પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ‘લેખન-કૌશલ્ય અને પત્રકારત્વ’ અંગે પરિસંવાદ યોજાયો
અમદાવાદ માહિતી કચેરી અને પ્રેસ અકાદમી, ગાંધીનગરનો નવતર અભિગમ
આપણા લેખો હંમેશાં જન કલ્યાણની ભાવનાથી પ્રેરાયેલા હોવા જોઈએ : માહિતી નિયામકશ્રી કે.એલ. બચાણી
અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલની પ્રોત્સાહક ઉપસ્થિતિ : વરિષ્ઠ પત્રકાર શ્રી કેતન ત્રિવેદી અને લેખક શ્રી રમેશ તન્નાએ પત્રકારત્વના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
ગુજરાત પ્રેસ અકાદમી, ગાંધીનગર અને પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદના સંયુક્ત ઉપક્રમે આજે એ.એમ.એ., અમદાવાદ ખાતે માહિતી નિયામકશ્રી કે.એલ. બચાણીના અધ્યક્ષસ્થાને પત્રકારત્વના વિદ્યાર્થીઓ માટે ‘લેખન-કૌશલ્ય અને પત્રકારત્વ’ અંગે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું હતું.
લેખન કૌશલ્યમાં સાફલ્ય ગાથા કેટેગરીની કેટેગરીમાં શ્રી રેસુંગ ચૌહાણને પ્રથમ, સુશ્રી શ્વેતા પટેલ દ્વિતીય, સુશ્રી નેહા તળાવિયાને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો હતો. જ્યારે ખાસ લેખ કેટેગરીમાં શ્રી ઉમંગ બારોટને પ્રથમ, સુશ્રી રેશમા નિનામાને દ્વિતીય તથા શ્રી મિનેશ પટેલને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો. સાથોસાથ પ્રાકૃતિક કૃષિ સાફલ્ય ગાથાની કેટેગરીમાં સુશ્રી શ્રદ્ધા ટીકેશને પ્રથમ, સુશ્રી રિંકલ પરમારને દ્વિતીય અને શ્રી વિવેક ગોહેલને તૃતીય ક્રમાંક પ્રાપ્ત થયો છે.
જેમાં વરિષ્ઠ પત્રકાર અને સંપાદક શ્રી અજય ઉમટ, અધિક માહિતી નિયામકશ્રી અરવિંદ પટેલ, વરિષ્ઠ પત્રકારશ્રી કેતન ત્રિવેદી તથા લેખક શ્રી રમેશ તન્ના દ્વારા વિદ્યાર્થીઓને પત્રકારત્વના સાંપ્રત પ્રવાહો તથા માહિતી ખાતાની ભૂમિકા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ તકે માહિતી ખાતાના ઉત્તર ગુજરાત ઝોનના વિવિધ જિલ્લાઓના પ્રતિભાશાળી કર્મયોગીઓને શ્રેષ્ઠ લેખ, સાફલ્ય ગાથા અને પ્રાકૃતિક કૃષિની સ્ટોરી માટે વિવિધ કેટેગરીમાં પારિતોષિક આપવામાં આવ્યાં હતાં.
આ તકે પ્રસંગોચિત માર્ગદર્શન આપતાં માહિતી નિયામકશ્રી કે.એલ.બચાણીએ જણાવ્યું હતું કે આપણા લેખો હંમેશાં જનકલ્યાણની ભાવનાથી પ્રેરાયેલા હોવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે પત્રકારત્વના મૂળ સિદ્ધાંત સંવાદ, સંપર્ક અને સૂત્રના આધારે લખાણમાં નાવીન્ય આવે છે. તેમણે કહ્યું કે માહિતી ખાતું અને પત્રકારોની કામગીરી એકબીજાની સમાંતર અને નજીકની છે. માહિતી નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, એઆઈ ટેકનોલોજીના પ્રભાવ વચ્ચે પણ લખાણ આજે પણ પ્રસ્તુત છે, સમાજ સુધી પહોંચવા માટે જવાબદારીપૂર્વક લખેલું લખાણ સમાજ માટે નવી રાહ બને છે. Seminar on ‘Writing Skills and Journalism’ held for journalism students
પરિસંવાદના મુખ્ય અતિથિ અને વરિષ્ઠ પત્રકાર શ્રી અજય ઉમટે સાંપ્રત સમયમાં માહિતીના વિસ્ફોટ અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના વધતાં વ્યાપ વચ્ચે પણ લખાણ અને સર્જનાત્મકતાનું મહત્ત્વ સમજાવતાં કહ્યું કે આજે ઇન્ટરનેટ અને સોશિયલ મીડિયાના કારણે ચોમેરથી અઢળક માહિતી મળતી થઈ છે, પરંતુ તેના કારણે સંપાદકોની જવાબદારી પણ વધી છે. આજે લોકમત ઊભો કરવામાં ન્યૂ મીડિયા અને ઇન્ટરનેટનો હિસ્સો પણ મહત્ત્વનો બની ગયો છે.
ત્યારે ફેક્ટ ચેક અને ન્યૂઝ એડિટિંગના પરિમાણો સતત બદલાઈ રહ્યાં છે, હજી પણ બદલાશે. આવા સમયમાં કન્ટેન્ટ એટલે કે લખાણ અને તેમાં રહેલી સર્જનાત્મકતા જ મહત્વપૂર્ણ સાબિત થશે. ત્યારે માહિતી ખાતુ આજે પણ અંતરિયાળ વિસ્તારોમાંથી નાવીન્યપૂર્ણ વિગતો અને લોકાભિમુખ માહિતી અને વાર્તાઓ બહાર લાવવાનું ઉમદા કાર્ય કરી રહ્યા છે. જે બદલ તેમણે સમગ્ર માહિતી પરિવારને અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ઉપસ્થિત વરિષ્ઠ લેખક શ્રી કેતન ત્રિવેદીએ લેખન-કૌશલ્યના વિવિધ પાસાઓ વિશે વાત કરતાં જણાવ્યું કે ટેકનોલોજીના પરિવર્તન સાથે ત્રણ સિદ્ધાંતો પર લખાણ પ્રતિબદ્ધ બને છે. દરેક લેખકનો ખોરાક વાંચન, હથિયાર શબ્દ અને લક્ષ વાચકોનો વિશ્વાસ હોવા જોઈએ. તેમણે ઉમેર્યું હતું કે, ટેકનોલોજી સાથે વાંચનથી સમૃદ્ધ લખાણ શક્ય બને છે જે માટે સતત નવું વાંચન કરતાં રહેવા અનુરોધ કર્યો હતો.
લેખક શ્રી રમેશ તન્નાએ સંપાદનકળા અને હકારાત્મક વિગતો મેળવવા અંગેના અનુભવો વહેંચતાં જણાવ્યું કે, લખવું એ સમાજથી સ્વ સુધી પહોંચવાની રાસાયણિક પ્રક્રિયા છે. તેમણે ઉમેર્યું કે લખીને સંવેદના જાગૃત કરી માણસના હૃદય સુધી પહોંચી શકાય છે. આપણી આસપાસ અનેક કહાણીઓ પડેલી હોય છે, પણ આવી વાર્તાઓ અને તેની હકારાત્મક અસરો સમાજ સુધી પહોંચાડવા માટે ઊંડે ઊતરવાની આદત કેળવવા અને સતત લખતા રહેવા અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમના પ્રારંભે અમદાવાદ નાયબ માહિતી નિયામક શ્રી હિમાંશુ ઉપાધ્યાયે લેખન અને કૌશલ્ય પરિસંવાદની પૂર્વભૂમિકા આપી, તેની આવશ્યકતા અને ઉપયોગિતા અંગે માહિતી આપી ઉપસ્થિતો આભાર વ્યક્ત કર્યો હતો.
ગુજરાત પ્રેસ અકાદમીના સચિવશ્રી જયેશ દવેએ સમાપન પ્રસંગે જણાવ્યું હતું કે આ પ્રકારના પરિસંવાદોથી કર્મયોગીઓમાં શ્રેષ્ઠતા આવે છે. માહિતી ખાતાની કામગીરી વધુને વધુ અસરકારક બને તે માટે આગામી સમયમાં આ પ્રકારના કાર્યક્રમો યોજાતા રહેશે તેમ જણાવ્યું હતું.
આ કાર્યક્રમમાં પ્રાદેશિક માહિતી કચેરી, અમદાવાદ દ્વારા ‘ઉત્તર ગુજરાત ઝોન શ્રેષ્ઠ લેખન સ્પર્ધા’ અંતર્ગત પ્રાકૃતિક કૃષિ, ખાસ લેખ અને સાફલ્ય ગાથાની વિવિધ કેટેગરીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરનાર કુલ નવ કર્મયોગીઓને મહાનુભાવોના હસ્તે પારિતોષિક એનાયત કરીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા
આ પ્રસંગે અધિક માહિતી નિયામક શ્રી અરવિંદ પટેલ, સંયુક્ત માહિતી નિયામકશ્રી સંજય કચોટ, શ્રી મિતેશ મોડાસિયા તેમજ શ્રી હેતલ દવે સહિત અમદાવાદ પ્રાદેશિક માહિતી કચેરી તેમજ મહેસાણા, પાટણ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભાવનગર, બોટાદ અને ગાંધીનગર જિલ્લા માહિતી કચેરીઓના અધિકારીશ્રીઓ, કર્મયોગીઓ, ગુજરાત યુનિવર્સિટી, ગુજરાત વિદ્યાપીઠ અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ જર્નાલિઝમના પત્રકારત્વ વિભાગના શિક્ષકો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા