સાડીની દુકાનમાં નોકરી કરતાં યુવાને ત્રણ નિરાધાર બાળકોને દત્તક લીધાં
મહેસાણામાં સર્વ સમાજ સેવા સમાજ ગ્રુપની સેવા મહેંકી-વિધવા બહેનોને સાડી, જરૂરતમંદોને શિયાળામાં ધાબળા અને ગરમ કપડાં સહિતની સેવાનું કામ કરે છે
(એજન્સી)મહેસાણા, મહેસાણા શહેરના ટીબી રોડ ઉપર રહેતો એક નાની વયનો યુવાન અગાઉ સામાજિક સંગઠનમાં જોડાયો હતો જેને સમાજ અને માનવ સેવા કરવા પ્રેરણા મળતાં તેણે સર્વ સમાજ સેવા ગ્રુપ નામનું એક નાનું સંગઠન બનાવ્યું છે અને આ યુવાન દ્વારા દાતાઓ તરફથી માત્ર નાની રકમ દાનમાં લેવામાં આવે છે.
શહેરના માતા-પિતા વગરના ત્રણ નાના બાળકોને દત્તક લીધા છે અને અભ્યાસ, વહેવારોમાં કપડા મીઠાઈ સહિતની વસ્તુઓ આપી મદદ રૂપ બની રહ્યા છે. સાથે સાથે વૃક્ષારોપણ, વિધવા બહેનોને સાડી, ગરીબોને શિયાળામાં ધાબળા, તહેવારોમાં મીઠાઈ, શાળા આંગણવાડીઓમાં શૈક્ષણિક કીટ વિતરણ સહિતની સેવાઓ આપે છે.
મહેસાણા શહેરના ટીબી રોડ ઉપર રહેતા ઠાકોર જયેશજી પ્રહલાદજી હાલ શહેરમાં એક સાડીની દુકાનમાં નોકરી કરી મહિને ૧ર હજાર જેટલો પગાર મેળવે છે. તે અગાઉ વર્ષ ર૦૧૧થી ઠાકોર સેનામાં જોડાયા હતા જ્યાં તેમણે પ્રેરણા મળતા તેમણે દરેક સમાજના લોકોની સેવા કરવાનું નક્કી કરી સર્વ સમાજ સેવા ગ્રુપ નામનું નાનું સંગઠન બનાવ્યું છે જેમાં પહેલાં એકલા હાથે સેવા કરવાની કામગીરી શરૂ કરી હતી. તેમના કામથી પ્રેરાઈ અન્ય સભ્યોનો પણ ઉમેરો થતો ગયો અને હાલ તમામ સમાજના મળી આશરે ૪પ જેટલા સભ્યો છે.
આ ગ્રુપના પ્રમુખ સહિતના સભ્યો શહેરમાં જે કોઈનો જન્મ દિવસ હોય ત્યાં જઈ શુભકામના પાઠવે છે અને પરિવાર પાસેથી ફૂલ નહીં તો ફૂલની પાંખડી સ્વરૂપે દાન સ્વીકારે છે. આ દાનમાંથી આ ગ્રુપ શહેરમાં વિવિધ સેવાના કામો કરે છે. શહેરમાં માતા-પિતા વગરના ત્રણ સંતાનો આ ગ્રુપના સભ્યોના ધ્યાને આવતા ત્યાં પહોંચી મુલાકાત લીધી હતી
અને વાસ્તવિકતા સાંભળી ત્રણેયે બાળકોને દરેક તહેવારમાં નવા કપડા અને મીઠાઈ આપવામાં આવે છે. સાથે સાથે અભ્યાસ માટેની સામગ્રી, રમકડાં સહિતની તમામ સગવડો પણ આપવામાં આવે છે. આ ત્રણ નાના બાળકો આગળ વધે તે માટે પ્રોત્સાહિત કરવામાં આવી રહ્યા છે. હોળીના તહેવારમાં ધાણી, દિવાળીના તહેવારમાં મીઠાઈ એમ દરેક તહેવાર નિમિત્તે કંઈકને કંઈક આપી ખુશ કરવામાં આવે છે.
આ ગ્રુપ દ્વારા શહેરમાં વૃક્ષારોપણ, વિધવા બહેનોને સાડી વિતરણ, જરૂરિયાતમંદોને શિયાળામાં ધાબળા, ગરમ કપડા, મીઠાઈ, કરિયાણા કીટ સહિતની વસ્તુઓ આપવામાં આવે છે. સાથે સાથે આંગણવાડી અને શાળાઓમાં અભ્યાસ કરતાં બાળકોને પણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવે છે.