SBIએ હોમ લોનના સહ-ધિરાણ માટે હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ સાથે સમજૂતી કરી
આ સમજૂતીકરાર અંતર્ગત (એમઓયુ) સહ-ધિરાણ મોડલ અંતર્ગત ધિરાણથી વંચિત અને ઓછી સુવિધા ધરાવતા ક્ષેત્રો માટે હોમ લોન આપશે
મુંબઈ, ભારતની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (એસબીઆઈ)એ 5 હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓ (HFCs) સાથે સહ-ધિરાણની સમજૂતી કરી છે. આ પાંચ હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઓમાં પંજાબ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ,
શ્રીરામ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ, એડલવાઇસ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ અને કેપ્રિ ગ્લોબલ હાઉસિંગ ફાઇનાન્સ લિમિટેડ સામેલ છે. આ સમજૂતી અંતર્ગત બેંક આરબીઆઈની માર્ગદર્શિકાઓ સાથે સુસંગત રીતે ધિરાણથી વંચિત અને ઓછી સુવિધા ધરાવતા ક્ષેત્રને હોમ લોન મંજૂર કરશે.
ભારત માટે ખાસ કરીને આર્થિક રીતે નબળાં વર્ગ (ઇડબલ્યુએસ) અને સમાજના અનૌપચારિક વર્ગો માટે મુખ્ય સમસ્યા એફોર્ડેબલ હાઉસિંગમાં લોનની ખેંચ છે. આ સેગમેન્ટમાં પહોંચ વધારવા એસબીઆઈ વિવિધ એચએફસી સાથે સહ-ધિરાણની તકો મેળવવા આતુર છે.
આ જોડાણ પર એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ કહ્યું હતું કે, “અમને સહ-ધિરાણના કાર્યક્રમ અંતર્ગત HFCs સાથે જોડાણ કરવાની ખુશી છે. આ જોડાણથી અમારા વિતરણ નેટવર્કમાં વધારો થશે, કારણ કે અમારો ઉદ્દેશ વંચિત અને ઓછી સુવિધા ધરાવતા સેગમેન્ટના વધારે હોમ લોન ઋણધારકોને ધિરાણની પહોંચ વધારવાનો છે.
આ પ્રકારના જોડાણો અમારી કટિબદ્ધતા ભારતમાં નાનું ઘર ખરીદતા ગ્રાહકોને અસરકારક અને વાજબી ધિરાણને વેગ આપવાનો તથા “વર્ષ 2024 સુધી તમામ માટે મકાન”ના વિઝનને સાકાર કરવાને સુસંગત છે.”
આરબીઆઈએ અર્થતંત્રના વંચિત અને ઓછી સુવિધા ધરાવતા ક્ષેત્રોને ધિરાણના પ્રવાહને વધારવા તેમજ પ્રાથમિકતા ધરાવતા ક્ષેત્રને ધિરાણ માટે વાજબી ખર્ચે ઋણધારકોને ફંડ ઉપલબ્ધ કરાવવા બેંકો અને HFCs/NBFCs માટે સહ-ધિરાણની યોજના પર માર્ગદર્શિકા જાહેર કરી હતી. સહ-ધિરાણના મોડલનો ઉદ્દેશ ઋણધારકોને લાભદાયક વ્યાજદરે ધિરાણ આપવાનો છે અને વધુ લોકોને ધિરાણ આપવાનો છે.
મુંબઈમાં આ જોડાણ પરના પત્રો એસબીઆઈના ચેરમેન શ્રી દિનેશ ખારાએ ઉપર ઉલ્લેખિત HFCsના સંબંધિત હેડને સુપરત કર્યા હતા. આ પ્રસંગે એસબીઆઈના મેનેજિંગ ડિરેક્ટર ઘી ચલ્લા શ્રીનિવાસુલુ શેટ્ટી, એસબીઆઈના ડેપ્યુટી મેનેજિંગ ડિરેક્ટર (આરબી) શ્રીમતી સલોની નારાયણ અને એસબીઆઈના સીજીએમ (આરઇ) શ્રી મહેશ ગોયલ ઉપસ્થિત હતાં.