ટ્રેન અકસ્માતમાં વાલી ગુમાવનારા બાળકોને સહેવાગની મફત શિક્ષણની ઓફર
(એજન્સી)નવી દિલ્હી, ઓડિશામાં શુક્રવારે સાંજે થયેલા ટ્રેન અકસ્માતે સમગ્ર દેશને હચમચાવી દીધા છે. ભારતના ઈતિહાસમાં આ સૌથી મોટી રેલ દુર્ઘટના છે. આ અકસ્માતમાં ૨૮૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા અને હજારો લોકો ઘાયલ થયા હતા. Sehwag offers free education to children who lost a parent in a train accident
આવી સ્થિતિમાં આ દુર્ઘટનાના પીડિતોની મદદ માટે દરેક વ્યક્તિ પોતાના તરફથી હાથ લંબાવી રહ્યા છે. પૂર્વ ભારતીય ઓપનરે પણ આ પીડિતોને મદદ કરવાનો ર્નિણય લીધો છે. સેહવાગે જાહેરાત કરી છે કે જે બાળકોએ અકસ્માતમાં પોતાના માતા-પિતાને ગુમાવ્યા છે તેમના શિક્ષણનો ખર્ચ તે ઉઠાવશે. ભારતીય પૂર્વ ખેલાડીએ તે બાળકોને સેહવાગ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણ આપવાનું નક્કી કર્યું છે.
સેહવાગે ટિ્વટર પર આ માહિતી આપી હતી. ઓડિશા અકસ્માતની ફોટો પોસ્ટ કરતા તેણે લખ્યું, ‘આ ફોટો અમને લાંબા સમય સુધી પરેશાન કરશે. આ દુઃખની ઘડીમાં, હું ઓછામાં ઓછું આટલું તો કરી જ શકું છું કે આ દર્દનાક અકસ્માતમાં જીવ ગુમાવનારા લોકોના બાળકોના શિક્ષણનું ધ્યાન રાખું.
હું આવા બાળકોને સેહવાગ સ્કૂલની બોર્ડિંગ ફેસિલિટીમાં મફત શિક્ષણની ઓફર આપી રહ્યો છું. તમામ પરિવારો માટે પ્રાર્થના અને બચાવ કામગીરીમાં મોખરે રહેલા તમામ બહાદુર સ્ત્રી-પુરુષો, ડોકટરોની ટીમો અને સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી રહેલા સ્વયંસેવકોને અભિવાદન. અમે બધા આમાં સાથે છીએ.
આ પહેલીવાર નથી કે જ્યારે સેહવાગે આ ઉમદા પગલું ભર્યું હોય, અગાઉ પણ વર્ષ ૨૦૧૯માં પુલવામા હુમલા બાદ તેણે શહીદ થયેલા જવાનોના બાળકોને આ ઓફર કરી હતી.