Western Times News

Gujarati News

સાયખા GIDCમાં આયોજનના અભાવે પાણીના નિકાલની સમસ્યા?

કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓઠમાં કેમિકલ છોડ્‌યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે.

વાગરાના ભેરસમ ગામની સીમના ખેતરો પાણીથી પાક નેસ્તનાબૂદ થતાં ખેડૂતો ચિંતાતુર

(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં સાયખા ઈન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં નવનિર્મિત ફેક્ટરીઓના કારણે વરસાદી પાણીનાં નિકાલની સમસ્યા ઉત્પન્ન થતાં ભેરસમ ગામની સીમમાં આવેલ અંદાજીત ૨૦૦ એકરથી વધુ જમીનના પાક નેસ્તનાબૂદ થતાં ખેડૂતો ચિંતાતુર બન્યા છે.માત્ર ભેરસમ નહીં આસપાસનાના દરેક ગામોના તળાવમાં ફેરવાઈ ગયા છે.

જ્યા જુઓ ત્યાં પાણીજ પાણી નજરે પડી રહ્યું છે.સાયખાથી ભેરસમ જતા માર્ગ પરથી ઘૂંટણ સમા પાણી વહી રહ્યું છે.તો કેટલાક ખેતરોમાં અને જીઆઈડીસીના કેટલાક ખુલ્લા પ્લોટોમાં ભરાયેલ પાણીમાં લોકો મચ્છીમારી પણ કરી રહ્યા છે.મેઘરાજાના આકરા મિજાજે ચોમેર જળબંબાકારની સ્થિતિનું સર્જન કર્યું છે.

ભરૂચ જીલ્લાના વાગરા તાલુકામાં એક બાદ એક ૩ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના કરવામાં આવી છે.નાના મોટા હજારો ઉદ્યોગો આ વસાહતોમાં સ્થપાયા છે.જોકે આ વિકાસથી સ્થાનિકો માટે રોજગારીના અવસરો પણ ઉભા થયા છે.પરંતુ સાથે જ આજ ઔદ્યોગિક વસાહતોમાં બિન આયોજીત કંપનીઓના નિર્માણથી ખેડૂતોની રોજીરોટીનો ગંભીર પ્રશ્ન ઊભો થયો છે.ગતરોજ અણધાર્યા વરસાદના પ્રવાહથી વાગરા પંથકની સાથે વિલાયત અને સાયખા જીઆઈડીસીની આસપાસના ખેતરોમાં પણ પાણીના સમંદર સર્જાયા છે.જેમાં કેટલાક લોકો ઘરમાં જ પુરાય રહેવા સાથે અનેક પરિવાર ઘર છોડવા પર મજબુર બન્યા હોવાની નોબત આવી હતી.

વાગરા તાલુકામાં કાર્યરત સાયખા ઔદ્યોગિક વસાહતોની મધ્યમાં આવેલ ભેરસમ ગામ તેમજ નર્મદા વસાહતમાં રહેતા ખેડૂતો તેમજ ગ્રામજનો ભારે પરેશાનીમાં મુકાયા છે.ભેરસમ ગામની સીમમાં ૨૦૦ એકરથી વધુ જમીન ધરાવતા આ સ્થાનિકોના ખેતરોમાં ઉભા પાક પર વરસાદી પાણી ફરી વળ્યા છે. એક તરફ કૂદરતે સર્જેલ તારાજી છે.

તો બીજી તરફ માનવસર્જિત આફત બંને સામે સ્થાનિક ખેડૂતો તેમજ ગ્રામજનો લાચાર બન્યા છે.વર્ષોથી ભેરસમની સીમ માંથી વરસાદી પાણીના નિકાલ માટે મસમોટી વરસાદી કાંસ સાયખા ગામના સીમ વિસ્તાર માંથી નીકળતી હતી.પરંતુ વિકાસના નામે આ જગ્યાએ જીઆઈડીસીનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને પ્લોટોની ફાળવણી ઉદ્યોગકારોને કરવામાં આવી.

આ પ્લોટો ઉપર ઉદ્યોગકારો દ્વારા કંપનીઓ તેમજ ફેકટરીઓનું નિર્માણ કરવામાં આવ્યું.જેથી આ વરસાદી કાંસનું પુરાણ થઈ જતાં પાણીના નિકાલની ગંભીર સમસ્યા ઉદભવી છે.વરસાદી કાંસના માર્ગને માટીથી પુરાણ કરી ઉદ્યોગો સ્થાપિત કરી દેવાયા છે.જ્યાં પાણીના નિકાલ માટે આંતર કેનાલ બનાવવાની તાતી જરૂરિયાત હતી.

ત્યાં કંપની ધારકોએ એન્ટ્રીગેટ અને માર્ગ બનાવવા માટી પુરાણ કરી વરસાદી પાણીના નિકાલને અટકાવી દીધું છે.

તદુપરાંત કેટલાક બેફામ ઉદ્યોગકારોએ વરસાદી પાણીની ઓઠમાં કેમિકલ છોડ્‌યું હોવાથી કેમિકલયુક્ત પાણીના પણ તળાવો નજરે પડી રહ્યા છે.જેના કારણે આજરોજ ભેરસમ ગામના ખેડૂતોએ એકત્ર થઈ જીઆઈડીસી તેમજ કંપની ધારકો વિરૂદ્ધ અવાજ ઉઠાવી પોતાને થયેલ ખેત નુકસાનીના વળતરની માંગણી સાથે આ સમસ્યાનું કાયમી નિકાલ કરવામાં આવે તેવી માંગણી કરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.