સેકન્ડહેન્ડ સપનું -કોઈના જેવું અને જેટલું બનવાં વિચાર કરવો કે સંકલ્પ કરવો મારાં મતે સેકન્ડ સપનું જોવા બરોબર છે
ભારતમાં જેની આસપાસ થોડુંઘણું પણ બિઝનેસનું વાતાવ૨ણ હોય તે ધીરુભાઈ અંબાણી બનવાનાં સપનાં સેવે કે તદ્દન નવો અભિનેતા અમિતાભ બચ્ચન બનવાનું સપનું સેવે તો બરાબર છે, પણ અહીંનો માણસ અમેરિકાના પ્રેસિડન્ટ બનવાનું સપનું ન સેવી શકે અને સેવે તો એણે પાગલખાનામાં જવું પડે.
મારાં મતે દરેક પાસે એક મહત્વકાંક્ષા હોવી જ જોઈએ, પણ આપણે ‘મહત્ત્વાકાંક્ષા’ શબ્દને છીછરા અર્થમાં વાપરીને આપણે તેની ચમક ગુમાવી દીધી છે. માણસને ઉતારી પાડવા કહેવાતું હોય છે કે એ તો બહુ ઍમ્બિશિયસ છે. ઍમ્બિશન ન હોવી એ જાણે સંત હોવાનું કોઈ લક્ષણ હોય એમ લોકો બનાવટી નમ્રતાથી કહેતા હોય છે કે આપણને તો ભાઈ લાઇફમાં કોઈ ઍમ્બિશન જ નથી, જે મળે તેનાથી ચલાવી લેવાનું.
આ વાક્યનો ઉત્તરાર્ધ બરાબર છે. જે મળે તેનાથી ચલાવી લેવાનુંમાં ભગવતગીતાનો ઘણો મોટો સાર મળી જાય છે. પણ જીવનમાં મહત્ત્વાકાંક્ષા ન હોવી એ કંઈ સારી વાત નથી.
લાલસા ન હોય તે સારી વાત છે. કોઈ પણ ભોગે મેળવીને જ રહીશ એવી જીદમાં જિંદગીમાં સ્વીકારેલા સિદ્ધાંતો-નીતિનિયમોનો પણ ભોગ લેવાય તો વાંધો નહીં એવી તકવાદી સમાધાનવૃત્તિ છે એટલે એવી જીદ નકામી. કોઈ વસ્તુની તૃષ્ણા પણ ખોટી. લાલસા અને તૃષ્ણા કરતાં ખુલ્લી આંખે જોયેલાં સપનાં જુદાં છે, ઘણાં જુદાં છે.
આગળ જવાનો રસ્તો ખબર ન હોય ત્યારે સફર કઠિન બની જતી હોય છે.
સપનાં એ મુકામ નક્કી કરી આપે કે ન આપે, હવે પછી તરત આવનારા થોડાક માઇલ સ્ટોન્સ જરૂર નક્કી કરી આપે છે. સપનાંઓ જિંદગીને ભલે સહેજ ધૂંધળું પણ એક નિશ્ચિત લક્ષ્ય આપે છે. સપનાંઓમાં જ્યારે મહેનત અને સતત એ દિશામાં કામ કરવાની લગની ઉમેરાય છે ત્યારે લક્ષ્ય આડેનું ધુમ્મસ ધીમેધીમે વિખેરાય છે. વાસ્તવિક બનેલી કેટલીય ઘટનાઓનો જન્મ આવાં સપનાંઓને કારણે થતો હોય છે.
અંગત જીવનની વાત હોય, કાર્યક્ષેત્રને લગતી વાત હોય કે સમગ્ર પ્રજાને લગતીજાહેર જીવનની કોઈ વાત હોય, સપનાંઓ જ્યારે સાકાર થતાં હોય ત્યારે એ સિદ્ધિ પાછળ રહેલી મહત્ત્વાકાંક્ષાને અને એ મહત્ત્વાકાંક્ષાને ઉછે૨વા માટે થયેલી દિવસરાતની વિચા૨શીલ મહેનતને લોકો ભૂલી જતા હોય છે.
સપનાંઓ સીધાંસાદાં ન હોય. સપનાંઓ બહુરંગી અને બહુઢંગી હોવાં જોઈએ, રંગોથી છલકાતાં સપનાંઓ ક્યારેક સૌને અશક્યવત્ લાગે એવા પણ હોવાં જોઈએ અને વિરોધાભાસી લાગે એવી વાત એ છે કે આ અશક્યવત્ સપનાંઓ વ્યવહારભૂમિ ૫૨ ઉછેરી શકાય એવાં પ્રેક્ટિકલ હોવાં પણ જોઈએ.
બેઢંગા સપનાંઓની કે જેની પાસે લાગતા વળગતા ક્ષેત્રનું બૅકગ્રાઉન્ડ ન હોય એવી વ્યક્તિનાં સપનાંઓની વાત અહીં નથી. ભારતમાં જેની આસપાસ થોડુંઘણું પણ બિઝનેસનું વાતાવ૨ણ હોય તે ધીરુભાઈ અંબાણી બનવાનાં સપનાં સેવે કે તદ્દન નવો અભિનેતા અમિતાભ બચ્ચન બનવાનું સપનું સેવે તો બરાબર છે, પણ અહીંનો માણસ અમેરિકાના પ્રેસિડન્ટ બનવાનું સપનું ન સેવી શકે અને સેવે તો એણે પાગલખાનામાં જવું પડે.
બીજી એક વાત. સપનું અશક્યવત્ હોવું જોઈએ એનો મતલબ એ પણ ખરો કે કોઈએ શા માટે અંબાણી કે બચ્ચન બનવાનું સપનું જોવું જોઈએ? એવું તો શક્ય છે જ. એ શક્ય છે એટલે જ તો એમના દાખલા આપીએ છીએ. કોઈકના જેવા થવું એવું સેકન્ડહેન્ડ સપનું રાખવાને બદલે આપણું પોતાનું નક્કોરનવું સપનું સર્જવું જોઈએ.
કેટલીય શોધખોળોનો જન્મ, કેટલીય ઉત્તમ સાહિત્યકૃતિઓનો ઉદય અને કેટલાય વિરાટ ઉદ્યોગની સ્થાપના વ્યક્તિનાં સપનાંમાંથી થયાં છે.
આવાં સપનાંઓ સાચવીને, એને સાકાર કરવા માટે સભાન કે અભાનપણે પ્રયત્ન કરનારાઓનું વ્યક્તિત્વ મમ બને છે. એમના વર્તનમાં આત્મવિશ્વાસ ઉમેરાય છે. કાલેજના દિવસોમાં જોયેલું પરદેશ જઈને વસવાનું સપનું છેક આયુષ્યના પંચાવન વર્ષે ભલે સાકાર થાય પણ સાકાર એ થતું હોય છે. વિખ્યાત દિગ્દર્શકના છઠ્ઠા અસિસ્ટન્ટ તરીકે જોયેલું વિરાટ ફિલ્મ સર્જવાનું સપનું કદીક તો પૂરું થતું હોય છે અને ન થાય તો ય એવા પ્રયત્નો ક૨વાનો સંતોષ મળતો હોય છે.
સપનું એટલે લાઇફનું પ્લાનિંગ નહીં. દીકરીનાં લગ્ન માટે એ સ્કૂલમાં હોય ત્યારથી જ દ૨ મહિને દસ હજાર રૂપિયાનું રોકાણ કરતો મિડલ ક્લાસ જીવનનું પ્લાનિંગ કરતો હોય છે, સપનું નથી જોતો. ત્રણ વર્ષ પછી તારાપુરમાં ત્રીજી ફૅક્ટરી શરૂ કરવા માગતો બિઝનેસમૅન પ્લાનિંગ કરતો હોય છે, સપનું નથી જોતો.
સપનું જમશેદજી ટાટાએ જોયું હતું – ઉદ્યોગપતિ બનવાનું. સપનું લખનૌના સિનેમા હાઉસના દ૨વાજે કાન લગાડીને કલાકો સુધી ઊભા રહેતા નૌશાદ અલીએ જોયું હતું – ભવ્ય સંગીતકાર બનવાનું. આવા કેટ- કેટલાં સફળ માણસો ના સપના વિષે વાત કરવી?
દરેક માણસ બીજા લોકોની સંમતિની અપેક્ષાઓ રાખે છે, કદાચ એટલે જ ચિંતાઓ વધતી જાય છે અને સપના જોવાની સંખ્યા ઘટતી જાય છે. બીજાના ગમા અણગમાને જયારે પહેલાં પગથિયે મુકશો…. તો, તમારો વિકાસ ક્યારે પણ યોગ્ય રીતે થશે નહીં. આગવા વ્યક્તિત્વ માટે મહત્વાકાંક્ષાઓ ખુબ જરૂરી છે.