રૂપિયાની લેતી-દેતીમાં બુટલેગર્સનો સરદારનગરમાં આતંક
કેટરિંગના રૂપિયા લેવા જતા યુવકે રાજુ ગેંડીના પુત્ર પર હુમલો કર્યો: વળતા જવાબમાં રાજુ ગેંડીએ પુત્રો સાથે મળીને યુવક અને તેના ભાઈને માર માર્યો
(એજન્સી)અમદાવાદ, શહેરમાં પોલીસ કિલ્લેબંધી કરી દીધી હોવા છતાંય ગુનેગારો બેફામ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. પોલીસ કમિશનર જી.એસ.મલિક ગુનાખોરીનો ગ્રાફ ઘટયો હોવાનો દાવો કરી રહ્યા છે ત્યારે બુટલેગર્સ દ્વારા હુમલાની ઘટનાઓ એક પછી એક સામે આવી રહી છે.
શહેરના ઓઢવ વિસ્તારમાં બુટલેગર્સે કરેલા પથ્થરમારાની ઘટના હજુ શાંત નથી પડી ત્યારે સરદારનગરમાં કુખ્યાત બુટલેગર રાજુ ગેંડી અને તેના પુત્રોએ કેટરિંગના રૂપિયા આપવા મામલે હુમલો કર્યો છે તો બીજી તરફ રાજુ ગેંડીના પુત્ર ઉપર પણ છરી વડે હુમલો થયો છે. સરદારનગરમાં સામસામે હુમલો થતાં પોલીસ ટેન્શનમાં આવી ગઈ છે અને આવનારા દિવસોમાં હિંસક હુમલા થાય તેવી શક્યતાઓ દેખાઈ રહી છે.
સરદારનગર વિસ્તારમાં આવેલા રમેશ દત્ત કોલોનીમાં રહેતા નરેશ ઉર્ફે અંધેરૂ ટેકવાણીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં કુખ્યાત બુટલેગર રાજુ ઉર્ફે ગેંડી ક્રિષ્ણાની, તેના પુત્ર રવિ અને વીકી વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. નરેશ સંયુક્ત પરિવારમાં રહે છે અને કિરાણાની દુકાન ધરાવીને ધંધો કરે છે. નરેશનો ભાઈ કિશોર સરદારનગર ખાતે આવેલા હરીહર ફલેટમાં રહે છે. બે દિવસ પહેલાં નરેશ તેના મિત્ર વિજય સાથે સરદારનગર સર્કલ ખાતે નાસ્તો કરવા માટે ગયો હતો.
રાતે પોણા એક વાગ્યાની આસપાસ બન્ને નાસ્તો કરીને પરત આવી રહ્યા હતા. ત્યારે સરદારનગર કોહિનૂર કોલ્ડ ડ્રીંકસ નામની દુકાનની પાસે લોકો ટોળું વળીને ઊભા હતા.
નરેશ ટોળામાં જોવા માટે ગયો ત્યારે તેના ભાઈ કિશોર સાથે રાજુ ગેંડી, રવિ અને વિકી બબાલ કરી રહ્યા હતા. કિશોરને કેટરિંગના રૂપિયા લેવાના હોવાથી તે રાજુ ગેંડી પાસે ગયો હતો. જો કે, તેણે આપવાનો ઈન્કાર કરી દીધો હતો અને બાદમાં તેને માર મારવાનું શરૂ કરી દીધું હતું. રાજુ ગેંડી મારો મારો કરીને બૂમો પાડી રહ્યો હતો. કીશોર ભીડનો લાભ લઈને ત્યાંથી નાસી ગયો હતો.
જ્યારે નરેશ વીકી અને રવિના હાથે ચઢી ગયો હતો. વીકી અને રવિએ નરેશને ઝડપી લીધો હતો અને બબાલ કરીને મારામારી કરવા લાગ્યા હતા. બન્ને ભાઈઓ નરેશને માર મારતા હતા અને તારા ભાઈને કેમ ભગાડી દીધો તેમ કહીને ગાળો બોલતા હતા. દરમિયાનમાં વીકી ડંડો લઈને આવ્યો હતો અને નરેશને મારવાનું શરૂ કરી દીધું હતું.
રાજુ ગેંડી તેના પુત્રોને કહી રહ્યો હતો કે હજુ મારો તેને. દરમિયાનમાં કોઈએ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દેતાં પોલીસની ગાડી આવી પહોંચી હતી. નરેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યારે એરપોર્ટ પોલીસે રાજુ ગેંડી સહિત તેના પુત્ર વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે.
આ પહેલાં રાજુ ગેંડીના પુત્ર રવિ કિષ્નાનીએ એરપોર્ટ પોલીસ સ્ટેશનમાં કિશર ઉર્ફે મીઠા વિરૂદ્ધ હુમલાની ફરિયાદ કરી છે. બુધવારની રાતે રવિ તેના મિત્ર જયેશ સાથે ઊભો હતો ત્યારે રવિની પત્નીનો ફોન આવ્યો હતો અને કહેવા લાગી હતી કે, આપણા ઘરે કિશોર અને બીજા બે શખ્સો આવીને બબાલ કરી રહ્યા છે. રવિ તાત્કાલિક તેના ઘરે પહોંચ્યો ત્યાં કિશોર મળ્યો હતો.
કિશોરે રવીને જોતાંની સાથે કહ્યું કે, તારા પપ્પા પાસે મારે પૈસા લેવાના છે અને તે આપતા નથી. કિશોર અને રવિ બન્ને વાતો કરતા કરતા કોહિનૂર કોલ્ડ ડ્રિંક્સ પાસે પહોંચ્યા હતા જ્યાં મામલો બીચકયો હતો. કિશોરે તેની પાસે રહેલી છરી કાઢી હતી અને રવિના કપાળના ભાગે મારી દીધી હતી.
રવિને બચાવવા માટે જયેશ વચ્ચે પડતા તેને પણ કિશોરે છરી મારી હતી. કિશોર અને રવિ વચ્ચે બબાલ થતાં લોકોનું ટોળું ભેગું થઈ ગયું હતું. રવિએ આ મામલે કિશોર વિરૂદ્ધ ફરિયાદ કરી છે જેમાં પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.