સણોસરા ગામ કે જ્યાં કોઈ ઘર પર નથી છત
અમદાવાદ, કચ્છમાં આમ તો પહેલેથી જ નળિયા વાળા મકાન બનાવવાની પદ્ધતિ ચાલી આવે છે. પરંતુ ભૂકંપ બાદ જ્યારે કચ્છ વિકાસની ઝડપી ગતિ સાથે જાેડાયો ત્યારે લોકોએ બે માળના પાકા મકાન બનાવવાનું શરૂ કર્યું હતું. પરંતુ આજે પણ કચ્છનું એક ગામ એવું છે જ્યાં લોકો ઘર પર છત બનાવતા નથી.
સદીઓ જૂની માન્યતા મુજબ આજે પણ સણોસરા ગામના લોકો પોતાના ઘર પર ધાળી બંધાવતા નથી પરંતુ નળિયા વાળા મકાનમાં રહે છે.
ચારેય બાજુ ડુંગરો વચ્ચે વસેલા સણોસરા ગામમાં ૫૦૦ જેટલા મકાનો આવેલા છે. મોટાભાગે માલધારી સમાજના લોકોનો વસવાટ ધરાવતા આ ગામમાં જ્યારે માલધારીઓ પહેલી વખત સ્થાયી થવા પહોંચ્યા ત્યારથી બાજુમાં આવેલા મોમાઈ માતાજીના મંદિરે માતાજીને પૂજવાનું શરૂ કર્યું હતું.
ગામલોકોના કહ્યા મુજબ માતાજીના ભૂવાએ વાયણી લીધી હતી કે ગામમાં કોઈ પણ પરિવાર પોતાના ઘરની છતમાં ધાડી નહીં ભરાવે. તો કોઈનું કહેવું છે કે ગામલોકોએ સ્વયમ છત ન બંધાવવાની વાયણી લીધી હતી કારણ કે માતાજી પ્રત્યેની આસ્થા થકી લોકોને છત વાળા માતાજીના મંદિરથી પોતાના ઘરોને વિશેષ બનાવવું ન હતું.
આવા વિવિધ કારણો વચ્ચે હકીકત તો એ છે જ કે ગામ વસ્યું તે સમયથી અત્યારસુધી કોઈએ અહીં પોતાના મકાન પર છત બંધાવી નથી. માત્ર આ ગામમાં જ નહીં પરંતુ આસપાસના ગામોમાં વસેલા અનેક લોકો પણ આ માન્યતાઓ મુજબ પોતાના ઘર પર પાક્કી છત બનાવતા નથી. તો મૂળ સણોસરા ગામના અનેક વતનીઓ ધંધા રોજગાર માટે જિલ્લાના અન્ય શહેર અને ગામડાઓમાં સ્થળાંતર કર્યા બાદ પણ આ પરંપરાને જાળવી રાખી ત્યાં પણ નળિયા અથવા પત્રા વાળા મકાનમાં રહે છે.
ગ્રામજનોના કહ્યા મુજબ અનેક અન્ય ગામડાઓમાં વસતા અહીંના પરિવારોએ નવી આકર્ષક પદ્ધતિ વાળા મકાનમાં પણ પાક્કી છત ન બંધાવી મકાનનું એવી રીતે નિર્માણ કર્યું છે કે દૂરથી જાેનારાને લાગે જ નહીં કે તે ઘર નળિયા અથવા પતરાથી બનેલું છે.
માતાજી પ્રત્યેની શ્રદ્ધા વચ્ચે એવી પણ લોકમાન્યતા આ ગામમાં છે કે જાે આ વાયણી વિરુદ્ધ જઈને કોઈ પાક્કી છત બંધાવે છે તો તે અંધ થઈ જાય છે.
ગામમાં વડીલો પાસેથી સંભાળવા મળતી વાતો મુજબ અનેક લોકોએ આ પ્રથા વિરુદ્ધ જઈને પાક્કું મકાન બંધાવ્યું પણ ત્યારબાદ તેમણે પોતાની દ્રષ્ટિ ગુમાવી હતી. તો તેમાંથી ઘણા લોકોને પોતાની ભૂલનો ખ્યાલ આવતા છત તોડી પાડતા પરત દૃષ્ટિ મેળવી હતી.SS1MS