Western Times News

Gujarati News

શાળામાંથી બાળકોને પ્રવાસ લઈ જવા માટે નવી ગાઈડલાઈનનું પાલન કરવું હવે જરૂરી બનશે

રાજ્ય શિક્ષણ વિભાગની શાળા પ્રવાસને લઈ નવી ગાઈડલાઈન

ગાંધીનગર,ગુજરાતના વડોદરામાં શાળા તરફથી પ્રવાસ લઈ ગયેલાં અનેક બાળકો હરણી બોટકાંડમાં મોતને ભેટ્યાં હતાં. જેને લઈને સરકાર દ્વારા તમામ શાળાઓને બાળકોને પ્રવાસ લઈ જવાની મંજૂરી આપવાની બંધ કરી દીધી હતી. આ સાથે આદેશ કરવામાં આવ્યો હતો કે, નવી ગાઈડલાઈન ન આવે ત્યાં સુધી કોઈપણ શાળાએ પ્રવાસનું આયોજન કરવું નહીં.

જોકે, હવે દિવાળીનું વેકેશન શરૂ થવા જઈ રહ્યું છે અને દિવાળી બાદ શાળામાં બાળકોને સર્વાંગી શિક્ષણના ભાગરૂપે પ્રવાસ યોજાતો હોય છે. ત્યારે શિક્ષણ વિભાગને પ્રવાસ માટે અનેક શાળામાંથી મંજૂરી માટેની અરજી કરવામાં આવી હતી. જેને ધ્યાને લઈ શિક્ષણ વિભાગે એક ગાઈડલાઈન બનાવી રાજ્ય સરકારને મોકલી હતી. જેમાં જરૂરી સુધારા-વધારા કરી મંજૂરી આપવામાં આવી છે. હવે શાળામાંથી બાળકોને પ્રવાસ લઈ જવા માટે જાહેર કરવામાં આવેલી આ નવી ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં શાળામાં બાળકોને પ્રવાસ લઈ જવા માટેનો ઠરાવ પસાર કરવામાં આવ્યો છે. જે મુજબ રાજ્યની તમામ સરકારી/અનુદાનિત/ખાનગી પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ દ્વારા શૈક્ષણિક પ્રવાસના આયોજનમાં આગ, અકસ્માત કે અન્ય અનિચ્છનીય બનાવ કે દુર્ઘટના ન બને તેમજ ભાગ લેનાર તમામ વિદ્યાર્ધથીઓ/શિક્ષકોની સંપૂર્ણ સલામતી તેમજ સુરક્ષા જળવાઈ તેમ માટે જાહેર કરવામાં આવેલી ગાઈડલાઈનું ચૂસ્તપણે પાલન કરવાનું રહેશે.

શૈક્ષણિક પ્રવાસના આયોજન માટે શાળાના આચાર્યની અધ્યક્ષતામાં વિદ્યાર્થીઓના વાલી પ્રતિનિધિ સહિતની સમિતિની રચના કરી તથા સ્થળ સંબંધિત રૂટ, જોખમો, પ્રવાસના લાભાલાભ વગેરે વિસ્તૃત ચર્ચા કરવાની રહેશે. જો શાળાનો પ્રવાસ રાજ્યના અંદરનો પ્રવાસ હોય તો સંબંધિત જિલ્લા શિક્ષણાધિકારી/ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી/ શાસનાધિકારીની મંજૂરી લેવાની રહેશે.

જો શાળાનો પ્રવાસ રાજ્યની બહારનો હોય તો કમિશનર/ નિયામક શાળાઓની કચેરી, ગાંધીનગર અને નિયામક પ્રાથમિક શિક્ષણની કચેરીની મંજૂરી લેવાની રહેશે. જો શાળાનો પ્રવાસ વિદેશનો હોય તો શિક્ષણ વિભાગ, સચિવાલય પાસેથી મંજૂરી લેવાની રહેશે.

પ્રવાસનું વાહન નક્કી કરતી વખતે સંબંધિત પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી દ્વારા આપેલી પરમીટ મુજબની સંખ્યા પ્રમાણે જ આયોજન કરવાનું રહેશે. પ્રવાસમાં ઉપયોગમાં લેવાતા વાહન વાહનમાં GPS ટ્રેકિંગ સિસ્ટમ હોવી જોઈએ, તેમજ વાહનમાં RTO  દ્વારા ઇશ્યુ કરવામાં આવેલા રજિસ્ટ્રેશન કાર્ડ, પરમીટ, ડ્રાઈવરનું માન્ય લાઇસન્સ, વીમો વગેરેની નકલની અગાઉથી ચકાસણી કરાવવાની રહેશે.

આ સાથે જ વાહનમાં ફાયર સેફ્ટીના સાધન પૂરતા પ્રમાણમાં હોવા જોઈએ. તેમજ સ્ટાફને પ્રવાસ પહેલાં ફાયર સેફ્ટીના સાધનના ઉપયોગની તાલીમ આપવાની રહેશે. નોંધનીય છે કે, શાળાએ પ્રવાસ શરૂ થવાના ૧૫ દિવસ પહેલાં જે-તે વિભાગને અને ગાંધીનગરને સાધનિક તમામ વિગત સાથે જાણ કરવાની રહેશે. તેમજ સમગ્ર પ્રવાસના ડ્ઢટ્ઠઅ ંર્ ડ્ઢટ્ઠઅ કાર્યક્રમની જાણ કરવાની રહેશે.

આ સિવાય શાળાએ જવાબદાર અનુભવી વ્યક્તિની પ્રવાસના ‘કન્વીનર’ તરીકે નિમણૂંક કરવાની રહેશે.આ સિવાય શાળાએ દર ૧૫ વિદ્યાર્થી દીઠ એક શિક્ષક પ્રવાસમાં જોડાય તેવું આયોજન કરવાનું રહેશે. તેમજ વિદ્યાર્થીઓએ પ્રવાસ દરમિયાન શું કરવું અને શું ન કરવું સમજાવા માટે ગોષ્ઠી બેઠક કરવાની રહેશે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.