SBI એ મોટા ડિફોલ્ટરોની 1.35 લાખ કરોડની લોન માંડવાળ કરી

પ્રતિકાત્મક
SBIએ ૯ વર્ષમાં ૧.૪૫ લાખ કરોડની લોન માંડવાળ કરી-મોટા ડિફોલ્ટરોની રૂપિયા ૧.૪૫ લાખ કરોડની લોન માંડવાળ સામે માત્ર ૧૯,૬૭૮ કરોડની જ વસૂલાત
મુંબઇ, ભારતની સરકારી માલિકીની સૌથી મોટી ધિરાણકર્તા સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (એસબીઆઇ)એ નાણાંકીય વર્ષ ૨૦૧૩-૧૪ થી વર્ષ ૨૦૨૦-૨૧ સુધીના નવ વર્ષ દરમિયાન મોટા ડિફોલ્ટરોની અધધધ… રૂ. ૧,૪૫,૨૪૮ કરોડની લોનની માંડવાળ કરી છે. આ તમામ લોન બેડ લોન કે એનપીએ બની ગઇ હતી.
એસબીઆઇએ છેલ્લા નવ વર્ષમાં મોટા ડિફોલ્ટરોની નોન પર્ફોર્મિંગ એસેટેસ બનેલી રૂ. ૧.૪૫ લાખ કરોડની લોન માંડવાળ સામે માત્ર રૂ. ૧૯,૬૭૮ કરોડની જ વસૂલાત કરી શકી છે. જે રાઇટ ઓફ કરાયેલી કુલ લોનની માત્ર ૧૩ ટકા જ રકમ છે.
એક રાઇટ ટુ ઇન્ફોર્મેશન (આરટીઆઇ) માં એસબીઆઇએ આ માહિતી જાહેર કરી છે.
જાે કે બેન્કે ગોપનિયતાનું કારણ જણાવી લોન ડિફોલ્ટરના નામ જાહેર કરવા ઇન્કાર કર્યો છે. આ બાબત બેન્ક તેના લોનધારકો સાથે બેવડું વલણ અપનાવી રહી હોવા સ્પષ્ટ સંકેત આપે છે. કારણ કે જ્યારે નાના લોનધારકોની વાત આવે છે ત્યારે ગોપનિયતાની કોઇ સમસ્યા નડતી નથી.
નાના લોન ડિફોલ્ટરોના તો ફોટા – નામ સાથેની વિગતો અખબારોમાં પ્રકાશિત કરવામાં આવે છે પણ મોટા વ્યક્તિઓ અને કોર્પોરેટ લોન ડિફોલ્ટરોનું નામ ઉજાગર કરતા બેન્કો ડરે છે. ટેક્નિકલ રીતે જ્યારે બેડ લોન બનેલી લોનને રાઇટ ઓફ કરવામાં આવે છે ત્યારે તેને બેલેન્સ શીટમાંથી અસ્કયામતો તરીકે દૂર કરવામાં આવે છે કારણ કે બેંકને તેની રિકવરીની અપેક્ષા હોતી નથી.
છેલ્લા નવ વર્ષમા બેન્કે નાણાંકીય વર્ષ ૨૦૧૯-૨૦માં સૌથી વધુ રૂ. ૪૬૩૪૮ કરોડની લોન જતી કરી છે. તો સૌથી વધુ બેડ લોનની વસૂલાત નાણાંકીય વર્ષ ૨૦૨૦-૨૧માં રૂ. ૬૫૦૭ કરોડની રહી છે.