દુનિયાના પાંચ દેશોમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થાય છે, જેમાં ભારતનું પણ એક આગવું નામ
કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં અમદાવાદની મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ ખાતે રોજગાર મેળો યોજાયો
શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત-ગુજરાત રાજ્ય ભારતનું સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય હોઈ દેશનું ગ્રોથ એન્જિન બન્યું
Ø આવનારા સમયમાં 85%થી વધારે સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટેની ટ્રેનિંગ સ્કિલ યુનિવર્સિટી ખાતે આપવામાં આવશે
કૌશલ્ય -ધ સ્કિલ યુનિવર્સિટીના ટેકનૉલોજી પાર્ટનર અને અગ્રગણ્ય ઔદ્યોગિક એકમો, માઈક્રોન સેમિકંડક્ટર ટેકનોલોજી ઇન્ડિયા દ્વારા નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યા
આ ભરતી મેળામાં 30 અગ્રગણ્ય ઔધોગિક એકમોની 2542 જગ્યાઓ ઉપર રોજગાર ભરતી કરવામાં આવશે
કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી અને નિયામકશ્રી રોજગાર અને તાલીમના સંયુક્ત ઉપક્રમે કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટી, માહાત્મા ગાંધી શ્રમ સંસ્થાન, અમદાવાદ ખાતે કેબિનેટ મંત્રીશ્રી, (સૂક્ષ્મ, લઘુ અને મધ્યમ ઉદ્યોગ વિભાગ, કુટિર, ખાદી અને ગ્રામોદ્યોગ વિભાગ, નાગરિક ઉડ્ડયન વિભાગ તેમજ શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર) શ્રી બળવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં રોજગાર મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું.
કૌશલ્ય- ધ સ્કિલ યુનિવર્સિટીની સ્કૂલ ઓફ એક્સિલન્સ ઇન સેમિકંડક્ટરના ટેકનૉલોજી પાર્ટનર અને અગ્રગણ્ય ઔદ્યોગિક એકમ માઈક્રોન સેમિકંડક્ટર ટેકનોલોજી ઈન્ડિયા દ્વારા ગુજરાતમાં સૌપ્રથમ રોજગારી આપવામાં આવી રહી છે, જે પૈકી ટોકન સ્વરૂપે 10 ઉમેદવારોને કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતના હસ્તે નિમણૂકપત્રો એનાયત કરવામાં આવ્યા હતા.
આ રોજગાર ભરતી મેળા પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે કહ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2003માં વાઇબ્રન્ટ સમિટની શરૂઆત કરી હતી. આ વાઇબ્રન્ટ સમિટના કારણે ગુજરાતમાં રોજગારી પ્રાપ્તિ થવા લાગી. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે પણ આ જ માર્ગે ચાલીને ગુજરાત સરકારના અધિકારીઓ અને કર્મચારીઓ સાથે મળીને ગુજરાતને ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું રાજ્ય બનાવ્યું છે. ગુજરાતમાં વધારેમાં વધારે રોજગારીનું ઉત્પાદન થાય તે માટે સરકાર વિવિધ સ્તરની વ્યવસ્થાઓ કરી રહી છે. આજે આ રોજગાર મેળામાં 1200થી વધારે વિદ્યાર્થીઓ લાભ લેવાના છે, એવું તેમણે ઉમેર્યું હતું.
મંત્રીશ્રીએ આનંદ વ્યક્ત કર્યો હતો કે, 30થી વધારે કંપનીઓના એચ.આર. અને વડાઓની ઉપસ્થિતિમાં રોજગાર ભરતી મેળો યોજાઇ રહ્યો છે.
કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે વધુ વાત કરતાં કહ્યું હતું કે, દુનિયાના પાંચ દેશોમાં સેમિકન્ડક્ટરનું ઉત્પાદન થાય છે, જેમાં ભારતનું પણ એક આગવું નામ છે અને ભારત દેશમાં ગુજરાત રાજ્ય સેમિકન્ડક્ટર ઉત્પાદન માટેનું લાઇસન્સ ધરાવે છે. દુનિયા બદલાઈ રહી છે ત્યારે આ 21મી સદીમાં લોકોનો સમય બચે અને લોકો ઝડપથી રોજગારી પ્રાપ્ત કરી શકે તે માટે, એક જ જગ્યાએ રોજગાર મેળવનાર અને રોજગાર આપનાર સંપર્કમાં આવી શકે તે હેતુસર અનુબંધમ પોર્ટલ કાર્યરત છે. આ પોર્ટલ પર 47,000થી વધારે લોકો જોડાયેલા છે અને રોજગાર આપનાર અને રોજગાર મેળવનાર આ પોર્ટલથી લાભ પ્રાપ્ત કરે છે.
વધુમાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, ગુજરાત જે ગતિથી આગળ વધી રહ્યું છે તેમાં સ્કિલ અને ડેવલપમેન્ટ ઉપર ભાર મૂકવા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં સ્કિલ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. આ સ્કિલ યુનિવર્સિટી હેઠળ ઉદ્યોગપતિઓ અને કંપનીઓ તેમને જોઈએ છે તે સ્કિલ મુજબ મેનપાવર મળી શકે, સ્થાનિક લોકોને રોજગારી મળી શકે અને કંપનીઓને સારી રીતે ડેવલપ કરવા માટેના હેતુથી સ્કિલ યુનિવર્સિટીની કાર્યક્ષમતામાં વધારો થાય તે માટેના પ્રયાસો ચાલુ છે.
મંત્રીશ્રીએ વધુ વાત કરતા કહ્યું હતું કે, આજના જમાનામાં ડ્રોન, થ્રીડી, પેઇન્ટિંગ, રોબોટ જેવાં મશીનોથી દુનિયા આગળ વધી રહી છે. આવા અનેક પ્રકારનાં મશીનોના ડેવલપમેન્ટ અને તેને ઓપરેટ કરવા માટેની તાલીમ સ્કિલ યુનિવર્સિટી દ્વારા મળી શકે તે માટે પ્રયાસો કરવામાં આવે છે.
વધુમાં તેમણે કહ્યું કે, વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળમાં રોજગારી દરમાં સુધારો થયો છે. આવનારા સમયમાં 85%થી વધારે સ્થાનિક લોકોને રોજગારી મળે તે માટેની ટ્રેનિંગ સ્કિલ યુનિવર્સિટી ખાતે આપવામાં આવશે, તેવું તેમણે ઉમેર્યું હતું. રોજગાર ભરતી મેળામાં હાજર રહેલા આપનાર વિદ્યાર્થીઓને તેમણે પ્રોત્સાહિત કર્યા હતા.
ઉલ્લેખનીય છે કે, આ રોજગાર ભરતી મેળામાં 30 અગ્રગણ્ય ઔધોગિક એકમોની 2542 જગ્યાઓ માટે મુખ્યત્વે માઈક્રોન સેમીકંડક્ટર, સુઝુકી મોટર્સ, ટાટા મોટર્સ, પારલે, એલિઝાબેથ ટૂલ્સ જેવા નામાંકિત ઔદ્યોગિક એકમો દ્વારા રોજગારીની તક પૂરી પાડવામાં આવશે.
આ કાર્યક્રમમાં શ્રમ, કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના અધિક મુખ્ય સચિવ શ્રી ડો. અંજુ શર્મા, રોજગાર અને તાલીમ વિભાગના નિયામક શ્રી ગાર્ગી જૈન, કૌશલ્ય-ધ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર, મહાત્મા ગાંધી લેબર ઇન્સ્ટિટયૂટના કન્સલ્ટન્સશ્રી, વિવિધ કંપનીઓના પ્રતિનિધિઓ અને રોજગાર ભરતી મેળામાં ભાગ લેવા પધારેલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.