સરીગામ રોટરી હોસ્પિટલને કેલિબર કેમિકલ કંપની દ્વારા સીએસઆર ફંડમાંથી રૂા. ૯૦ લાખ ફાળવાયા
(પ્રતિનિધિ) સરીગામ, ઉમરગામ તાલુકાના સરીગામની એન આર અગ્રવાલ રોટરી હોસ્પિટલ માં દર્દીઓને વિવિધ પ્રકારની સારવાર વર્તમાન સમયમાં અપાઈ રહી છે. પરંતુ અન્ય કેટલીક સુવિધાઓ અને સારવાર મળી રહે તે માટે સરીગામ જીઆઇડીસી માં વર્ષોથી ઔદ્યોગિક એકમ ધરાવતા કેલિબર કેમિકલ લિમિટેડ કંપની દ્વારા ટ્રોમાં સેન્ટર અને આઇસીયુ વોર્ડનું અત્યાધુનિક સુવિધા ધરાવતા મકાન અને સાધનો ઉપલબ્ધ કરાવા સીએસઆર ફંડ માંથી ૯૦ લાખ રૂપિયા જેટલી મતદાર રકમ ની સહાય આપવામાં આવી હતી.
કેલીબર કંપનીના ઉમદા અભિગમને બિરદાવી આ પ્રસંગે જિલ્લા કલેકટર ક્ષીપ્રા અગ્રે જિલ્લા પંચાયત પ્રમુખ અલકાબેન શાહ એન આર અગ્રવાલ કંપનીના ડિરેક્ટર અને રોટેરિયન રાજેન્દ્ર એન આર અગ્રવાલ કંપનીના અમિત વખારીયા અને સીએસઆર હેડ પરવેશ દુભાસ ખાસ ઉપસ્થિત રહ્યા હતાં. રોટરી ક્લબ ઓફ સરીગામના સભ્યો દ્વારા જિલ્લા કલેકટ૨ અને ઉપસ્થિત મહાનુભાવોનું પુષ્પગુચ્છ આપી સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ કેલિબર કંપનીના પ્રતિનિધિ તરીકે ઉપસ્થિત રહેલા અમિતભાઈ વખારીયા અને પરેવેશ દુભાસનું પણ સન્માન કરાયું હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રોમા સેન્ટરની સુવિધાના અભાવે જરૂરિયાત ધરાવતા દર્દીઓએ વાપી સુરત અને મુંબઈ સુધી દોડવું પડતું હતું. હવે સરીગામ રોટરી હોસ્પિટલ ખાતે સુવિધા ટૂંક સમયમાં ઉપલબ્ધ થતા ઉમરગામ તાલુકામાં જરૂરિયાત ધરાવતા દર્દીઓને રાહત મળી રહેશે.