Western Times News

Gujarati News

સરદાર સરોવર ડેમ સહિત રાજ્યના ૨૦૭ જળાશયોમાં હાલની સ્થિતિએ ૧૪,૨૬૯.૭૩ મિલિયન ઘન મીટર પાણી

File Photo

પાણી પુરવઠા વિભાગ-જળ સંપતિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેય વિભાગો લોકોને પૂરતો પાણી પુરવઠો મળે તે માટે સંકલન કરશે-ઉનાળામાં રાજ્યમાં પીવાના પાણીના આયોજન અંગે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને ઉચ્ચસ્તરીય બેઠક

* રાજ્યમાં ઉત્તર ગુજરાતના ૮ – મધ્ય ગુજરાતના ૬ – દક્ષિણ ગુજરાતના ૪ અને સૌરાષ્ટ્રના ૩૫ તથા કચ્છના ૯ મળી કુલ ૬૨ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત છે.
* ૧૫,૭૨૦ ગામો અને ૨૫૧ શહેરોને ૩૭૨ જૂથ પાણી પુરવઠા યોજનાઓ દ્વારા પાણી પહોંચાડવામાં આવે છે.
* પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ માટે ગાંધીનગરમાં ૨૪X૭ કંટ્રોલરૂમ અને ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત.
* ૧૧૯ હેન્ડ પંપ રીપેરીંગ ટીમની નિયુક્તિ

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યમાં ઉનાળા દરમિયાન નાગરિકોને સરળતાથી પીવાના પાણીની પૂરતી ઉપલબ્ધિ થાય તે માટેના આયોજનની સર્વગ્રાહી સમીક્ષા ગાંધીનગરમાં ઉચ્ચસ્તરીય બેઠક યોજીને કરી હતી.

મુખ્યમંત્રીશ્રીએ આ હેતુસર પાણી પુરવઠા વિભાગ, જળ સંપત્તિ વિભાગ અને સરદાર સરોવર નર્મદા નિગમ ત્રણેયના સંકલનથી લોકોને પૂરતું પાણી મળે તે સુનિશ્ચિત કરવાના દિશા નિર્દેશો આપ્યા હતા.

જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા, રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ, મુખ્ય સચિવ શ્રી પંકજ જોષી, મુખ્યમંત્રીશ્રીના સલાહકાર શ્રી રાઠૌર, નર્મદા નિગમના સી.એમ.ડી. શ્રી મુકેશ પુરી, અધિક મુખ્ય સચિવ(નર્મદા) શ્રી સી.વી. સોમ અને વરિષ્ઠ સચિવો આ બેઠકમાં સહભાગી થયા હતા.

મુખ્યમંત્રીશ્રી સમક્ષ આ બેઠકમાં કરવામાં આવેલા પ્રેઝન્ટેશનમાં રાજ્યના જળાશયોની હાલની સ્થિતિ તેમજ પાણી પુરવઠા વિભાગ દ્વારા લોકોને સરળતાથી પીવાનું પાણી મળી રહે તે માટેની કામગીરીનું વિવરણ આપવામાં આવ્યું હતું.

આ બેઠકમાં જણાવવામાં આવ્યું હતું કે, રાજ્યમાં હાલ ૬૨ જળાશયોનું પાણી પીવાના ઉપયોગ માટે આરક્ષિત રાખવામાં આવ્યું છે. એટલું જ નહીં, સરદાર સરોવર ડેમ સહિત કુલ ૨૦૭ જળાશયોમાં ૧૪,૨૬૯.૭૩ મિલિયન ઘન મીટર પાણી સંગ્રહિત થયેલું છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ખાસ કરીને કચ્છ જિલ્લામાં પીવાના પાણીની કોઈ મુશ્કેલી ન થાય તેને ધ્યાને લઈને ટપ્પર ડેમમાં વર્ષ દરમિયાન જરૂરિયાત પ્રમાણે નર્મદા કેનાલથી પાણી ભરવા અને સૌરાષ્ટ્ર વિસ્તાર માટે વલ્લભીપુર બ્રાન્ચ કેનાલમાં પૂરતા પ્રમાણમાં નર્મદા જળ ઉપલબ્ધ કરાવવા અંગે સરદાર સરોવર નર્મદા નિગમને જણાવ્યું હતું.

રાજયના કુલ ૧૮૧૫૨ ગામો/ ૨૯૨ શહેરો પૈકી ૧૫૭૨૦ ગામો/ ૨૫૧ શહેરોને ૩૭૨ જેટલી જુથ યોજનાઓ દ્વારા પીવાનું પાણી પહોંચાડવામાં આવે છે. જેમાં ૧૦૬૫૯ ગામો/ ૧૯૦ શહેરોને નર્મદા આધારીત યોજનાથી તેમજ ૫૦૬૧ ગામો તથા ૬૧ શહેરોને અન્ય ડેમ આધારીત યોજનાથી પાણી પુરૂ પાડવામાં આવી રહ્યું છે તેની વિગતો પાણી પુરવઠા વિભાગે પુરી પાડી હતી.

આ ઉપરાંત પાણી પુરવઠાની સ્થિતિ પર દેખરેખ રાખવા માટે ગાંધીનગરમાં ૨૪X૭ કંટ્રોલ રૂમ અને ૧૯૧૬ ટોલ ફ્રી નંબર કાર્યરત કરવામાં આવ્યો છે. તેની અને હેન્ડ પંપ રિપેરીંગ માટે ૧૧૯ જેટલી ટીમો નિયુક્ત કરવામાં આવી છે તેની વિગતો અગ્ર સચિવ શ્રીમતી શાહમીના હુસેને આ બેઠકમાં આપી હતી.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા સરદાર સરોવર ડેમમાંથી પાણી ઉપલબ્ધ થાય તે માટેના આયોજન અંગે પણ નિગમના સી.એમ.ડી. શ્રી મુકેશ પુરી સાથે ચર્ચા પરામર્શ કર્યા હતા. જળ સંપતિ સચિવ શ્રી વ્યાસ અને સંબંધિત અધિકારીઓ પણ આ બેઠકમાં જોડાયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.