સંસ્કાર ધામ, ગોધાવી ખાતે રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન
૬૮મી અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ-૧૦ નવેમ્બર સુધી યોજાનારી ફેન્સિંગ સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના ૧૦૦૦થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો લેશે ભાગ
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે કરાયું આયોજન
શાળાના વિદ્યાર્થીઓમાં રહેલા રમતગમતના હુનરને યોગ્ય પ્લેટફોર્મ પૂરું પાડીને ભવિષ્યના રમતવીરો તૈયાર કરવાની દિશામાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓનું આયોજન કરવામાં આવે છે.
હાલમાં રાજ્યમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરીઓના સંયુક્ત ઉપક્રમે અખિલ ભારતીય શાળાકીય રમત સ્પર્ધાઓ અંતર્ગત વિવિધ સ્પર્ધાઓ યોજાઈ રહી છે.
અમદાવાદના ગોધાવી ખાતે સંસ્કારધામ સ્કૂલ કેમ્પસમાં આવેલા વિજયી ભારત ફાઉન્ડેશન ખાતે ૧૦ નવેમ્બર સુધી રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે.
સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત અને જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમદાવાદ ગ્રામ્યના સંયુક્ત ઉપક્રમે યોજાઈ રહેલી રાજ્ય કક્ષાની ફેન્સિંગ સ્પર્ધાઓમાં અંડર ૧૪, ૧૭ અને ૧૯ વયજૂથના ૧૦૦૦થી વધુ ખેલાડી ભાઈઓ-બહેનો ભાગ લેશે.