ગોકળપુરા ખાતે ‘સેવા સેતુ’ કાર્યક્રમ સંપન્ન: ૧૨ ગામોના નાગરિકોને ૧૫ વિભાગોની ૪૭ યોજનાઓના લાભ ઘરઆંગણે મળ્યા

ધારાસભ્ય કનુભાઈ પટેલે ‘PM સૂર્ય ઘર‘ યોજના અપનાવવા કર્યો અનુરોધ-માણકોલમાં ‘PM સૂર્ય ઘર‘ જાગૃતિ કેમ્પ:
ગુજરાત સરકારના સુશાસનના અભિગમને ચરિતાર્થ કરતા અને વહીવટી તંત્રને પ્રજાની વધુ નજીક લઈ જતા ‘સેવા સેતુ’ કાર્યક્રમનો સાતમો તબક્કો રાજ્યભરમાં ચાલી રહ્યો છે. આ જ શ્રુંખલા અંતર્ગત, અમદાવાદ જિલ્લાના સાણંદ તાલુકામાં આજે કુલ ૬ તબક્કામાં સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પૈકી ફેઝ-૧નો કાર્યક્રમ ગોકળપુરા ગામ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો.
આ સેવા સેતુ કાર્યક્રમ જિલ્લા પંચાયત સીટ મોડાસર ક્લસ્ટર આવરી લેવાયો હતો, જેમાં ગોકળપુરા સહિત કુલ ૧૨ ગામો – નાની દેવતી, મોડાસર, ગોરજ, લેખંબા, કુંવાર, ચરલ, હીરાપુર, બોળ, ફાંગડી, ખીંચા અને વિંછીયાના નાગરિકોને વિવિધ સરકારી સેવાઓ અને યોજનાકીય લાભો એક જ સ્થળે, સરળતાથી ઉપલબ્ધ કરાવવામાં આવ્યા હતા.
સેવા સેતુનો મુખ્ય ઉદ્દેશ્ય નાગરિકોને સરકારી કચેરીઓના ધક્કા ખાવામાંથી મુક્તિ અપાવવાનો અને વિવિધ સરકારી યોજનાઓના લાભો ઘરઆંગણે પહોંચાડવાનો છે. ગોકળપુરા ખાતે આયોજિત આ કાર્યક્રમમાં મહેસૂલ, પંચાયત, આરોગ્ય, કૃષિ, પુરવઠા, સમાજ કલ્યાણ સહિત કુલ ૧૫ જેટલા વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ અને કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
આ વિભાગોની કુલ ૪૭ જેટલી જનકલ્યાણકારી યોજનાઓ અંગે નાગરિકોને વિસ્તૃત માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું અને પાત્રતા ધરાવતા લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો આપવામાં આવ્યા હતા. સરકારનો ઉદ્દેશ્ય આ ૪૭ મુખ્ય યોજનાઓનું ૧૦૦% સેચ્યુરેશન (સંતૃપ્તીકરણ) સુનિશ્ચિત કરવાનો છે, જેથી કોઈ પણ પાત્ર લાભાર્થી યોજનાના લાભથી વંચિત ન રહે.
આ કાર્યક્રમમાં આવક, જાતિ, ક્રિમિલેયરના દાખલા, આધાર કાર્ડ સુધારા, રેશનકાર્ડ સંબંધિત સેવાઓ (નામ ઉમેરવા, કમી કરવા, સુધારા, e-KYC), મા અમૃતમ અને વાત્સલ્ય કાર્ડ, વિધવા સહાય, નિરાધાર વૃદ્ધ સહાય, માનવ ગરિમા યોજના, ખેડૂત પોર્ટલ પર ખેડૂત રજિસ્ટ્રેશન જેવી અતિઆવશ્યક સેવાઓનો લાભ મોટી સંખ્યામાં નાગરિકોએ લીધો હતો.
આ પ્રસંગે સાણંદના ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલે ઉપસ્થિત રહીને ગ્રામજનોને સંબોધન કર્યું હતું. તેમણે જણાવ્યું કે, વડાપ્રધા શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકાર છેવાડાના માનવી સુધી યોજનાકીય લાભો પહોંચાડવા કટિબદ્ધ છે.
સરકારના અધિકારીઓ આજે ગામડે-ગામડે ફરીને યોજનાઓના લાભોની ડોર સ્ટેપ ડિલિવરી કરી રહ્યા છે, ત્યારે દરેક ગ્રામજને આ સેવાયજ્ઞનો લાભ લેવો જોઈએ અને અન્ય જરૂરિયાતમંદોને પણ યોજનાઓનો લાભ લેવા પ્રોત્સાહિત કરીને ‘સૌના સાથ, સૌના વિકાસ, સૌના વિશ્વાસ અને સૌના પ્રયાસ’ના મંત્રને સાકાર કરવો જોઈએ.
ધારાસભ્યશ્રીએ વિશેષ ભાર મૂકતા જણાવ્યું કે, ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ એ આપણા સૌના ઉજ્જવળ ભવિષ્ય માટેની યોજના છે. આ યોજના થકી વીજળીની બચત થાય છે, નાગરિકોને આર્થિક ફાયદો થાય છે અને સૌર ઊર્જાના ઉપયોગથી પર્યાવરણનું રક્ષણ પણ થાય છે. આવનારી પેઢીને સુરક્ષિત અને પર્યાવરણપ્રિય વિકાસ આપવા માટે સૌ નાગરિકોએ આ યોજનાનો લાભ લેવો જોઈએ. તેમણે ખેડૂતોને આઇ-ખેડૂત પોર્ટલ ઉપર ફાર્મર રજીસ્ટ્રેશન અને e-KYC જેવી ડિજિટલ સેવાઓનો લાભ અચૂક લેવા માટે પણ અનુરોધ કર્યો હતો.
આ વિસ્તારના સાંસદ અને દેશના યશસ્વી ગૃહ અને સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહના કાર્યાલય, દિલ્હી ખાતેથી ઉચ્ચ અધિકારીઓની એક ટીમ પણ આ સેવા સેતુ કાર્યક્રમની મુલાકાતે આવી હતી. ટીમના સભ્યોએ કાર્યક્રમની વ્યવસ્થા, વિવિધ સ્ટોલ પર અપાતી સેવાઓ અને નાગરિકોના પ્રતિભાવોનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું હતું અને સમગ્ર આયોજન તથા તેના ઉદ્દેશ્યોની સરાહના કરી હતી.
સેવા સેતુ કાર્યક્રમ બાદ, ધારાસભ્યશ્રી કનુભાઈ પટેલ અને દિલ્હીથી આવેલ ઉચ્ચસ્તરીય ટીમે માણકોલ ગામની પણ મુલાકાત લીધી હતી. અહીં ઉત્તર ગુજરાત વીજ કંપની લિમિટેડ (UGVCL) દ્વારા ‘પ્રધાનમંત્રી સૂર્ય ઘર યોજના’ અંગે જાગૃતિ ફેલાવવા માટે ખાસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. ધારાસભ્યશ્રીએ ગ્રામજનોને આ યોજનાની વિગતો સમજાવી અને તેનો મહત્તમ લાભ લેવા માટે આગ્રહભર્યો અનુરોધ કર્યો હતો.
આમ, ગોકળપુરા ખાતેનો સેવા સેતુ કાર્યક્રમ નાગરિકો માટે અત્યંત લાભદાયી રહ્યો હતો અને સરકારી સેવાઓ ઘરઆંગણે પહોંચાડવાના રાજ્ય સરકારના પ્રયાસોને બળ મળ્યું છે.