સેન્સેક્સ ૩૬૧ પોઈન્ટ ઘટ્યો, નિફ્ટી ૧૭૦૦૦ પોઈન્ટની નીચે બંધ થયો
મુંબઈ, સોમવારે સ્થાનિક શેરબજારો ઘટાડા સાથે બંધ થયા છે. બીએસઈ સેન્સેક્સ ૩૬૧ પોઈન્ટ એટલે કે ૦.૬૨ ટકા ઘટીને ૫૭,૬૨૮.૯૫ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૧૧૧.૬૫ પોઈન્ટ એટલે કે ૦.૬૫ ટકાના ઘટાડા સાથે ૧૬,૯૮૮.૪૦ પોઈન્ટના સ્તરે બંધ રહ્યો હતો. એફએમસીજી સેક્ટર સિવાય અન્ય તમામ ક્ષેત્રીય સૂચકાંકો લાલ નિશાન સાથે બંધ થયા છે. રિયલ એસ્ટેટ, આઈટી, મેટલ અને પીએસયુ બેન્ક ૧-૨ ટકા સુધી ઘટીને બંધ થયા છે.
બીએસઈ સેન્સેક્સ પર બજાજ ફિનસર્વનો શેર સૌથી વધુ ૪.૨૫ ટકા ઘટીને બંધ થયો હતો. એ જ રીતે બજાજ ફાઇનાન્સમાં ૩.૦૧ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. વિપ્રોમાં ૨.૪૬ ટકા, ટાટા સ્ટીલમાં ૨.૩૮ ટકા, ટાટા મોટર્સમાં ૧.૯૬ ટકા અને ઇન્ડસઇન્ડ બેન્કમાં ૧.૯૦ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો.
આ સિવાય એસબીઆઈ, ઈન્ડસઈન્ડ બેન્ક, ટેક મહિન્દ્રી, એચસીએલ ટેક, ઈન્ફોસિસિ, ટીસીએસ, મારુતિ, પાવરગ્રીડ, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેર, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, અલ્ટ્રાટેક સિમેન્ટ, એચડીએફસી બેંક અને ભારતી એરટેલ પણ લાલ નિશાન સાથે બંધ થયા છે.
હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડ, આઈટીસી, કોટક મહિન્દ્રા બેંક, સન ફાર્મા, નેસ્લે ઈન્ડિયા, ટાઇટન અને આઈસીઆઈસીઆઈ બેંક સેન્સેક્સમાં ઉછાળા સાથે બંધ થયા છે. બેન્કિંગ કટોકટી વચ્ચે ફેડ રિઝર્વની આગામી બેઠક પૂર્વે સાવચેતીનો અભિગમ અપનાવતા એશિયન બજારો, એફઆઈઆઈ દ્વારા વેચવાલી અને રોકાણકારોના ઘટાડાને કારણે સોમવારે બજાર ઘટ્યું હતું. હવે રોકાણકારોની નજર આ સપ્તાહે ફેડ રિઝર્વની વ્યાજ દર નિર્ધારણ સમિતિની બેઠકના પરિણામો પર છે. આ સાથે જ અદાણી ગ્રૂપના શેરમાં તૂટવાની પણ બજાર પર અસર થઈ હતી. SS2.PG