સ્કાઉટ એન્ડ ગાઈડના બાળકો પોતાના જન્મદિવસે એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લે : આચાર્ય દેવવ્રતજી

ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વર્ષ 2023-24 ના 1568 બાળકો અને વર્ષ 2024-25 ના 1611 બાળકોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના હસ્તે રાજ્ય પુરસ્કાર અર્પણ
સ્કાઉટ એન્ડ ગાઈડ એક વિચારધારા છે જે બાળકોમાં રાષ્ટ્ર પ્રત્યે સમર્પણભાવ પ્રગટાવે છે.
રાજભવન ખાતે મહર્ષિ દયાનંદ સભામંડપમ્ માં આયોજિત ભવ્ય સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.
ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા વર્ષ 2023-24 ના 1568 બાળકો અને વર્ષ 2024-25 ના 1611 બાળકોને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ રાજ્ય પુરસ્કાર અર્પણ કર્યા હતા. ગાંધીનગરમાં રાજભવન ખાતે મહર્ષિ દયાનંદ સભામંડપમ્ માં આયોજિત ભવ્ય સમારોહમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ શ્રી નીતિનભાઈ પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા.
રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ એન્ડ ગાઈડના સૌ બાળકોને પોતાના જન્મદિવસે કે પોતાના માતા-પિતાની મેરેજ એનિવર્સરીએ ઓછામાં ઓછું એક વૃક્ષ વાવવાનો સંકલ્પ લેવા અનુરોધ કર્યો હતો. ગ્લોબલ વૉર્મિંગના દુષ્પરિણામોથી માહિતગાર કરીને તેમણે બાળકોને પર્યાવરણ સંરક્ષણનું મહત્વ સમજાવ્યું હતું અને કહ્યું હતું કે, વૃક્ષ વાવ્યા પછી ત્રણ વર્ષ સુધી તમે એ વૃક્ષનું જતન કરશો તો પછી બાકીની આખી જિંદગી એ વૃક્ષ તમારું જતન કરશે.
ગુજરાતના 31 જિલ્લા પૈકી 25 જિલ્લાઓમાં સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ વધારે સક્રિયતાથી ચાલી રહી છે. ગુજરાતમાં સ્કાઉટ ગાઈડ સંઘે 65 મા વર્ષમાં પ્રવેશ કર્યો છે. ગુજરાતના વિભિન્ન જિલ્લાઓમાંથી પધારેલા સ્કાઉટ્સ ગાઈડ્સ તથા સ્કાઉટર અને ગાઈડરને સંબોધતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, સ્કાઉટ ગાઈડ એક વિચારધારા છે જે બાળકોમાં સમાજ અને રાષ્ટ્ર પ્રત્યે સમર્પણનો ભાવ પ્રગટાવે છે. શિક્ષણની સાથે સાથે બાળકોને સેવા સાથે જોડતા આવા સંગઠનો બાળકને આત્મનિર્ભર તો બનાવે જ છે, સાથોસાથ તેમને એક જવાબદાર નાગરિક બનાવીને સમાજમાં તેમની ઉપયોગીતાની અગત્યતા સમજાવે છે.
શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, વિકાસ માટેની આંધળી દોડ અને આધુનિકતાને નામે આપણે પર્યાવરણનું સંતુલન બગાડી નાખ્યું છે. હવે પાણી અને હવા પ્રદૂષિત થઈ ગયા છે. પ્રાકૃતિક સંપદાનું સંરક્ષણ કરવું દરેક નાગરિકનું કર્તવ્ય છે. તેમણે બાળકોને અનુરોધ કર્યો હતો કે, તેઓ પોતાની દૈનિક જીવનશૈલીમાં અનુશાસન અને સંયમ અપનાવે, જેથી તેઓ સ્વયં સ્વસ્થ રહી શકે અને પર્યાવરણનું રક્ષણ પણ કરી શકે.
યુવાઓને જીવનમાં યોગ્ય માર્ગ પર ચાલવા માટે પ્રેરણા આપતાં શ્રી આચાર્ય દેવવ્રતજીએ તેમને વ્યસન, ખોટી આદતો અને સોશિયલ મિડિયાના દૂષણોથી બચવાની સલાહ આપી હતી. તેમણે માતા-પિતાના માર્ગદર્શનનું મહત્વ રેખાંકિત કરતાં બાળકોને અનુરોધ કર્યો હતો કે, કોઈપણ સમસ્યા કે સંકટ સમયે પોતાના વાલીઓ સાથે ખુલીને વાતચીત કરવી જોઈએ. તેમણે કહ્યું કે, જે બાળકો પોતાના માતા-પિતા અને ગુરુજનોનું સન્માન કરે છે, તેઓ જીવનમાં હંમેશા સફળતા પ્રાપ્ત કરે છે.
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીજીના બાળપણની એક પ્રેરણાદાયક ઘટના બાળકોને કહેતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ જણાવ્યું કે, શ્રી નરેન્દ્ર મોદીજીએ પોતાની નાની ઉંમરમાં જ સેવાભાવ અને નેતૃત્વ ક્ષમતા દેખાડી હતી. આ ઉદાહરણ દ્વારા તેમણે બાળકોને સમજાવ્યું કે, સમાજ સેવાની પ્રવૃત્તિ કરવા માટે કોઈ ઉંમરની અડચણ હોતી નથી. જો વ્યક્તિ બાળપણથી જ સમાજસેવાની ભાવનાને અપનાવે, તો તે જીવનમાં મહાનતા પ્રાપ્ત કરી શકે છે.
અંતમાં, શ્રી આચાર્ય દેવવ્રતજીએ ઉપસ્થિત તમામ અધિકારીઓ, સ્કાઉટ્સ, ગાઈડ્સ અને આયોજકોની પ્રશંસા કરી, નવવર્ષના અવસરે સૌના સુખ, સમૃદ્ધિ અને આરોગ્યની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સૌને રાષ્ટ્રીય સેવા માટે સમર્પિત રહેવા માટે પ્રેરણા આપતાં જણાવ્યું કે, જો આપણે સૌ મળી ને પ્રકૃતિ, સમાજ અને રાષ્ટ્રની સેવા માટે સજ્જ રહીશું, તો સક્ષમ અને સુખમય ભવિષ્યનું નિર્માણ કરી શકીશું.
ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘના પ્રમુખ અને પૂર્વ ઉપમુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલે પોતાના પ્રસંગિક ઉદબોધનમાં કહ્યું હતું કે, સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ગુજરાતના હજારો દીકરા-દીકરીઓને તાલીમ આપીને તેમનું જવાબદાર નાગરિક અને સજ્જન વ્યક્તિ તરીકે ઘડતર કરાઈ રહ્યું છે. સ્કાઉટ ગાઈડની પ્રવૃત્તિઓ દ્વારા અભ્યાસની સાથે સાથે બાળકોમાં સ્વાસ્થ્ય, જ્ઞાન, સંસ્કાર, દેશભક્તિ અને અન્ય સદગુણોનું સિંચન થાય છે.
બાળકોમાં આ ઉપરાંત સ્વચ્છતા, પાણી બચાવો, વીજળી બચાવો જેવી જરૂરી બાબતો પ્રત્યે સજાગતા પણ કેળવાય છે. આવી પ્રવૃત્તિઓ વ્યક્તિત્વ ઘડતર કરે છે અને જીવનમાં ઉપયોગી સાબિત થાય છે.
ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ગુજરાત રાજ્યના મુખ્ય આયુક્ત શ્રી સવિતાબેન પટેલે પ્રાસંગિક ઉદબોધનમાં ગુજરાત રાજ્ય ભારત સ્કાઉટ ગાઈડ સંઘની પ્રવૃત્તિઓની રૂપરેખા આપી હતી. સ્કાઉટ ગાઈડના બાળકોએ સાંસ્કૃતિક કાર્યક્રમની પ્રસ્તુતિ પણ કરી હતી. આ અવસરે ગુજરાત ભારત સ્કાઉટ ગાઈડ સંઘના ઉપાધ્યક્ષ શ્રી દિલીપભાઈ ચૌધરી, રાજ્ય આયુક્ત (સ્કાઉટ) શ્રી હસમુખભાઈ મોદી, રાજ્ય આયુક્ત (ગાઈડ) શ્રી અંજનાબેન ચૌધરી, નેશનલ સ્કાઉટ કમિશનર શ્રી મનીષકુમાર મહેતા અને અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.