SBI ફંડ્સ મેનેજમેન્ટે એજેક્સ એન્જિયરીંગમાં IPO પહેલાં રૂ. 212 કરોડનું રોકાણ કર્યું
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/10/IPO.webp)
એસબીઆઇ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડે તેના બે ફંડ્સ દ્વારા કોંક્રિટ ઇક્વિપમેન્ટ ઉત્પાદક એજેક્સ એન્જિનિયરીંગમાં જાહેર ભરણા પહેલાં આઇપીઓ ખૂલે તે પહેલાં રૂ. 212 કરોડનું રોકાણ કર્યું છે. એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ અને એસબીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ દ્વારા રોકાણ કરાશે.
કંપનીની વેબસાઇટ ઉપર અપલોડ કરાયેલી રોકાણકારો માટે નોટિસ મૂજબ પ્રમોટર જેકોબ હેનસેન ફેમિલી ટ્રસ્ટ અને એસબીઆઇ ફંડ્સ મેનેજમેન્ટ લિમિટેડ વચ્ચે 5 જાન્યુઆરીના રોજ શેર પર્ચેઝ એગ્રીમેન્ટ કરાયો હતો.
આ કરાર મૂજબ જેકોબ હેનસેન ફેમિલી ટ્રસ્ટે કુલ 27.02 લાખ શેર્સ બે ફંડ્સ – એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ – ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને એસબીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડ – પ્રતિ શેર રૂ. 629ની કિંમતે ટ્રાન્સફર કર્યાં છે. આ ટ્રાન્ઝેક્શનનું કુલ કદ રૂ. 170 કરોડ છે.
વ્યક્તિગત રીતે 19.07 લાખ ઇક્વિટી શેર્સ એસબીઆઇ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ – ઇન્વેસ્ટમેન્ટ પ્લાન અને 7.95 લાખ શેર્સ એસબીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને ટ્રાન્સફર કરાયા હતાં.
આ પહેલાં 7 ફેબ્રુઆરીના રોજ એન્કર ઇન્વેસ્ટર્સ પાસેથી એકત્રિત કરાયેલા કુલ ભંડોળના 11.03 ટકા એસબીઆઇ ફંડ્સ મેનેજમેન્ટને ફાળવાયા હતાં, જેમાં 3.17 લાખ શેર્સ એસબીઆઇ મેગ્નમ ચિલ્ડ્રન્સ બેનિફિટ ફંડ અને 3.47 લાખ શેર્સ એસબીઆઇ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફંડને ફાળવાયા હતાં. આ શેર્સ પ્રતિ શેર રૂ. 629ની કિંમતે ફાળવાયા હતાં, જે ટ્રાન્ઝેક્શનનું કદ લગભગ રૂ. 42 કરોડ થવા પામે છે.
આ બે ટ્રાન્ઝેક્શન સાથે રોકાણની કુલ રકમ રૂ. 212 કરોડ થવા પામે છે. એસબીઆઇ ફંડ્સ મેનેજમેન્ટ આઇપીઓ બાદ કંપનીમાં 2.94 ટકા હિસ્સો ધરાવશે. બેંગ્લોરમાં મુખ્યાલય ધરાવતી કંપનીનું રૂ. 1,269 કરોડનું પ્રારંભિક જાહેર ભરણું જાહેર સબસ્ક્રિપ્શન માટે 10થી12 ફેબ્રુઆરી દરમિયાન ખુલ્લું રહેશે. કંપનીએ પ્રતિ શેર રૂ. 599-629 પ્રાઇઝ બેન્ડ નિર્ધારિત કર્યો છે.
એજેક્સ એન્જિનિયરિંગ અગ્રણી કોંક્રિટ ઇક્વિપમેન્ટ ઉત્પાદક છે, જે કોંક્રિટ એપ્લિકેશન વેલ્યુ ચેઇન સંબંધિત ઉપકરણો, સેવાઓ અને ઉકેલોની વ્યાપક શ્રેણી ધરાવે છે. કંપનીની કર્ણાટકમાં ચાર એસેમ્બલિંગ અને ઉત્પાદન સુવિધાઓ કાર્યરત છે અને દરેક અલગ અલગ ઉત્પાદન લાઇનમાં નિષ્ણાત છે.