ઓલપાડ તાલુકાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન સફળતાપૂર્વક સંપન્ન
હાંસોટ : જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર તેમજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, સુરત પ્રેરિત તાલુકા કક્ષાનું વિજ્ઞાન-ગણિત-પર્યાવરણ પ્રદર્શન : ૨૦૨૨ નું ભવ્ય આયોજન બ્લોક રિસોર્સ સેન્ટર, ઓલપાડ દ્વારા અત્રેની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત કોબા ગામની પ્રાથમિક શાળામાં કરવામાં આવ્યું હતું.
તાલુકા પંચાયત અમિતભાઈ પટેલનાં અધ્યક્ષસ્થાને યોજાયેલ આ કાર્યક્રમમાં જિલ્લા ભાજપ મહામંત્રી યોગેશભાઈ પટેલ, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિનાં સભ્ય સીતાબેન રાઠોડ, તાલુકા પંચાયતનાં ઉપપ્રમુખ જશુબેન વસાવા, શાસક પક્ષનાં નેતા વનરાજસિંહ બારડ, દંડક કિરણભાઈ પટેલ, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવનનાં લાયઝન ઓફિસર રશ્મિકાંતભાઈ પટેલ, સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલ, ઓલપાડ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ બળદેવભાઈ પટેલ તથા તમામ હોદ્દેદારો, સહકારી અગ્રણીઓ મનહરભાઈ પટેલ તથા જયંતિભાઈ પટેલ, તાલુકાની વિવિધ પ્રાથમિક શાળાઓનાં શિક્ષક ભાઈ-બહેનો ઉપરાંત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.
તાલુકાનાં નવનિયુક્ત બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલે પ્રસ્તુત કાર્યક્રમનો ચિતાર આપી ઉપસ્થિત સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે સુરત જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘનાં પ્રમુખ કિરીટભાઈ પટેલે પોતાનાં પ્રાસંગિક ઉદબોધનમાં જણાવ્યું હતું કે ટેકનોલોજીનાં આ જમાનામાં વૈજ્ઞાનિક અભિગમ સાથે રાખશો તો સુખમય જીવન જીવાશે. આજનાં યુગમાં આપણી દશા અને દિશા બદલવાનું શ્રેષ્ઠ માધ્યમ વિજ્ઞાન જ છે.
આજે વિજ્ઞાનથી અલિપ્ત રહેવું કોઈને પાલવે તેમ નથી. તેમણે આજનાં આ ભવ્ય પ્રદર્શનનાં આયોજન બદલ બી.આર.સી. કો-ઓર્ડિનેટર બ્રિજેશ પટેલ તથા તેમની સમગ્ર ટીમ, કોબા પ્રાથમિક શાળાનાં આચાર્ય ધર્મેન્દ્ર પટેલ તથા સમસ્ત ગ્રામજનો ઉપરાંત રાજનગર કેન્દ્ર સંલગ્ન પ્રાથમિક શાળાઓનાં શિક્ષકોની કામગીરીને બિરદાવી હતી. સમારંભનાં અધ્યક્ષ અમિતભાઈ પટેલે પોતાનાં વક્તવ્યમાં જણાવ્યું હતું કે બાળકોને તેમની રસરૂચિ અનુસાર વિકસવા દેવા માટેનું આ એક અદ્ભુત પ્લેટફોર્મ છે. તેમણે પોતાનાં અભ્યાસકાળ દરમિયાનનાં અનુભવો વાગોળી સદર કાર્યક્રમની સરાહના કરી સૌ બાળ વૈજ્ઞાનિકો તેમજ તેમનાં માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.
‘ટેકનોલોજી અને રમકડાં’ આ મુખ્ય વિષય પર યોજાયેલ આ પ્રદર્શનનાં વિવિધ પાંચ વિભાગોમાં કુલ ૫૩ જેટલી કૃતિઓ તાલુકાની વિવિધ શાળાનાં બાળ વૈજ્ઞાનિકો દ્વારા રજૂ કરવામાં આવી હતી જેને ખૂબ જ મોટી સંખ્યામાં બાળકો, શિક્ષકો, સ્થાનિક ગ્રામજનો તથા આસપાસનાં વિસ્તારનાં લોકોએ નિહાળી હતી. અંતમાં નિર્ણાયકોએ પોતાનાં પ્રતિભાવો રજૂ કરી વિભાગવાર એક એમ કુલ પાંચ કૃતિઓ શ્રેષ્ઠ જાહેર કરી હતી જે આ મુજબ છે.
વિભાગ-૧ નરથાણ પ્રાથમિક શાળા (LI-FI ટેકનોલોજી), વિભાગ-૨ ઉમરા પ્રાથમિક શાળા (ઇકો ફ્રેન્ડલી પ્રોડક્ટ), વિભાગ-૩ કોબા પ્રાથમિક શાળા (ગામડાનાં સ્વાસ્થ્યવર્ધક કાર્યો), વિભાગ-૪ કીમ પ્રાથમિક શાળા (ચાર્જિંગ વે/ઇલેક્ટ્રોનિક વે), વિભાગ-૫ કુડસદ પ્રાથમિક શાળા (મેજીક બોર્ડ). આ કૃતિઓ આગામી જિલ્લા કક્ષાનાં વિજ્ઞાનમેળામાં ઓલપાડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.
ઉપસ્થિત મહાનુભાવોનાં હસ્તે ભાગ લેનાર તમામ શાળાઓને પ્રમાણપત્ર તથા સ્મૃતિભેટ અર્પણ કરવામાં આવ્યા હતાં. તદ્ઉપરાંત તાલુકાની વિવિધ શાળાનાં બાળકો અને શિક્ષકો કે જેમણે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ વિવિધ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ હાંસલ કરેલ છે તેઓને પણ સ્મૃતિભેટ અર્પણ કરી સન્માનિત કરવામાં આવ્યાં હતાં.