સગીરાની હત્યા કરનારા સાંથલના યુવકને આજીવન કેદની સજા

મહેસાણા, સાંથલ ગામે રહેતો મહેન્દ્ર ઉર્ફે કાળીયો અમરતભાઈ રાવળ વર્ષ ૨૦૨૨માં એક સગીરાને પ્રેમ સંબંધ રાખવાનું કહીંને હેરાન કરતો હતો.
દસેક દિવસ સુધી ચાલેલી તેની આ હરકત અંગે સગીરાએ પરિવારજનોને જાણ કરતાં તા.૨૮-૦૮-૨૦૨૨ના રોજ તેણીના પરિવારજનોએ મહેન્દ્ર ઉર્ફે કાળિયાના ઘરે જઈને તેને ઠપકો આપતાં તેણે સગીરાને પતાવી દેવાની અને તેના ટુકડે ટુકડા કરી દેવાની ધમકી આપી હતી.
બીજા દિવસે તા.૨૯-૦૮-૨૦૨૨ના રોજ સવારે સગીરા તેના ઘર આગળ ચોકડીમાં બ્રશ કરતી હતી ત્યારે મહેન્દ્ર લોખંડનું ધારિયું લઈને ત્યાં આવ્યો હતો અને તું મારી સાથે પ્રેમ સંબંધ રાખતી નથી એટલે તને જીવવા દેવી નથી તેમ કહીં સગીરના માથા અને મોઢા ઉપર ધારિયાના ઘા મારવા લાગ્યો હતો.
સગીરાનું માથું ફાટી જવા સહિત ગંભીર ઈજાઓ સાથે લોહીલુહાણ હાલતમાં તે નીચે પડી ગઈ હતી. ઘરે હાજર સગીરાને બહેન-બનેવીએ તેની નજીક જવાનો પ્રયાસ કરતાં મહેન્દ્રએ તેમની સામે પણ ધારિયું ઉગામતાં તેમણે બુમાબુમ કરી દીધી હતી અને મહેન્દ્ર ઉર્ફે કાળીયો ત્યાંથી નાસી ગયો હતો. ગંભીર ઈજાગ્રસ્ત સગીરાને સારવાર માટે મહેસાણા સિવિલમાં લઈ ગયા બાદ અમદાવાદ લઈ જવાતી હતી ત્યારે રસ્તામાં જ તેનું મોત નીપજ્યું હતું.
આ બાબતે સાંથલ પોલીસ મથકે હત્યા અને પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધાયો હતો. આ કેસમાં સરકારી વકીલે કોર્ટ સમક્ષ ૨૪ જેટલા પુરાવા રજૂ કર્યા હતા અને ૧૭ સાક્ષી તપાસ્યા હતા. જે પુરાવા અને દલીલો ગ્રાહ્ય રાખી મહેસાણાના સ્પેશિયલ પોક્સો જજ એસ.એસ.કાલેએ આરોપી મહેન્દ્ર ઉર્ફે કાળીયો રાવળને IPC કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદની સજા અને રૂ.૫૦૦૦ દંડ સહિત વિવિધ કલમો હેઠળ અલગ અલગ સજા અને દંડ ફટકાર્યાે હતો. તેમજ ભોગ બનનારને રૂ.૭ લાખ વળતર અપાવતો આદેશ કર્યાે હતો.SS1MS