શાળામાં ફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકાય નહીંઃકોર્ટ

(એજન્સી)નવી દિલ્હી, દિલ્હી હાઈકોર્ટે શાળાઓમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્માર્ટફોનના ઉપયોગને લઈને મોટો નિર્ણય સંભળાવ્યો છે. હાઈકોર્ટે કહ્યું છે કે, શાળાઓમાં સ્માર્ટફોનના ઉપયોગ પર પ્રતિબંધ મૂકી શકાય નહીં. શાળાઓમાં સ્માર્ટફોનનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓ અંગે કોર્ટે કહ્યું કે આ ઉપકરણ વિદ્યાર્થીઓ અને પરિવારના સભ્યો વચ્ચે સંકલન જાળવવા સહિત ઘણા હેતુઓ પૂરા કરે છે,
જેનાથી બાળકોની સુરક્ષા સુનિશ્ચિત થાય છે. વિશ્વના અન્ય ઘણા દેશોની શાળાઓમાં મોબાઈલ ફોન પર પ્રતિબંધ છે. આવી સ્થિતિમાં ભારત નવા રસ્તા પર આગળ વધી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. કોર્ટે કહ્યું કે નીતિ તરીકે વિદ્યાર્થીઓને શાળાઓમાં સ્માર્ટફોન લઈ જવાથી રોકી શકાય નહીં, પરંતુ તેના ઉપયોગ પર નજર રાખી શકાય છે.
વિદ્યાર્થીઓ તેમના ફોનને શાળામાં સુરક્ષિત જગ્યાએ રાખી શકે છે અને જ્યારે તેઓ ઘરે જાય છે ત્યારે તેને પરત લઈ શકે છે. વર્ગખંડમાં શિસ્ત જાળવવા માટે, વર્ગમાં ફોનના ઉપયોગ પર પ્રતિબંધ હોવો જોઈએ અને સામાન્ય વિસ્તારોમાં અને શાળાના વાહનોમાં સ્માર્ટફોન કેમેરા અને રેકો‹ડગના ઉપયોગ પર પ્રતિબંધ હોવો જોઈએ.
કોર્ટે પોતાના આદેશમાં એમ પણ કહ્યું કે,
શાળાઓએ તેમના વિદ્યાર્થીઓને જવાબદારી પૂર્વકના ઓનલાઈન વર્તન, ડિજિટલ રીતભાત અને ફોનના નૈતિક ઉપયોગ વિશે જાગૃત કરવા જોઈએ. આ સિવાય વિદ્યાર્થીઓને વધુ પડતો સ્ક્રીન ટાઈમ, સાયબર બુલીંગ અને બેચેની વગેરેથી બચવા માટે કાઉન્સેલિંગ આપવું જોઈએ. અમેરિકા અને ફ્રાન્સ સહિત વિશ્વના ઘણા દેશોમાં વિદ્યાર્થીઓના મોબાઈલ ફોનના ઉપયોગ પર પ્રતિબંધ છે.
સ્વીડનમાં, ૨ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સ્ક્રીનનો ઉપયોગ કરવાની મંજૂરી નથી. કિશોરાવસ્થામાં પણ, વિદ્યાર્થીઓ મર્યાદિત સમય માટે સ્ક્રીનનો ઉપયોગ કરી શકે છે. તેવી જ રીતે અમેરિકા પણ શાળાઓમાં ફોનના ઉપયોગ પર નિયમો બનાવવાનું વિચારી રહ્યું છે. ઇટાલીમાં, માધ્યમિક શાળા સુધીના વિદ્યાર્થીઓ ફોનનો ઉપયોગ કરી શકતા નથી.