સ્વ અને ભાવ આમ ફક્ત બે જુદા શબ્દોના સમુહથી બનેલો એક શબ્દ સ્વભાવ
સ્વ અને ભાવ આમ ફક્ત બે જુદા શબ્દોના સમુહથી બનેલો એક શબ્દ સ્વભાવ, જે દરેક માનવીનાં વ્યક્તિત્વને લોકો સમક્ષ ખુલ્લું કરે છે. સ્વભાવ એ તો આદતોનું મૂળ છે.
જુદી જુદી વ્યક્તિ વિવિધ સ્વભાવ ધરાવતી હોય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિ અલગ અલગ હોવાથી દરેક માનવીનાં સ્વભાવમાં ફરક પડે છે અલબત્ત એક જ લોહીના સંબંધ ધરાવતી વ્યક્તિઓ જ કે બાપ- બેટાના, ભાઈ-ભાઈના, જોડકા ભાઈ-બહેનનોના સ્વભાવમાં પણ વિભન્નતા રહેલી હોય છે. સ્વભાવ બદલવો બહુ જ કઠિન છે.
સ્વભાવ વિવિધ પ્રકારનાં હોય છે. જેમ કે ઉદાર, કંજૂસ, સૌમ્ય, ઉતાવળિયો, ધીરગંભિર, મિલનસાર, અતડો, ઈર્ષ્યાળુ, સંતોષી, દયાળુ, નિર્દય, મીઠો, નિખાલસ, શાંતિપ્રિય, શંકાશીલ, ઝગડાળુ, હસમુખો, રોતલ, જિદ્દી અને સ્વાર્થી.
પરંતુ જે માનવીનાં સ્વભાવમાં સરળતા હોય તે વ્યક્તિનું વ્યક્તિત્વ નિરાળું હોય છે તેથી તે લોકોમાં પ્રિય બની જાય છે. માનવી કોઈ પણ ક્રિયા કરતા તેનો સ્વભાવ પ્રગટ થઈ જાય છે અને તેનું ચારિત્ર કેવું છે તે પણ લોકો સમક્ષ ખુલ્લી કિતાબની જેમ દેખાય છે.
ખામીયુક્ત સ્વભાવની અસર માનસિક તથા શારીરિક બન્ને પર પડે છે. જેમ કે ઉતાવળિયો સ્વભાવ અથવા ઉગ્ર સ્વભાવ ધરાવતી વ્યક્તિને લોહીનાં દબાણની તકલીફ થાય અથવા હ્રદય પર અસર અસર થાય છે. કંજૂસ વ્યક્તિ જિંદગીભર સુખ ભોગવી શકતી નથી.
અતડા સ્વભાવ તથા મીંઢા લોકો બીજાની નજરમાંથી ઉતરી જાય છે. ખામીયુક્ત સ્વભાવવાળી વ્યક્તિઓએ ધરમધ્યાન, મનન, યોગ તથા કસરત કરવાથી તે વ્યક્તિમાં એકાગ્રતા વધતા સ્વભાવમાં સરળતા લાવી શકે છે અને સારા માણસોનાં સંપર્કમાં આવીને સતસંગ કરવાથી પણ મન પર સારી અસર થયા વગર રહેતી નથી.
મા-બાપ કે વડીલોએ બાળકને બાળપણથી જ સારા સંસ્કાર સિંચવવાથી તથા તે બાળકો કોની જોડે હરેફરે છે, તે કોની સંગતમાં રહે છે તેનું ધ્યાન રાખતા તે બાળક વિનયી, સમજુ અને સરળ સ્વભાવનો બને છે. બાળકોને ધડવા મા-બાપ તથા વડીલો અને શિક્ષકોનાં હાથમાં છે. ઘણા બાળકો કિશોરવયમાં આવતા કોઈ ખરાબ સંગતમાં આવતા ઉડાઉ બની જાય છે. ધરમધ્યાન, વ્યાખ્યાન, પાઠશાળા કે સતસંગ બાળકનાં સ્વભાવમાં સરળતાનું ઈજન પૂરુ પાડે છે. બાળવાર્તાઓમાંથી બોધ મળતા તે બાળકનાં મન પર સારી અસર પાડે છે.
મા-બાપે પોતાના બાળકો ડરપોક સ્વભાવના ન બને તેનું ધ્યાન રાખવું જોઇએ નહિતર આ જગતમાં તે બાળકોનું કોઈ સ્થાન નહિ રહે. મન હોય તો માળવે જવાય તેમ જો ઉતાવળિયા સ્વભાવનો માનવી મનમાં નક્કી કરે કે મારે ઉતાવળ કરવી જ નથી અને ધીરજથી કામ લેવું છે તો તે બધી ક્રિયા ધીરજ રાખીને કરી શકશે પરંતુ મનથી નક્કી કરેલો વિચાર જો અડગ હેય તો તે અવશ્ય કરી શકશે. કાળા માથાનો માનવી જો ધારે તો શું નથી કરી શકતો, તેમ મનમાં નક્કી કરેલા નિશ્ચયમાં એને સફળતા મળશે જ.
પતિ-પત્નીનાં સ્વભાવમાં ઘણો ફરક હોવા છતાં પણ તેઓ પોતાનું સંસારચક્ર શાંતિથી ચલાવી શકે પરંતુ બન્ને જણાએ પોતાના સ્વભાવમાં થોડી થોડી બાંધછોડ તો કરવી જ પડે છે. જીવન મરણ માનવી નક્કી કરી શકતો નથી તે તો કરેલા કર્મ પર આધાર રહેલો હોય છે. પરંતુ પોતાનો ઘડાઈ ગયેલો સ્વભાવ ચોક્કસ બદલી શકાય છે. અલબત્ત એ એટલું સરળ તો નથી જ. સ્વભાવ બદલવો તે પોતાનાં હાથમાં જ છે પરંતુ તે વ્યક્તિ મનથી સંકલ્પ કરે તો જ તે સ્વભાવનું રૂપ બદલી શકે છે.
માનવી પોતાના સ્વભાવ મુજબ પોતાનામાં રહેલા ભાવને બહાર વ્યક્ત કરે છે તથા તે ભાવ રોકવો હોય તે છતાં રોકી શકતો નથી. જન્મથી ઉત્પન થયેલો સ્વભાવ પૂર્વભવમાં કરેલા કર્મથી જ ઘડાયો હોય છે પરંતુ સ્વભાવ બદલવામાં સંજોગો પણ નિમિત્ત બને છે. સરળ સ્વભાવવાળી વ્યક્તિ મોટે ભાગે પોતાના કાર્યમાં સફળતા મેળવે છે તેને કોઇ માનસિક કે શારીરિક તકલીફો પડતી નથી.
માનવીએ બાંધછોડ કરી કોઈક કોઈક વખત એકબીજાને અનુકૂળ થવા માટે સ્વભાવ બદલવો જ રહ્યો. અલબત્ત દરેક માનવીનો સ્વભાવ ભિન્ન હોવાથી જીવનમાં સંઘર્ષ થાય એમાં નવાઈ નથી, પરંતુ જો એકબીજાને અનુરૂપ થવાય તો સંઘર્ષ સુલેહમાં ફેરવી શકાય છે.
અમુક વ્યક્તિઓને પોતાનું કામ કઢાવી લેવા અસત્ય કહીને ફરી જતા વાર લાગતી નથી. અદેખાઈભર્યા સ્વભાવવાળી વ્યક્તિ બીજાનું સુખ જોઈ પોતે અંદર ને અંદર જ મનમાં ને મનમાં બળતી રહે છે, પરંતુ બીજાનું સુખ જોઇ જેને આનંદ થાય તે વ્યક્તિ જુદી તરી આવે છે.
‘પોતાનું જીવન પોતાના જ સ્વભાવથી જ ઘડાય છે.’