સરકારી શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને ટેબ્લેટ, સ્કૂલ કીટ અપાઈ
અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના પ્રાથમિક શાળાના શિક્ષકો દ્વારા યોજાયો સરકારી શાળામાં અભ્યાસ કરતા અનાથ બાળકોને દાન વહેંચણી કાર્યક્રમ
શિક્ષકો દ્વારા એકત્રિત કરાયેલી દાન રકમ દ્વારા જ અનાથ બાળકોને દિવાળીના સમયે આપવામાં આવેલી ભેટ
અમદાવાદ જિલ્લાના દસકોઈ તાલુકા ક્રેડિટ સોસાયટી તથા દસકોઈ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘના સંયુક્ત ઉપક્રમે બાળકો માટેના પ્રોત્સાહન સમારંભનું આયોજન કરવામાં આવ્યું.
“બાળ દેવો ભવ:”ની ઉત્કૃષ્ટ ભાવનાથી શિક્ષણ કાર્યકર્તા શિક્ષકોના મન અને કર્મ અને હૃદયમાં બાળકોનું હિત સમાયેલું હોય છે. આ ઉમદા ભાવના સાથે બાળકોના હિત અને આનંદને જાળવી રાખવાનું ઉત્તમ કાર્ય અમદાવાદ જિલ્લાના દસ્ક્રોઇ તાલુકામાં ઘણા સમયથી થતું આવ્યું છે.
છેલ્લા 5 વર્ષથી તે સમયના સંવેદનશીલ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી મહેશભાઈ મહેતાની પ્રેરણા તેમજ માર્ગદર્શનથી શિક્ષકો દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે. આ કાર્યક્રમથી બાળકોમાં આનંદનો વધારો થાય છે તેમજ શિક્ષકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળે છે.
આ કાર્યક્રમ અંતર્ગત દસકોઈ તાલુકાના શિક્ષકો તથા તાલુકા ટીચર્સ કો. ઓપરેટિવ સોસાયટી અને દસકોઈ તાલુકાના શિક્ષક સંઘ દ્વારા સ્વેચ્છાએ દાન સરવાણી કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં દસક્રોઈ તાલુકાની સરકારી શાળામાં ધોરણ 1 થી 8 માં અભ્યાસ કરતા 125 અનાથ બાળકોને દિવાળી જેવા તહેવારના સમયે પ્રસંગ ચિત્રો તેમજ શિક્ષણ માટે જરૂરી હોય તેવી 6,000 રૂપિયાની કીટનું વિતરણ કરવામાં આવ્યું.
જેમાં મીઠાઈ, ડ્રાયફ્રુટ, બ્લેન્કેટ્સ, શિયાળા માટેના ગરમ કપડા, સ્કૂલબેગ, સ્કૂલ માટે જરૂરી સામાન સાથે આ કીટમાં રૂપિયા 8,000 ના ટેબલેટનું પણ વિતરણ કરવામાં આવ્યું. આટલું જ નહીં પરંતુ, સમગ્ર કાર્યક્રમમાં ઉપસ્થિત રહેનાર બાળકો તથા વાલીઓને આવવા જવાની વ્યવસ્થા તેમજ ભોજનની પણ વ્યવસ્થા શિક્ષકો દ્વારા કરવામાં આવી હતી.
આ દાન વહેંચણી કાર્યક્રમ માટે ચાલુ વર્ષ દરમિયાન રૂપિયા 5 લાખ જેટલી દાનની રકમ શિક્ષકોએ પોતાના જ દ્વારા એકત્રિત કરી હતી. ત્યારબાદ સમગ્ર દાનની રકમ દસકોઈ તાલુકાના સરકારી શાળાના પાત્રતા ધરાવતા બાળકોને કીટ સ્વરૂપે વહેંચવામાં આવી.
આ સમગ્ર કાર્યક્રમ બાદ બાળકોમાં આનંદનો વધારો થયો તેમજ શિક્ષકોમાં પણ આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો. તહેવારના સમયમાં શિક્ષકો દ્વારા સામાજિક હિત સચવાઈ રહે અને અનાથ બાળકોને માતા-પિતા તેમજ સ્નેહી-સગાની ખોટ ન સાલે તે માટેનું ઉત્કૃષ્ટ કામ કરવામાં આવ્યું.
આ કાર્યક્રમમાં દસકોઈ તાલુકા ટીચર્સ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ, તાલુકાના શિક્ષકો, આચાર્યો, અધિકારીઓ, બાળકો તથા અન્ય વાલીમિત્રો હાજર રહ્યા હતા.