SBI : હોમલોનના EMI ઘટી જશે
મુંબઇ, દેશની સૌથી મોટી સરકારી બેન્ક ભારતીય સ્ટેટ બેન્કે ગ્રાહકોને નવા વર્ષ પહેલા મોટી ભેટ આપી છે. SBIએ એક્સટર્નલ બેંચમાર્ક બેસ્ટ રેટ (EBR)માં ઘટાડો કર્યો છે. ઘટાડા બાદ રેટ 8.05થી ઘટીને 7.80 ટકા પર આવી ગયો છે. તેમાં 25 બેસિસ પોઇન્ટ (BPS)નો ઘટાડો આવ્યો છે. નવા દરો એક જાન્યુઆરી 2020થી લાગુ થઇ રહ્યાં છે.
SBIએ MSME, હાઉસિંગ અને રિટેલ લોન માટે તમામ ફ્લોટિંગ રેટ લોનને ઇબીઆર સાથે જોડવાનો નિર્ણય લીધો છે. તેનાથી ગ્રાહકોને ઘણો ફાયદો થશે. આવું એટલા માટે કારણ કે તેમની હોમ લોનની ઇએમઆઇ ઘટી જશે. હોમ લોન લેવા પર હવે વ્યાજ દર વાર્ષિક 7.90 ટકાથી શરૂ થશે. પહેલાં આ દર 8.15 ટકા હતો.
પહેલાં પણ કર્યો હતો બદલાવ અગાઉ પણ ડિસેમ્બરમાં ભારતીય સ્ટેટ બેન્ક ગ્રાહકોને મોટી ભેટ આપી ચુકી છે. આ મહિને SBIએ એક વર્ષના માર્જિનલ કોસ્ટ ઑફ લેંડિંગ રેટ (MCLR)માં 10 બીપીએસમાં ઘટાડો કર્યો હતો. જે બાદ આ દર આઠ ટકાથી ઘટાડીને 7.90 ટકા થઇ ગયો છે. નવા દરો 10 ડિસેમ્બર 2019થી લાગુ થયા હતા. આ સાથે જ નવેમ્બર મહિનામાં પણ SBIએ એમસીએલઆરમાં બદલાવ કર્યો હતો. ત્યારે SBI એક વર્ષના MCLRમાં 5 BPSનો ઘટાડો કર્યો હતો. જે બાદ આ દર 8.05 ટકાથી ઘટાડીને 8 ટકા કર્યો હતો.