Western Times News

Gujarati News

રસ્તા પર દીકરાની લાશ પાસે બેસીને માતાનું હૈયાફાટ રૂદન: રીલ્સના ચક્કરમાં યુવકોએ જીવ ગુમાવ્યો

બોલી રહી છે કે તું છોડીને જતો, તારા માટે તો અમે જીવીએ છીએ.

સ્કોર્પિયો સાથે ફતેહવાડી કેનાલમાં ખાબકેલા બે યુવાનોની લાશ મળી-અમદાવાદમાં સ્કોર્પિયો કેનાલમાં ખાબકતા કોન્સ્ટેબલ મનોજ મકવાણાએ બતાવી હિંમત, સૌથી પહેલા લગાવી હતી છલાંગ

(એજન્સી)અમદાવાદ, ફતેહવાડી કેનાલ પાસે જ્યાં હાલ ચોતરફ પરિવાર તેમજ સ્વજનોમાં ભારે આક્રંદ જોવા મળી રહ્યો છે. રસ્તા પર દીકરાની લાશ પાસે બેસીને એક માત હૈયાફાટ રૂદન કરતા બોલી રહી છે કે તું છોડીને જતો, તારા માટે તો અમે જીવીએ છીએ.

અમે તારા માટે ફલેટ લીધો, તેં કેમ આવું કર્યું મારા લાલ ? ગઈકાલે રીલ બનાવવાના ચક્કરમાં સ્કોર્પિયો સાથે ત્રણ નવયુવાન કેનાલમાં ખાબકયા હતા. ફાયરબ્રિગેડની ટીમે આજે વહેલી સવારે બે યુવકોના મૃતદેહ બહાર કાઢયા છે જ્યારે આ લખાઈ રહ્યું છે ત્યારે એક સગીરની શોધખોળ હજુ ચાલુ છે.

ગઈકાલે સાંજે આંબાવાડી રહેતા યક્ષ, યશ અને ક્રિશ ભાડા પર સ્કોર્પિયો લઈને મિત્રો સાથે ફતેહવાડી કેનાલ પર રીલ બનવાવા માટે પહોંચ્યા હતા. કોઈ કારણોસર સ્ટિયરિંગ પર કાબૂ ગુમાવતા તેમજ એકસીલેટર પર પગ દબાઈ જતાં કાર સીધી કેનાલમાં ખાબકી હતી.

કેનાલમાં ત્રણેય યુવકો લાપતા થયા હતા. જ્યાં મોડી રાત સુધી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ ઘટના બનતા પોલીસ તેમજ ઉચ્ચ અધિકારી, ફાયર બ્રિગેડના જવાનો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને ભારે શોધખોળ હાથ ધરી હતી. યુવકોનો પત્તો મેળવવા મોડી રાતે કેનાલમાં પાણી બંધ કરાવી દેવાયું હતું.

આજે વહેલી સવારથી પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો જ્યારે ફાયર બ્રિગેડની રેસ્કયુ ટીમે શોધખોળ હાથ ધરી હતી. સવારે વિશાલા તરફ શાસ્ત્રી બ્રિજના છેડા નજીક નદીમાંથી યજ્ઞ અને યશ સોલંકીની લાશ મળી આવી હતી જ્યારે ક્રિશ દવે હજુ પણ લાપતા હોઈ તેની શોધખોળ કરવામાં આવી રહી છે. આ ઘટનાના પગલે એલિસબ્રિજના ધારાસભ્ય અમિત શાહ ઘટનાસ્થળ પર પહોંચ્યા હતા. બીજી તરફ લોકોના ટોળા પણ એકઠા થયા હતા.

લાપતા થયેલા ત્રણેયના પરિવારજનો પણ વહેલી સવારથી કેનાલ પાસે પહોંચી ગયા હતા અને તેમના બાળકોની ભાળ ઝડપથી મળે તે માટે ફાયરબ્રિગેડ અને પોલીસની મદદ લીધી હતી તે દરમિયાન ગઈકાલ સાંજથી લાપતા બનેલાન યજ્ઞની ૧પ કલાકે લાશ મળી આવતા પરિવારજનોમાં ભારે આક્રંદ છવાયો હતો. થોડા સમય બાદ યશ સોલંકીનો મૃતદેહ પણ તરતો મળી આવ્યો હતો જ્યારે હજુ ક્રિશ દવેની શોધખોળ ચાલી રહી છે.

ક્રિશ સાંજના સમયે રાબેતા મુજબ તેના મિત્રોને મળવા માટે અને બહાર આંટો મારવા માટે ગયો હતો. ક્રિશ સ્કોર્પિયો લઈને રિલ્સ બનાવવા માટે ગયો હોવાની વાતથી પરિવાર અજાણ હતો. ક્રિશને ગાડી ચલાવતા આવડતું નહોતું જ્યારે તે ૧૭ વર્ષનો છે અને ભણતો હતો.

વાસણા વિસ્તારમાં રહેતા હૃદય વયંતા, વેજલપુરના રહેવાસી સોલંકી ધ્રૂવ અને ઋતાયુ સોલંકી રૂ.૩પ૦૦ના ભાડાથી ચાર કલાક માટે વાસણા બેરેજ તરફ રીલ બનાવવા માટે ગાડી લઈને ગયા હતા. વાસણા બેરેજ વિસ્તારમાં અગાઉથી જ તેમના મિત્રો પાલડીમાં રહેતા વિરાજસિંહ રાઠોડ, આંબાવાડીના યક્ષ ભંકોડિયા અને યશ સોલંકી તેમજ પાલડીના ક્રિશ દવે ત્યાં હાજર હતા.

વાસણા બેરેજથી થોડા અંતરે યશ ભંકોડિયાએ ગાડી ચલાવી હતી ત્યારે બાદ યશ સોલંકીને ગાડી ચલાવવા માટે આપી હતી. તેમની સાથે ગાડીમાં ક્રિશ દવે પણ બેઠો હતો. ત્રણેય મિત્રો ગાડીને યુ-ટર્ન મારીને પાછી લાવતા હતા પરંતુ કોઈ કારણોસર ગાડીનો ટર્ન વાગ્યો ન હતો અને ગાડી સીધી કેનાલમાં ધસી ગઈ હતી તેથી મિત્ર વિરાજસિંહ રાઠોડ અને અન્ય મિત્રોએ દરોડું નાંખીને બચાવવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ ત્રણમાંથી એક પણ વ્યક્તિ દોરડું પકડી શકી નહીં અને વહેતા પાણીમાં તણાઈ ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.