SBI બેંક શાખાના 3 માંથી 2 ATM બંધ…!!ATM માં દિવા તળે અંધારા જેવી સ્થિતિ
અરવલ્લી:અરવલ્લી જિલ્લામાં અવાર નવાર બેંકોના એટીએમ બંધ થતા ગ્રાહકોએ ધરમના ધક્કા ખવાનો વારો આવ્યો છે. સરકાર બેંકોમાં અવાર-નવાર બદલાવ કરીને ગ્રાહકોની સુવિધાઓમાં વધારો કરવાની વાતો કરે છે પણ સુવિધાઓ અથવા તો ટેકનિકલ કારણોથી બંધ પડેલી સિસ્ટમને ફરી શરૂ કરવામાં અધિકારીઓને જાણે કોઇ જ રસ ન હોય તેવું લાગે છે. મોડાસામાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ સર્જાતા મોડાસા ચાર રસ્તાની સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાની શાખાના એટીએમ રૂમમાં દિવા તળે અંધારા જેવી સ્થિતિ વારંવાર સર્જાઇ રહી છે, પણ બેંક તેમના ગ્રાહકોને સુવિધા વધારવાને બદલે દુવિધા વધારી રહી હોય તેવું લાગી રહ્યું છે.
મોડાસા ચાર રસ્તાની સ્ટેટ બેંક શાખામાં સવારે નાણાં ઉપાડવા તેમજ જમા કરાવવા માટે ગ્રાહકો પહોંચ્યા હતા પણ ત્રણમાંથી બે એટીએમ બંધ હાલતમાં જોવા મળતાં ગ્રાહકો વીલા મોં એ પાછા ફરવાનો વારો આવ્યો હતો. ચાર રસ્તા બેંક શાખાની બાજુમાં એટીએમ માટે વિશેષ રૂમ છે જ્યાં ત્રણ મશિન મુકાયા છ, જેમાંથી ગ્રાહકો 24 કલાક કોઇપણ સમયે નાણાંની લેવડ-દેવડ આસાનીથી કરી શકે પણ હવે આવું નથી રહ્યું કારણ કે, મોટાભાગના સમયે એટીએમ આઉટ ઓફ સર્વિસ થાય છે તો કોઇકવાર નાણાં ખૂટી પડે છે. ગુરૂવાર સવારે એક એટીએમમાં ઓફ લાઇન નો મેસેજ ફ્લેશ થતો હતો ત્યારે બીજા એટીએમમાં બ્લેક સ્ક્રૂટીન જોવા મળતાં ગ્રાહકો રોષે ભરાયા હતાં, પણ તેઓ પૂછે તો કોને પૂછે, અહીં તો કોઇ જવાબ આપવા વાળું હોતું નથી.
ગ્રાહકોની સવલત માટે મુકવામાં આવેલા ત્રણએટીએમ હવે શોભાના ગાંઠિયા સમાન લાગતું હોય તેવું લાગી રહ્યું છે. ‘સાહેબ’ કોણ છે કે જે ગ્રાહકોની સમસ્યા સમજી શકે. ‘સાહેબ’ ને ક્યારેય ઇમર્જન્સીમાં નાણા એટીએમમાંથી ઉપાડવાની જરૂર નહીં પડી હોય એટલે તેઓ કદાચ સમજી શકતાં નથી, અને તેઓ સમજી પણ નહીં શકે કારણે તેઓ ગમે ત્યારે બેંકમાંથી નાણાં ઉપાડી શકતા હશે તેથી તેઓને કડવો અનુભવ ક્યાંથી થાય.