Western Times News

Gujarati News

વાલિયામાં શિક્ષક દંપત્તિના રહસ્યમય મોતથી ચકચાર

ઘરમાંથી લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા પોલીસ તંત્ર દોડયું

(પ્રતિનિધિ) ભરૂચ, વાલિયા ખાતે આવેલ ગણેશ ગાર્ડન સોસાયટીના મકાનમાંથી શિક્ષક દંપતિનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામ્યો હતો.બનાવની જાણ ઉચ્ચ પોલીસ અધિકારીઓને થતા ઘટના સ્થળે પહોંચી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

ભરૂચ જીલ્લાના વાલિયાની ગણેશ ગાર્ડન સોસાયટી માંથી રહેતા શિક્ષક દંપતીના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.ગણેશ ગાર્ડન સોસાયટીમાં રહેતા શિક્ષક દંપતિ જીતેન્દ્રસિંહ બોડાદરા અને તેમની પત્ની લતાબેન બોડાદરાનો તેમના જ મકાન માંથી લોહી લુહાણ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા.

ગતરોજ સમગ્ર દિવસ દરમ્યાન મકાન બંધ રહેતા સ્થાનિકોને કંઈક અજુગતુ લાગ્યું હતું જેથી તેઓએ પોલીસને જાણ કરી હતી.બનાવની જાણ થતાની સાથે જ વાલીયા પોલીસનો કાફલો સોસાયટીમાં પહોંચ્યો હતો અને મકાનનો દરવાજો તોડી અંદર જોતા જ પતિ અને પત્નીનો લોહીથી લથબથ હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો.

મૃતક જીતેન્દ્રસિંહ બોડાદરા વિજયનગર પ્રાથમિક શાળામાં તો તેમના પત્ની લતાબેન બોડાદરા ભિલોડ ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે.ત્યારે તેમના રહસ્યમય સંજોગોમાં મૃતદેહ મળી આવતા અનેક તર્ક વિતર્ક વહેતા થયા છે.આ અંગેની જાણ થતાની સાથે જ જીલ્લા પોલીસવડા મયુર ચાવડા,ઝઘડિયા એ.એસ.પી અજય કુમાર મીણા, એલસીબી,એસઓજી સહિતની એજન્સીઓના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસ શરૂ કરી છે.

પોલીસે બન્નેના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી છે.મૃતક પતિ પત્નીના શરીર પર તીક્ષણ હથિયારના ઘા જોવા મળ્યા હતા ત્યારે શિક્ષક દંપતીની હત્યા કરવામાં આવી છે કે તેઓએ આત્મહત્યા કરી છે તે દિશામાં પોલીસે ડોગ સ્ક્વોડ,ફિંગર પ્રિન્ટ એક્સપર્ટ અને એફ.એસ.એલની મદદથી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.