કરિયાણાની દુકાનમાંથી અજાણ્યા શખ્સોએ ૧.૪ર લાખની ચોરી
(પ્રતિનિધિ)ગોધરા, મોરવા હડફ તાલુકા ના સંતરોડ મેઈન બજારમાં આવેલી એક કરિયાણાની દુકાનમાં અજાણ્યા તસ્કરોએ દુકાનની પાછળના ભાગેથી લોખંડની જાળી કાપીને દુકાનમાં પ્રવેશ કરી મૂકી રાખેલ સરસામાન તથા કાઉન્ટરના ડ્રોવર માંથી રોકડ રકમ સહિત ૧,૪૨ હજારના ચોરી કરી ફરાર થઈ ગયા હતા.
જે સમગ્ર બનાવની મોરવા હડફ પોલીસ મથકમાં અજાણ્યા ચોર વિરૂદ્ધ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ તો મોરવા હડફ પોલીસ દ્વારા અજાણ્યા ચોર ઈસમો વિરૂદ્ધ ગુનો દાખલ કરી અને પકડવા માટે ની કવાયાતો હાથ ધરવામાં આવી છે.
આ બનાવ સંદર્ભે મોરવા હડફ તાલુકાના સંતરોડ જૂની પોસ્ટ બજારમાં રહેતા અમર બાબુરામ ઠાકોર પોતાની પોલીસ ફરિયાદમાં જણાવ્યું હતું કે, ગત.૦૮/૦૮/૨૦૨૪ ના સાંજના આશરે છ વાગ્યાના અરસામાં દુકાન બંધ કરી તેઓ પોતાના ઘરે ગયા હતા અને તા. ૦૯/૦૮/૨૦૨૪ ના રોજ સવારના તેઓ ઘરે હતા ત્યારે નવેક વાગ્યાના સુમારે સંતરોડ ગામના તેઓના મિત્ર ઉમેશ મગનભાઈ રાવળનો ફોન કરી કહ્યું હતું કે તમારી દુકાનની પાછળની બારી તુટેલી છે.
જેથી તેઓ તાત્કાલિક દુકાન ઉપર આવી અને દુકાનનું તાળું ખોલી અંદર જઈને જોયું તો દુકાનની પાછળના ભાગે આવેલ લોખંડની બારી કોઇ સાધન વડે કાપી નાખી હતી અને દુકાનમાં તપાસ કરતા દુકાનમાં મુકી રાખેલ સર સામાન વેર વિખેર હાલતમાં પડી રહ્યો હતો. દુકાનમાંથી ૧.૪ર લાખનું મતાની ચોરી થયાની જાણ થતાં જ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.