સરપંચ અને ઉપસરપંચ દીકરીઓને પંચાયતી રાજ વ્યવસ્થા અંગે તાલીમ આપવામાં આવી

સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓની તાલીમ યોજાઈ
દીકરીઓએ મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાના વિવિધ પ્રકલ્પો વિશેની જરૂરી માહિતી અને માર્ગદર્શન મેળવ્યું
અમદાવાદ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી હેઠળ કાર્યરત સંકલ્પ-હબ ફોર એમ્પાવરમેન્ટ ઑફ વિમન યોજના અને આઈ.સી ડી.એસ. સાણંદ ઘટક-2ના સંયુક્ત ઉપક્રમે સાણંદ તાલુકા પંચાયત ખાતે બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓની તાલીમ યોજવામાં આવી હતી.
આ તાલીમમાં જેન્ડર સ્પેશિયાલિસ્ટ શ્રી જીતેશ સોલંકી અને સ્પેશિયાલિસ્ટ ઈન ફાઈનાન્સ લિટ્રેસી સુશ્રી હેમલ બારોટ દ્વારા ‘બેટી બચાવો, બેટી પઢાવો’ યોજના હેઠળ ગ્રામ પંચાયત કક્ષાએ રચવામાં આવેલ બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓને પંચાયતી રાજ વ્યવસ્થા અને બાલિકા પંચાયતનાં કાર્યો અંગે તાલીમ આપવામાં આવી હતી.
તદુપરાંત, દીકરીઓને મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ અમલી મહિલા કલ્યાણકારી યોજનાઓ અને સુરક્ષાના વિવિધ પ્રકલ્પો વિશેની જરૂરી માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
આ તાલીમમાં સાણંદ ઘટક-2ના બાળ વિકાસ યોજના અધિકારી સુશ્રી જાગૃતિબહેન, સેજાની મુખ્ય સેવિકાબહેન, મોટી સંખ્યામાં બાલિકા પંચાયતની સરપંચ અને ઉપસરપંચ દીકરીઓ અને આંગણવાડી કાર્યકર બહેનો ઉપસ્થિત રહ્યા હતા.