ખ્રિસ્તી કાયદા મુજબ લગ્ન કર્યા તો એસસીનો દરજ્જો રદ થશે

ચેન્નઈ, જો કોઈ વ્યક્તિ ખ્રિસ્તી ધર્મ અપનાવે છે, તો તે અનુસૂચિત જાતિનો દરજ્જો જાળવી શકતો નથી અને અનામત લાભોનો દાવો કરી શકતો નથી, તેવું એક કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે જણાવ્યું હતું.
કોર્ટે એવું પણ કહ્યું કે, જ્યારે કોઈ વ્યક્તિ ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ હેઠળ સ્વેચ્છાએ લગ્ન કરવા સંમત થાય છે, ત્યારે લગ્ન પછી તે વ્યક્તિને ખ્રિસ્તી ગણવામાં આવશે. એનો અર્થ એ કે એવું માનવામાં આવશે કે તેણે પોતાનો મૂળ ધર્મ છોડી દીધો છે.
કન્યાકુમારીમાં થેરુર ટાઉન પંચાયતના વર્તમાન પ્રમુખને ગેરલાયક ઠેરવતી વખતે જસ્ટિસ એલ વિક્ટોરિયા ગૌરીએ આ વાત કહી હતી. કેસની વિગતો એવી છે કે, અમુથા રાની, જે મૂળ અનુસૂચિત જાતિની હતા, તેમણે ૨૦૦૫માં એક ખ્રિસ્તી પુરુષ સાથે લગ્ન કર્યા હતા.
તેમ છતાં તેમણે ૨૦૨૨માં અનુસૂચિત જાતિ માટે અનામત થેરુર ટાઉન પંચાયત પ્રમુખ પદ માટે ચૂંટણી લડ્યા અને જીત્યા હતા. ડીએમકે સભ્ય વી. અયપ્પને અમુથાની પાત્રતાને પડકારતી અરજી દાખલ કરી હતી.
જેમાં એવું કહેવામાં આવ્યું હતું કે ધર્માંતરણ પછી, તેઓ હવે અનુસૂચિત જાતિ અનામત માટે પાત્ર નથી. જસ્ટિસ એલ. વિક્ટોરિયા ગૌરીએ શોધી કાઢ્યું કે અમુથા રાનીએ ૨૦૦૫માં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો હતો. તેમના લગ્ન ભારતીય ખ્રિસ્તી લગ્ન અધિનિયમ ૧૮૭૨ હેઠળ થયા હતા.SS1MS