Western Times News

Gujarati News

માધવી બુચ મામલે SEBI- BSE અરજીઓ પર ૪ માર્ચે સુનાવણી કરવા હાઈકોર્ટ સંમત

માધવી પુરી બુચને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત મળી-૪ માર્ચ સુધી એફઆઈઆર ન નોંધવાનો આદેશ

(એજન્સી)મુંબઈ, બોમ્બે હાઈકોર્ટે કેલ્સ રિફાઈનરી મામલે મંગળવાર ૪ માર્ચ સુધી એફઆઈઆર ન નોંધવાનો આદેશ આપ્યો છે. સાથે જ હાઈકોર્ટ આ મામલે સિક્યુરીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (SEBI), બોમ્બે સ્ટોક એક્સચેન્જની  BSE અરજીઓ પર ૪ માર્ચે સુનાવણી કરવા સંમત થઈ છે.

કોર્ટે એક મૌખિક નિર્દેશમાં કહ્યું કે, ૪ માર્ચે સુનાવણી થાય ત્યાં સુધી એફઆઈઆર નોંધવામાં ન આવે. સેબીના અધિકારીઓ વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા અને બીએસઈના અધિકારીઓ વતી વરિષ્ટ વકીલ અમિત દેસાઈ કોર્ટમાં પહોંચ્યા હતા.

આપને જણાવી દઈએ કે, મુંબઈની એક સ્પેશિયલ કોર્ટે ૧ માર્ચે એન્ટી કરપ્શન બ્યુરોને સેબીના પૂર્વ ચેરપર્સન માધબી પુરી બુચ અને ૫ અન્ય અધિકારીઓ સામે કથિત શેરબજાર છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘનના આરોપમાં એફઆઈઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

સિક્્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાના પૂર્વ ચેરપર્સન માધવી પુરી બુચ અને અન્ય ૫ અધિકારીઓ સામે કેસ નોંધવાનો મુંબઈની કોર્ટે આદેશ આપ્યો હતો. મુંબઈની સ્પેશિયલ એસીબી કોર્ટના ન્યાયાધીશ કે.શશિકાંત એકનાથરાવ બાંગરે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે નિયમનકારી ક્ષતિઓ અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેની તપાસની જરૂર છે. કોર્ટે કહ્યું હતું કે, તે તપાસ પર નજર રાખશે અને ૩૦ દિવસની અંદર સ્ટેટસ રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું હતું કે, આરોપો કોગ્નિઝેબલ ગુનો દર્શાવે છે, જેના માટે તપાસ જરૂરી છે. તેમાં કહેવામાં આવ્યું હતું કે કાયદા અમલીકરણ એજન્સીઓ અને સેબીની નિÂષ્ક્રયતાને કારણે, સીઆરપીસીની જોગવાઈઓ હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર છે.

ફરિયાદી, જે એક મીડિયા રિપોર્ટર છે, તેણે કથિત ગુનાઓની તપાસની માંગ કરી હતી, જેમાં મોટા પાયે નાણાકીય છેતરપિંડી, નિયમનકારી ઉલ્લંઘન અને ભ્રષ્ટાચારનો સમાવેશ થાય છે.

ફરિયાદીએ દાવો કર્યો હતો કે, સેબીના અધિકારીઓ તેમની વૈધાનિક ફરજમાં નિષ્ફળ રહ્યા, બજારમાં હેરફેરને પ્રોત્સાહન આપ્યું અને નિયત ધારાધોરણોને પૂર્ણ ન કરતી કંપનીના લિસ્ટિંગને મંજૂરી આપીને કોર્પોરેટ છેતરપિંડીના માર્ગ ખોલ્યા હતા.

ફરિયાદીએ જણાવ્યું હતું કે પોલીસ સ્ટેશન અને સંબંધિત નિયમનકારી સંસ્થાનો અનેક વખત સંપર્ક કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ફરિયાદીની અરજી પર સુનાવણી કરતા મુંબઈની સ્પેશિયલ કોર્ટે આ ફરિયાદ નોંધવાનો આદેશ આપ્યો હતો.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.