સેન્સેક્સમાં ૩૫૫, નિફ્ટીમાં ૧૧૪ પોઈન્ટનો વધારો નોંધાયો
મુંબઈ, અત્યંત અસ્થિર સત્રમાં, સ્થાનિક શેરબજાર શુક્રવારે તેજી સાથે બંધ થયું. બીએસઈ સેન્સેક્સ ૩૫૫.૦૬ પોઈન્ટ અથવા ૦.૬૨ ટકાના વધારા સાથે ૫૭,૯૮૯.૯૦ પર બંધ થયો હતો. એ જ રીતે, એનએસઈ નિફ્ટી ૧૧૪.૪૫ પોઈન્ટ એટલે કે ૦.૬૭ ટકાના વધારા સાથે ૧૭,૧૦૦.૦૫ પોઈન્ટના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સ પર એચસીએલ ટેકનો શેર સૌથી વધુ ૩.૫૮ ટકાના વધારા સાથે બંધ થયો હતો. ઓટો અને એફએમસીજી સિવાય સેક્ટોરલ ઈન્ડાઈસિસની વાત કરીએ તો બાકીના તમામ સેક્ટોરલ ઈન્ડેક્સ લીલા નિશાન સાથે બંધ થયા છે. બીએસઈ મિડકેપ ૦.૩ ટકા અને સ્મોલકેપ ઇન્ડેક્સ ૦.૭ ટકા વધીને બંધ થયા છે. શુક્રવારે સેન્સેક્સ પર એચસીએલ ટેક ઉપરાંત અલ્ટ્રાટેક સિમેન્ટ, નેસ્લે ઈન્ડિયા, કોટક મહિન્દ્રા બેંક, ટાટા સ્ટીલ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, એચડીએફસી બેંક, ભારતી એરટેલ, ઈન્ફોસીસ, એસબીઆઈ, વિપ્રો, એક્સિસ બેંક, લાર્સન એન્ડ ટુબ્રો, ટાટા મોટર્સ, ટેક મહિન્દ્રા, બજાજ ફિનસર્વ, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાઇટન અને બજાજ ફાઇનાન્સ ઉછાળા સાથે બંધ થયા હતા.
આઈટીસીના શેરમાં સેન્સેક્સ પર મહત્તમ ૧.૫૧ ટકાનો ઘટાડો જાેવા મળ્યો હતો. એ જ રીતે મારુતિમાં ૧.૪૮ ટકા, એનટીપીસીમાં ૧.૨૫ ટકા, એશિયન પેઇન્ટ્સમાં ૧.૧૪ ટકા, સન ફાર્મામાં ૦.૯૯ ટકા અને પાવરગ્રીડમાં ૦.૯૧ ટકા ઘટાડો જાેવા મળ્યો હતો. યુએસ ડોલર સામે રૂપિયો ૧૮ પૈસા વધીને ૮૨.૫૫ ના સ્તર પર બંધ થયો હતો. પાછલા સત્રમાં તે ૮૨.૭૩ ના સ્તરે બંધ રહ્યો હતો. SS2.PG