SBI માં મહિનામાં ત્રણથી વધુ વખત કેશ જમા કરાવવા પર ચાર્જ વસૂલાશે
ટેકનિકલ કારણસર ચેક રિટર્ન થશે તો પણ ઈશ્યૂ કરનારે રૂ.૧૬૮નો ચાર્જ ચૂકવવો પડશે
નવી દિલ્હી, દેશની સૌથી મોટી સરકારી બેન્ક સ્ટેટ બેન્ક ઓફ ઈન્ડિયા (SBI) એ ૧ ઓક્ટોબર, ૨૦૧૯થી પોતાના સર્વિસ ચાર્જમાં ફેરફાર કર્યા છે. હવે એસબીઆઈમાં રૂપિયા જમા કરાવવા,રૂપિયા ઉપાડવા, ચેકનો ઉપયોગ એટીએમ ટ્રાન્ઝેક્શન જેવા વ્યવહારો માટે એસબીઆઈ સર્વિસ ચાર્જ વસૂલશે. હવે SBIમાં જાે એક મહિનામાં ત્રણથી વધુ વખત કેશ જમા કરાવવામાં આવશે તો દર વખતે રૂ.૫૬નો સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે. આમ એસબીઆઈ પોતાના સર્વિસ ચાર્જમાં જે સૌથી મોટો બદલાવ કરવા જઈ રહી છે તેમાં બેન્ક ખાતામાં રોકડ જમા કરાવવાના ચાર્જનો પણ સમાવેશ થાય છે.
SBIના સર્ક્યુલર અનુસાર ૧ ઓક્ટોબર બાદ હવે તમે એક મહિનામાં તમારા બેન્ક ખાતામાં માત્ર ત્રણ વખત જ મહિના વિના મૂલ્યે કેશ જમા કરાવી શકશો. જા ચોથી વખત તમે કેશ જમા કરાવશો તો પ્રત્યેક ટ્રાન્ઝેક્શન પર રૂ.૫૦ વત્તા જીએસટી એટલે કે પ્રત્યેક ટ્રાન્ઝેક્શન દીઠ રૂ.૫૬ના સર્વિસ ચાર્જ ચૂકવવો પડશે, જે તમારા ખાતામાંથી ડેબિટ થઈ જશે.
બેન્ક સર્વિસ ચાર્જ પર ૧૨ ટકા જીએસટી વસૂલે છે.
આમ, ત્રણ ટ્રાન્ઝેક્શન બાદ ચોથી, પાંચમી કે તેથી વધુ વખત કેશ જમા કરાવા પર દર વખતે રૂ.૫૬ વધુ ચૂકવવા પડશે. અત્રે ઉલ્લેખનીય છે કે અત્યારે એસબીઆઈ સિવાય કોઈ પણ બેન્કમાં રોકડ જમા કરાવવા અંગે કોઈ રોકટોક કે ચાર્જ નથી. એસબીઆઈએ ચેક રિટર્નના નિયમમાં પણ કડક વલણ અપનાવ્યું છે.
બેન્કના સર્ક્યુલર અનુસાર ૧ ઓક્ટોબર બાદ કોઈ પણ ચેક કોઈ ટેકનિકલ કારણસર રીટર્ન થશે તો ચેક ઈશ્યૂ કરનાર પર રૂ.૧૫૦ વત્તા જીએસટી ચૂકવવો પડશે, જે મળીને કુલ રૂ.૧૬૮નો ચાર્જ વસૂલ કરશે.