ખેડૂત આંદોલનઃ લંડનમાં ખાલિસ્તાની ઘ્વજ લહેરાયો
લંડન: ખેડૂત આંદોલનને સમર્થન આપનારા પ્રદર્શનકારીઓએ લંડનમાં ભારતીય દૂતાવાસની સામે ખાલિસ્તાની ધ્વજ લહેરાવ્યો. આ દરમિયાન મોદી સરકાર વિરુદ્ધ ઉગ્ર સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જેમાં વિરોધીઓ ખાલિસ્તાની ધ્વજ ફરકાવતા જાેવા મળી રહ્યા છે. તેમજ કેટલાક મોદી સરકારના હાય-હાયના નારા લગાવતા જાેવા મળ્યા. ભારતમાં ચાલી રહેલા ખેડૂત આંદોલનના પડઘા હવે બ્રિટન, કેનેડા અને અમેરિકામાં પણ જાેવા મળી રહ્યા છે.
મોટી સંખ્યામાં શીખ અને અન્ય સમુદાયોના લોકો ખેડૂતોના સમર્થનમાં ભારતીય દૂતાવાસો સામે દેખાવો કરી રહ્યા છે. આ કારણોસર, આ દેશોમાં ભારતીય મિશનોની સુરક્ષામાં પણ વધારો થયો છે. વિદેશ મંત્રાલયની વિનંતી પર રવિવારે લંડન પોલીસે ભારતીય દૂતાવાસની સુરક્ષા વધુ કડક કરી દીધી છે. અહીં સ્કોટલેન્ડ યાર્ડની એક વધારાની ટુકડી તૈનાત કરવામાં આવી છે. બે દિવસ પહેલા બ્રિટનના ૩૬ સાંસદોએ ભારતમાં કૃષિ કાનુનના વિરોધમાં યુકેના વિદેશ સચિવને પત્ર લખ્યો હતો.
જેમાં પંજાબી મૂળના લેબર પાર્ટીના સાંસદો ઉપરાંત, પાકિસ્તાની અને બ્રિટીશ મૂળના ઘણા સાંસદો પણ શામેલ હતા. તેમણે બ્રિટિશ સરકારને ભારત સામે આ ત્રણ કૃષિ કાયદાઓ સામે વિરોધ નોંધાવવા માંગ કરી. જાેકે, બ્રિટિશ સરકારના આ પત્ર અંગે હજી સુધી કોઈ સત્તાવાર પ્રતિસાદ મળ્યો નથી. સેંકડો શીખ અમેરિકનોએ ભારતીય ખેડૂતોના સમર્થનમાં અમેરિકાના ઘણા શહેરોમાં શાંતિપૂર્ણ રીતે વિરોધ રેલીઓ કાઢી.
કેલિફોર્નિયાના વિવિધ ભાગોના પ્રદર્શનકારીઓના વિશાળ કાફલાએ સેન-ફ્રાન્સિસ્કોમાં ભારતીય કોન્સ્યુલેટ તરફ પ્રયાણ કરતાં શનિવારે ‘બે બ્રિજ’ પર ટ્રાફિકજામ કર્યો હતો. આ ઉપરાંત, સેંકડો વિરોધીઓ ઇન્ડિયાનાપોલિસમાં એકત્ર થયા હતા. એક દિવસ અગાઉ શીખ-અમેરિકન સમુદાયના લોકો શિકાગોમાં એકઠા થયા હતા અને વોશિંગ્ટન ડીસીમાં ભારતીય દૂતાવાસની સામે એક વિરોધ રેલી યોજવામાં આવી હતી.