Western Times News

Gujarati News

જાહેર સેવાને વધુ સુદ્રઢ બનાવવા વરિષ્ઠ અધિકારીઓ ત્રણ દિવસ સામુહિક ચિંતન કરશે

એકતાનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાજ્ય સરકારની કાર્યશૈલીમાં ઊર્જા સંચેતનાની પરિચાયક ચિંતન શિબિરનો આજથી થશે પ્રારંભ

વિવિધ વિષયો ઉપર સામુહિક મંથન બાદ નિષ્પાદિત અર્કનું પ્રેઝેન્ટેશન થશે  જે નીતિ નિર્ધારણમાં ઉપયોગી નિવડશે

ગુજરાત સરકારના સમગ્ર વહીવટી તંત્રમાં કાર્યશૈલીના નૂતન અભિગમોના અમલ અને ઊર્જા સંચેતનાનો પર્યાય બની ચૂકેલી ચિંતન શિબિરની ૧૦મી શ્રેણીનો એકતાનગર-સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે તા. ૧૯મીથી પ્રારંભ થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની સુશાસનની આગવી પહેલ સમાન આ ચિંતિન શિબિરનું નેતૃત્વ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે લીધું છે અને તેમાં મંત્રી પરિષદના તમામ સભ્યો ઉપરાંત વરિષ્ઠ સનદી અધિકારીઓ સહિત કલેક્ટરો અને જિલ્લા વિકાસ અધિકારીઓ પણ સામેલ થશે.

આ દસમી ચિંતન શિબિરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ ટેન્ટ સિટી-૨ ખાતે તા. ૧૯મી મે, ૨૦૨૩ના રોજ સાંજે ચાર કલાકે ઉદ્દઘાટન કરાવશે. ઉદ્દઘાટન બાદ સ્ટ્રેસ મેનેજમેન્ટ અને યોગા વે ઓફ લાઇફ પર વક્તવ્ય યોજાશે તેમજ આર્ટિફિશયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત ટેક્નિકલ પરિવર્તનના સંદર્ભમાં જાહેર ક્ષેત્રની ભૂમિકા અને અપેક્ષાઓ ઉપર પેનલ ચર્ચા થશે.

તા. ૨૦મી મે, શનિવારને બીજા દિવસે સવારે ૬ કલાકે આરોગ્ય વન ખાતે યોગાભ્યાસમાં મુખ્યમંત્રીશ્રી સહિત તમામ મહાનુભાવો ભાગ લેશે. તત્પશ્ચાત સવારે ૧૦ કલાકે વિકાસના મુદ્દાઓ અંગે નિષ્ણાંતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે. સમગ્ર દિવસ દરમિયાન આરોગ્ય

અને પોષણ, શહેરીકરણ અને માળખાગત વિકાસ, ગ્રામીણ વિસ્તારોમાં માળખાકીય અને ક્ષમતા નિર્માણ,  સરકારી અને તમામ સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે તાલીમ અને ક્ષમતા નિર્માણ, શિક્ષણમાં ગુણાત્મક સુધારો જેવા વિવિધ વિષયો ઉપર વરિષ્ઠ અધિકારીઓના દિશાદર્શનમાં સામુહિક રીતે ગહન ચિંતન કરવામાં આવશે.

તદુપરાંત મહાનુભાવો સાંજે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત બાદ લાઇટ એન્ડ સાઉન્ડ શો અને પ્રોજેક્શન મેપિંગ નિહાળશે. સાંજના ૮.૩૦ કલાકે ગોરા ઘાટ ખાતે મુખ્યમંત્રીશ્રી સહિતના શિબિરાર્થીઓ ‘મા નર્મદા’ની મહાઆરતીમાં પણ જોડાશે.

ચિંતન શિબિરના અંતિમ દિવસનો પ્રારંભ પણ યોગાભ્યાસથી થશે. ત્યારબાદ સવારે ૧૦ કલાકે વિવિધ વિષયો ઉપર પ્રેઝેન્ટેશન અને ચર્ચા થશે. બપોરે ૧૨.૩૦ વાગ્યે ભારત સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તૈયાર કરાયેલા જિલ્લા સુશાસન સુચકાંકોનું લોકાર્પણ કરવામાં આવશે. બપોરે એક વાગ્યે મુખ્યમંત્રીશ્રીનું માર્ગદર્શન મળ્યા બાદ શિબિરનું સમાપન થશે.

વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા ત્યારે, તેમણે વર્ષ ૨૦૦૩માં આ ચિંતન શિબિરની પહેલ એકતાનગર ખાતેથી જ શરૂ કરી હતી અને આજે તેની દસમી શ્રેણી પણ એકતાનગર ખાતે યોજાઇ રહી છે. જાહેરસેવા અને કાર્યસંસ્કૃતિને બહેતર તરીકાથી લોકાભિમુખ બનાવવા માટે આ ચિંતન શિબિર ચાવીરૂપ ભૂમિકા અદા કરે છે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલ પણ વડાપ્રધાનશ્રીએ કંડારેલી સુશાસનની કેડીને આગળ ધપાવી રહ્યા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.