ભારત-બાંગ્લાદેશ વચ્ચેના સંબંધોમાં સંવેદના મહત્વનીઃ વડાપ્રધાન મોદી

નવી દિલ્હી, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બાંગ્લાદેશના રાષ્ટ્રીય દિવસ નિમિત્તે વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસને પત્ર લખી શુભેચ્છાઓ પાઠવી હતી.
વડાપ્રધાન મોદીએ પત્રમાં ૧૯૭૧ના મુક્તિ સંગ્રામનું ઐતિહાસિક મહત્વ દર્શાવી ભારત અને બાંગ્લાદેશ વચ્ચે મજબૂત અને સ્થિર સંબંધો માટે પારસ્પારિક સંવેદનશીલતાના મહત્વ પર ભાર મુક્યો હતો. વડાપ્રધાને પોતાના પત્રમાં જણાવ્યું હતું કે, આપને તથા બાંગ્લાદેશના નાગરિકોને હું રાષ્ટ્રીય દિનની શુભેચ્છા પાઠવું છું. આ દિવસ આપણાં સહિયારા ઈતિહાસ અને બલિદાનનો પુરાવો છે.
જેના પરિણામે આપણી દ્વિપક્ષીય ભાગીદારીનો પાયો રચાયો હતો. બાંગ્લાદેશનો મુક્તિ સંગ્રામ આપણાં સંબંધોની દિવાદાંડી છે. આ ભાગીદારી અનેક ક્ષેત્રોમાં વિસ્તરણ પામી બંને દેશોના નાગરિકો માટે લાભદાયી નિવડી છે.
શાંતિ, સ્થિરતા અને સમૃદ્ધિની આપણી સમાન આકાંક્ષાઓ તથા એકબીજાના હિતો પરત્વેની આપણી સંવેદનશીલતાના આધારે અમે આ ભાગીદારીને વધુ મજબૂત બનાવવા પ્રતિબદ્ધ છીએ.
રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ પણ બાંગ્લાદેશના તેમના સમકક્ષ મોહમ્મદ શાહબુદ્દિનને રાષ્ટ્રીય દિનની શુભેચ્છાઓ પાઠવી હતી. રાષ્ટ્રપતિ મૂર્મુએ લોકતાંત્રિક અને વિકાસશીલ બાંગ્લાદેશ માટે ભારતના સહયોગની ખાતરી આપી હતી. શેખ હસીનાના નેતૃત્વવાળી સરકારને સત્તામાંથી ખદેડી દેવાયાં બાદ ભારત અને બાંગ્લાદેશના સંબંધોમાં ખટરાગ પેદા થયો છે.
સત્તામાંથી બેદખલ કરાયા બાદ શેખ હસીના પોતાનો જીવ બચાવવા ભાગીને ભારત આવી ગયા હતાં. સત્તા પલ્ટાને પગલે યુનુસની અધ્યક્ષતામાં વચગાળાની સરકાર રચાયા બાદ બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલામાં અનેક ગણો વધારો થયો છે.SS1MS