતિ અને સ્થિરતા છે એ હજુ આગામી થોડા સમય સુધી યથાવત રહેશે એવું કહેવાય છે.