મણિપુર, નાગાલેન્ડમાંથી હથિયાર લાઇસન્સ ઇશ્યૂ કરવાનું કૌભાંડ

અમદાવાદ, તમે ભલે કોઇ દિવસ નાગાલેન્ડ કે મણિપુર ગયા ના હોય પરંતુ ગુજરાતના ચોક્કસ દલાલો ગોઠવણ કરીને તમને મણિપુર કે નાગાલેન્ડમાંથી હથિયાર લાઇસન્સ ઇશ્યૂ કરાવી શકે છે અને હરિયાણાની એક આર્મ્સ શોપમાંથી હથિયાર પણ અપાવી શકે છે.
આ હથિયારનું લાઇસન્સ મળી જાય એટલે પછી અસામાજિક તત્ત્વો કમરે હથિયાર ભરાવીને દાદાગીરી કરતા થઇ જાય. આ દૂષણ અંગે મોડે મોડે પોલીસને જાણ થઇ અને ગુજરાત એટીએસની ટીમે અમદાવાદ અને સુરત ક્રાઇમ બ્રાંચની મદદથી હથિયારોના ૭ સોદાગરોને ઝડપી લીધા છે અને ૧૦૮ લોકોના નામ સાથેની ફરિયાદ દાખલ કરીને વધુ તપાસ આદરી છે.
જોકે આ લોકોના નામ ગુપ્ત રાખવામાં આવ્યા છે. ગુજરાતમાં જે લોકોને ક્યારેય હથિયારના લાઇસન્સ મળી શકે નહી તેવા રીઢા ગુનેગારોને ૭ લાખથી લઇને ૨૦ લાખમાં મણિપુર નાગાલેન્ડથી હથિયાર લાઇસન્સ ઇશ્યૂ કરાવાતા હતા.
અમદાવાદ જિલ્લાથી લઇને રાજકોટ આજુબાજુના વિસ્તારમાં અસામાજિક લોકોમાં હથિયારનો ખૂબ જ ક્રેઝ છે. તેમને હથિયાર અપાવવાનું કામ ચોક્કસ ટુકડીએ સંભાળી લીધું હતું.
તેઓ છ વર્ષથી ગેરકાયદે હથિયારનો વેપલો કરતા હતા. તેમણે ગોઠવણ કરીને નાગાલેન્ડ- મણિપુરથી હથિયારના લાઇસન્સ ઇશ્યૂ કરાવવાનું કૌભાંડ શરૂ કર્યું.
ઘાટલોડિયાના એક ટપોરીને હથિયાર સાથે ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધો તે મામલે હથિયાર તે ક્યાંથી લાવ્યો તેની તપાસ ચાલતી હતી. બીજી તરફ એટીએસના એસીપી શંકર ચૌધરીની ટીમને પણ બાતમી મળી હતી કે ચોક્કસ ટુકડી મણિપુર અને નાગાલેન્ડના બોગસ હથિયાર લાઇસન્સ ઇશ્યૂ કરાવી રહી છે.
જેને પગલે એટીએસએ પણ તેની તપાસ શરૂ કરી આખરે ૭ દલાલને ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી. અઠવાડિયા સુધી તેમની પૂછપરછ કરતાં એવી ચોંકાવનારી વિગતો ખૂલી કે આ ૭ દલાલ સાથે સંકળાયેલા ૪૨ લોકોએ ઘણા લોકોને લાઇસન્સ અને હથિયાર આપ્યા હતા. તપાસમાં આ આંકડો ૧૦૮ને પહોંચી ગયો. હવે તેમની તપાસ શરૂ કરવામાં આવી છે.
પોલીસે આ ૭ દલાલ પાસેથી કુલ ૬ હથિયાર અને ૧૩૫ રાઉન્ડ કબજે લીધા છે. પ્રાથમિક પૂછપરછમાં એવી વિગતો જાણવા મળી છે કે આ દલાલો હરિયાણાના હથિયારના વેપારીની મદદથી મણિપુર નાગાલેન્ડમાં ગોઠવણ કરતા હતા. તેઓ જૂના રેકોર્ડમાં ચેડા કરીને તથા સાવ ખોટા ડોક્યુમેન્ટસને આધારે લાઇસન્સ ઇશ્યૂ કરાવી દેતા હતા.
ગુજરાતમાં હથિયારના લાઇસન્સ માટેની પ્રક્રિયામાં કોઇ ગુનેગારોને હથિયાર ઇશ્યૂ થાય જ નહિ તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જેને પગલે આ ગુનેગારો ગોઠવણથી હથિયાર મેળવતા હતા. આ પ્રકરણની તટસ્થ તપાસ થાય તો ચોક્કસ રાષ્ટ્રવ્યાપી મોટુ કૌભાંડ સામે આવે તેવી સંભાવના છે.SS1MS