ઓલપાડની શાળાનાં બાળકોએ સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લીધી
(પ્રતિનિધિ) સુરત, વિદ્યાર્થીજીવનમાં પ્રવાસનું ઘણું મહત્ત્વ હોય છે. પ્રવાસે જવાથી તેમનામાં સંપ, સહકાર, ભાઈચારો, સહનશીલતા, સાહસીકતા જેવાં ગુણોનો વિકાસ થાય છે. કુદરતી સૌદર્યને નિહાળવાની કળા દૃષ્ટિ વિકસે છે. તેમને નવીન જાણકારી તેમજ અનુભવ પ્રાપ્ત થાય છે.
આ મૂળભૂત હેતુસર ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ, સુરત હસ્તકની મીરજાપોર પ્રાથમિક શાળા દ્વારા એકદિવસીય શૈક્ષણિક પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું. સદર શૈક્ષણિક પ્રવાસમાં મીરજાપોર પ્રાથમિક શાળાનાં બાળકો સહિત ભગવા તેમજ મોરબ્રાંચ પ્રાથમિક શાળાનાં બાળકો પણ ઉત્સાહભેર જોડાયા હતાં.
પ્રવાસ અંતર્ગત બાળકો કેવડીયા સ્થિત સ્ટેચ્યૂ ઓફ યુનિટીની મુલાકાત લઈ રોમાંચિત થયા હતાં. અહીં તેઓ સરદાર વલ્લભભાઈ પટેલનાં જીવન ચરિત્રથી માહિતગાર થયા હતાં. સફારી પાર્કની મુલાકાત લઈ બાળકોએ પ્રાકૃતિક માહોલમાં વિચરતાં વન્ય જીવોને નીરખવા સાથે ટ્રેકિંગની મજા માણી હતી. આ સાથે સૌએ બટરફ્લાય પાર્ક, કેકટ્સ ગાર્ડન તથા શૂલપાણેશ્વર મહાદેવ મંદિરની મુલાકાત લીધી હતી. ઢળતી સંધ્યાએ લેસર શોનો અદ્ભૂત આનંદ માણ્યો હતો.
શિક્ષકગણ અંજના પટેલ, સોનલ બ્રહ્મભટ્ટ, ભાવના સેલર, જયેશ વ્યાસ તથા ગિરીશ પટેલે પ્રવાસી બાળકોને નર્મદા નદી, સરદાર સરોવર ડેમ, નર્મદા જિલ્લાનું લોકજીવન જેવી શૈક્ષણિક બાબતોથી અવગત કર્યા હતાં. એમ પ્રચાર-પ્રસાર વિજય પટેલ એક અખબારી યાદીમાં જણાવે છે.