અંકલેશ્વરના સરકારી ગોડાઉનમાંથી અનાજનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
![Scam of misappropriation of food grains from government godown of Ankleshwar was caught](https://westerntimesnews.in/wp-content/uploads/2022/07/1407-Bharuch-2-1024x596.jpg)
બ્લેક લિસ્ટ થયેલો કોન્ટ્રાકટર માણેકલાલ શાહ અને ડોર સ્ટેપ કોન્ટ્રાકટર સત્યેન્દ્રસિંહ રાજપૂત આખા કૌભાંડના સૂત્રધાર
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જિલ્લામાં મોટાપાયે સરકારી અનાજ સગેવગે કરવાનું કૌભાંડ ચાલી રહ્યું છે.છેલ્લા ૪ મહિનામાં માત્ર અંકલેશ્વરથી જ ત્રીજી વાર કૌભાંડ સામે આવ્યું છે.ત્યારે ગતરોજ અંકલેશ્વર જીઆઈડીસી માંથી સરકારી અનાજનો જથ્થો ખાનગી ગોડાઉન માંથી મળી આવ્યો હતો.એક જાગૃત નાગરિકે આ જથ્થો સરકારી ટેમ્પા સાથે ઝડપી પાડતા તંત્ર દોડતું થઈ ગયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર તારીખ ૧૨ જુલાઈએ જાગૃત નાગરિક ગૌતમ ડોડીઆ દ્વારા અંકલેશ્વર જીઆઈડીસી માનવ મંદિર આવેલા મધુવન શોપિંગ સેન્ટરમાં સરકારી બારદાનમાં રખાયેલો અનાજનો જથ્થો ઝડપી પાડ્યો હતો.તેમણે આ અંગે અંકલેશ્વર મામલતદારને ફોન કરીને જણાવતા અંકલેશ્વર મામલતદાર અને પુરવઠા મામલતદાર ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
તપાસ કરતા માલુમ પડ્યું હતું કે, મનોજ માણેકલાલ શાહ ની માલિકીનો ટેમ્પો નંબર જીજે ૧૬ ડબ્લ્યુ ૩૫૭૫ કે જે ડોર સ્ટેપ કોન્ટ્રાક્ટર સત્યેન્દ્રસિંહ રાજપૂતના કોન્ટ્રાક્ટ હેઠળ ચાલી રહ્યો છે.તેમાં આ અનાજનો જથ્થો દઢાલ મોકલવાના બદલે જીઆઈડીસીમાં સંગ્રહ કરાયો હતો.
ટેમ્પોના ડ્રાઈવર અને આ ખાનગી ગોડાઉનની વ્યવસ્થા કરી આપનાર સસ્તા અનાજની દુકાન ના તોલાટે માણેકલાલ શાહ ના કહેવાથી આ અનાજનો જથ્થો આ ગોડાઉનમાં ખાલી કરાવ્યો હતો.ડ્રાઈવર પાસે ગેટ પાસ માંગતા તેણે દઢાલ ગામનો ગેટ પાસ બતાવ્યો હતો.જેમાં ૧૫૫ કટ્ટા ચોખા અને ૪૦ કટ્ટા ઘઉંનો ઉલ્લેખ હતો.
પરંતુ આ ખાનગી ગોડાઉનમાં ઘઉંના એક પણ કટ્ટા ન હતા માત્ર ચોખાના કટ્ટા હતા જેની સંખ્યા ૪૩૨ હતી.જેથી એ બાબત સ્પષ્ટ થઈ ગઈ હતી કે અહીં સરકારી અનાજના જથ્થો સંગ્રહ કરીને તેને સગેવગે કરવામાં આવતો હતો.અંકલેશ્વર મામલતદાર દ્વારા આ જથ્થાને સરકારી ગોડાઉનમાં લઈ જઈને સીઝ કરવાના બદલે આ ખાનગી દુકાનમાં જ સીઝ કરવામાં આવ્યો હતો.
પરંતુ આ ગુનામાં જે ટેમ્પાનો ઉપયોગ થયો હતો તેને મુદ્દા માલ તરીકે ન સમાવી અને ટેમ્પાને સિઝ ન કરાયો તે ચોકાવનારી બાબત છે.આ બાજુ દઢાલના વેપારીએ ખુલાસો કર્યો હતો કે મેં ગોડાઉન મેનેજરને પહેલે થી જ કીધું હતું કે હું મુંબઈ જવાનો હોવાથી મારો જથ્થો ૧૫ તારીખ પછી મોકલજાે.તેમ છતાં આ કૌભાંડ આચરવામાં મારી દુકાન ના ગેટ પાસ નો ખોટી રીતે ઉપયોગ કરાયો છે.
આ અંગે સમગ્ર કૌભાંડ ઉજાગર કરનાર ગૌતમ ડોડીઆ એ ચોકાવનારા ખુલાસા કરતા જણાવ્યું હતું કે ગત બીજી માર્ચે તેઓએ અંકલેશ્વર સરકારી ગોડાઉન માંથી નીકળેલો અનાજનો જથ્થો ખાનગી દુકાનમાં સગેવગે થતા ઝડપી પાડ્યો હતો.
તેના મજબૂત પુરાવા તત્કાલીન અંકલેશ્વર મામલતદાર હાર્દિક બેલડીયા ને આપ્યા હતા.આ ઉપરાંત એવી નવી જગ્યા નું લિસ્ટ આપ્યું હતું કે જાે એ સીસીટીવી કેમેરા ચેક કરવામાં આવ્યા હોત તો માણેકલાલ શાહ અને સત્યેન્દ્રસિંહ રાજપુત નો ખેલ ઉજાગર થઈ શક્યો હોત.
આ અંગે જે તે સમયે જિલ્લા કલેકટર અને જિલ્લા પુરવઠા અધિકારીને પણ રૂબરૂ મળી સમગ્ર હકીકત જણાવી હતી.આ કેસમાં માણેકલાલ શાહ અને સત્યેન્દ્રસિંહ રાજપૂતની સંડોવણી દેખીતી રીતે હતી.પરંતુ ચાર મહિનાથી તપાસના નામે આ કાળા બજારિયાઓને બચાવવાનો પ્રયાસ થતો હતો.ઉપરોક્ત તપાસમાં વિલંબ થવાના કારણે જ માણેકલાલ તેના પુત્ર મનોજ અને સત્યેન્દ્રસિંહને ફરીવાર અનાજ સગે વગે કરવાની હિંમત મળી હતી તેનું આ પરિણામ છે.