અમેરિકામાં ૧૦ દિવસમાં વધુ એક હિન્દુ મંદિર પર હુમલાથી સનસનાટી
કેલિફોર્નિયા, અમેરિકાના કેલિફોર્નિયામાં હિન્દુ ધર્મના ધર્મસ્થાન પર હુમલો થયો છે. છેલ્લા ૧૦ દિવસમાં બીજી વખત હિન્દુ ધાર્મિક સ્થળ પર આ રીતે હુમલો કરવામાં આવ્યા છે. એટલું જ નહીં આ દરમિયાન સ્વામિનારાયણ મંદિરમાં હિન્દુવિરોધી નારા પણ લખવામાં આવ્યા હતા.
કેટલાક તત્વોએ ‘હિન્દુઝ ગો બેક’ના સૂત્રો લખ્યા હતા. આ ઘટના કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં બની હતી. આ પહેલા ન્યૂયોર્કના સ્વામીનારાયણ મંદિરમાં પણ આવી જ ઘટના બની હતી. હાલમાં અમેરિકામાં હિન્દુમિશિયા વધી રહ્યો છે. હિન્દુમિશિયા એ અંગ્રેજી શબ્દ છે જેનો ઉપયોગ હિન્દુઓ પ્રત્યે નફરતને વ્યાખ્યાયિત કરવા માટે થાય છે. આને હિન્દુફોબિયા પણ કહી શકાય.
જો કે, બંને વચ્ચેનો તફાવત એ છે કે હિન્દુફોબિયા શબ્દમાં ડરનો સમાવેશ થાય છે જ્યારે હિન્દુમિશિયા હિન્દુઓ પ્રત્યે તિરસ્કાર-અણગમાનો ભાવ દર્શાવે છે. આ હુમલાની માહિતી સ્વામીનારાયણ મંદિર તરફથી એક્સ પર આપવામાં આવી છે.
મંદિર તરફથી લખવામાં આવ્યું હતું કે, ‘ન્યૂયોર્કમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલા બાદ ૧૦ દિવસમાં આ બીજો હુમલો છે. જેમાં કેલિફોર્નિયાના સેક્રામેન્ટોમાં સ્વામિનારાયણ મંદિર પર હુમલો થયો હતો. આ દરમિયાન હિન્દુઓને પાછા જાવના સૂત્રો લખવામાં આવ્યા હતા. અમે આ નફરત સામે સંગઠિત છીએ અને શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
સેક્રામેન્ટોની સ્થાનિક સંસ્થાએ પણ હુમલાની પુષ્ટિ કરી છે. પ્રશાસનનું કહેવું છે કે મંદિરમાં માત્ર તોડફોડ જ નથી કરવામાં આવી પરંતુ ત્યાંની પાઇપલાઇન પણ સમાજ વિરોધીઓએ કાપી નાખી છે. આ તોડફોડ બાદ મોટી સંખ્યામાં લોકો મંદિરમાં પૂજા માટે પહોંચ્યા હતા.
આ લોકોમાં સ્થાનિક સરકારી અધિકારીઓ અને કેલિફોર્નિયા સ્ટેટ એસેમ્બલીના સભ્ય સ્ટીફન નગુયેન પણ સામેલ હતા. ઉલ્લેખનીય છે કે આ પહેલા ૧૬ સપ્ટેમ્બરે ન્યૂયોર્કમાં મંદિર પર હુમલો થયો હતો. ત્યારે પણ મંદિરને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો અને ભારત વિરોધી સૂત્રો લખવામાં આવ્યા હતા.SS1MS