બોર્ડર પર રહેતા BSF જવાનોને આંગણવાડીની બહેનોએ રાખડી બાંધી
ભાઈ-બહેનના પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધન
સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ ફાંગલી અને એવાલ બોર્ડર પર રહેતા બીએસએફ જવાનોને આંગણવાડીની બહેનોએ રાખડી બાંધી
(પાટણ) દેશની સેવા માટે સદા સમર્પિત એવા આપણા ઝાંબાઝ જવાનો ક્યારેય કોઈ તહેવાર જોતા નથી. વાર-તહેવાર જોયા વગર સદાય દેશની સેવા માટે ખડેપગે રહેતા જવાનો જ્યારે દેશની રક્ષા કરતા હોય ત્યારે રક્ષાબંધનના દિવસે તેઓ તો પોતાની બહેનોના હસ્તે રાખડી બંધાવા માટે જઈ નથી શકતા
પરંતુ અનેક બહેનો તેઓને રાખડી બાંધવા માટે આવે છે. પાટણ જિલ્લાની આંગણવાડીની બહેનોએ પણ સાંતલપુર તાલુકાના સરહદી વિસ્તારમાં આવેલ એવાલ અને ફાંગલી ગામે બોર્ડર પરના જવાનોના કાંડે રક્ષા રૂપી તાંતણો બાંધ્યો હતો.
ભાઈ બહેનના અતુટ પ્રેમનું પ્રતિક એટલે રક્ષાબંધનનો તહેવાર. આ તહેવાર દર વર્ષે શ્રાવણ મહિનાની પૂર્ણિમાના દિવસે મનાવવામાં આવે છે. જેના ભાગરૂપે સાંતલપુર તાલુકાના ફાંગલી અને એવાલ બોર્ડર પરના જવાનો માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રી બી.એમ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ રાખડીઓ લઈ જવામાં આવી હતી. આંગણવાડીની બહેનોએ જવાનોના હાથમાં રાખડી બાંધીને તેઓને કંકુ તિલક કર્યા હતા.