બોગસ સર્ટિફિકેટના આધારે પોલીસમાં ભરતી થવાનું કૌભાંડ ઝડપાયું
(એજન્સી)રાજકોટ, શહેર પોલીસમાં નકલી નિમણૂક પત્રના આધારે પ્રદીપ મકવાણા નામનો વ્યક્તિ પોલીસમાં નોકરી મેળવે તે પૂર્વે જ ઝડપાઈ ગયો હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે રીઝર્વ પીઆઇ દ્વારા ક્રાઈમ બ્રાન્ચ ખાતે જસદણના પ્રદીપ મકવાણા તેના પિતા ભરત મકવાણા, પ્રદીપ મકવાણાના માસા ભાવેશ ચાવડા અને બાલા ચાવડા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. તેમજ હાલ તમામ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
લોકરક્ષક તરીકેનું બનાવટી નિમણૂક હુકમ મેળવવા માટે પ્રદીપ મકવાણા તેમજ ભરત મકવાણાએ ભાવેશ ચાવડા અને બાલા ચાવડાને ૪,૦૦,૦૦૦ આપ્યા હોવાના પોલીસ ફરિયાદમાં સામે આવ્યું છે. ક્રાઈમ બ્રાન્ચ ખાતે તમામ આરોપીઓ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે.
લોકરક્ષક ભરતી બોર્ડ ૨૦૨૧ દ્વારા ભરતી પ્રક્રિયા કરવામાં આવી હતી જે ભરતી પ્રક્રિયા અંતર્ગત રાજકોટ શહેર ખાતે કુલ ૩૩૨ ઉમેદવાર ફાળવવામાં આવ્યા હતા. દરમિયાન ૧૯ ઓગસ્ટ ૨૦૨૩ના રોજ ૧૨ઃ૦૦ વાગ્યે પોલીસ હેડ ક્વાર્ટર ખાતે પ્રદીપ મકવાણા લોકરક્ષક ભરતી બોર્ડ દ્વારા ૨૦૨૧ માલ લેવાયેલ સ્પર્ધાત્મક પરીક્ષામાં પોતે બિન હથિયાર લોકરક્ષક તરીકે નિમણૂક પામ્યો હોવાનો જણાવ્યું હતું. તો સાથે જ પોલીસ કમિશનર રાજકોટ શહેરની સહી વાળો નિમણૂક પત્ર રજૂ કર્યો હતો.
સમગ્ર મામલે સીટ શાખામાં રેકોર્ડ આધારે તપાસણી કરાવતા જે પત્ર રજૂ કરવામાં આવ્યો હતો તે મેહુલ તરંબુડિયા નામના ઉમેદવારની પસંદગી થયેલ છે તેનો હતો. જે હાલ પોલીસ રાજકોટ શહેર ખાતે ટ્રેનિંગમાં છે. પ્રદીપ મકવાણા (ઉવ.૨૪) દ્વારા લોકરક્ષક ભરતી ૨૦૨૧ ની સ્પર્ધાત્મક પરીક્ષાનું ફોર્મ ભર્યું હતું.
પરંતુ પોતે શારીરિક ક્ષમતા કસોટીમાં નાપાસ થયો હતો. જેથી તેના માસા ભાવેશ ચાવડાને જાણ કરતા તેમણે તેના ભાઈ બાલા ચાવડાને લોકરક્ષક ભરતી બોર્ડમાં સેટિંગ હોય ચાર લાખ રૂપિયા માલ લોકરક્ષક તરીકે ભરતી કરાવી આપશે તેવી વાત કરી હતી. જેથી પ્રદીપ અને તેના પિતા ભરતભાઈ દ્વારા બે લાખ રૂપિયા એડવાન્સ પેટે ભાવેશ ચાવડાને આપ્યા હતા. બાકીના રહેતા બે લાખ રૂપિયા નિમણૂક પત્ર બતાવી મેળવ્યા હોવાનું સામે આવ્યું છે.