લેબનોનમાં હિઝબુલ્લાહનો સિનિયર કમાન્ડર મરાયો: ઇઝરાયેલ
જેરુસલેમ, ઇઝરાયેલના લશ્કરે બૈરુત પરના હુમલામાં હિઝબુલ્લાહના કમાન્ડરને માર્યાે હોવાનો દાવો કર્યાે છે. ઇઝરાયલે જણાવ્યું હતું કે, આતંકવાદી જૂથ હિઝબુલ્લાહના લોજિસ્ટિક્સ, બજેટ અને મેનેજમેન્ટની જવાબદારી સંભાળતા સુહૈલ હુસૈનીનું મોત થયું છે.
ગાઝામાં પેલેસ્ટાઇનના આતંકવાદીઓએ ઇઝરાયેલ પર રોકેટો દ્વારા હુમલો કર્યાે હતો. તે દર્શાવે છે કે, હમાસ હજુ ગાઝામાં ઇઝરાયેલના આક્રમણનો સામનો કરી રહ્યું છે. સ્થાનિક મીડિયા અધિકારીઓના જણાવ્યા અનુસાર ઇઝરાયેલ અને હમાસ વચ્ચેના યુદ્ધમાં અત્યાર સુધીમાં પેલેસ્ટાઇનના લગભગ ૪૨,૦૦૦ નાગરિકોએ જીવ ગુમાવ્યો છે.
ઉપરાંત, મોટા વિસ્તારોમાં તારાજી થઈ છે અને ૯૦ ટકા લોકોને ઘર છોડવાનો વારો આવ્યો છે. લેબેનોનમાં સંયુક્ત રાષ્ટ્રના અધિકારીઓએ ઇઝરાયેલ અને હિઝબુલ્લાહને વાટાઘાટ માટે સમજાવવાનો પ્રયાસ કર્યાે હતો.
સંયુક્ત રાષ્ટ્ર શાંતિસ્થાપના દળના જિની હેનિસ અને લેફ્ટેનન્ટ જનરલ આરોલ્ડો લઝારો હિઝબુલ્લાહ દ્વારા હમાસના ટેકામાં ઇઝરાયેલ પર હુમલાની શરૂઆતને એક વર્ષ પૂરું થવા નિમિત્તે આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે, હમાસે ઇઝરાયેલ પર કરેલા હુમલાને ૭ ઓક્ટોબરના રોજ એક વર્ષ પૂરું થયું હતું.
ઇઝરાયેલે લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે નવો મોરચો ખોલ્યો છે. ગાઝા સાથે યુદ્ધ શરૂ થયું ત્યારથી હિઝબુલ્લાહ ઇઝરાયેલ પર મિસાઇલ હુમલા કરતું હતું.દરમિયાન હમાસના લશ્કરી એકમ ધ અલ-કાસમ બ્રિગેડ્સે જાહેર કર્યું હતું કે, તેણે ગાઝા શહેર પરના હુમલામાં ઇઝરાયેલના ઘણા સૈનિકોનો ખાતમો કર્યાે છે.
અલ-કાસમ બ્રિગેટ્સે સોમવારે જણાવ્યું હતું કે, તેમના સભ્યોએ બોમ્બ દ્વારા ઇઝરાયેલના ૧૦ સૈનિકના ગ્રુને ટાર્ગેટ કર્યું હતું. તેને લીધે વિસ્તારમાં ઘણા સૈનિકોની જાનહાનિ થઈ હતી. નિવેદનમાં જણાવ્યા અનુસાર બ્રિગેડ્સને એક હેલિકોપ્ટર નજરે પડ્યું હતું. તેની પર હુમલો કરાયો હતો. જોકે, ઘટના અંગે તેણે વધુ માહિતી આપી ન હતી.
અન્ય એક નિવેદનમાં બ્રિગેડ્સે દાવો કર્યાે હતો કે, તેણે ગાઝા શહેરની ઉત્તરમાં તુવામ વિસ્તારમાં ‘યાસિન ૧૦૫’ મિસાઇલ સાથેના સૈનિકને ટાર્ગેટ કર્યાે હતો. ઉલ્લેખનીય છે કે, ગયા સપ્તાહે ઇરાને ઇઝરાયેલ પર બેલિસ્ટિક મિસાઇલ્સ દ્વારા હુમલો કર્યાે હતો. ઇઝરાયેલ ગમે ત્યારે હુમલાનો જવાબ આપે તેવી શક્યતા છે.SS1MS