દેશના અનેક રાજ્યોમાં ગરમીનો ભારે કહેર

ઉ.ભારતના અનેક વિસ્તારોમાં ગરમીનો પારો ૪૦થી ૪૪ ડીગ્રીએ પહોંચ્યો
(એજન્સી)નવી દિલ્હી, દેશના મોટાભાગના વિસ્તારોમાં મંગળવાર (૧૮ એપ્રિલ) ના રોજ તાપમાન ૪૦ થી ૪૪ ડિગ્રી સેલ્સિયસની વચ્ચે હોવાના કારણે હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દરમિયાન ઉત્તર પ્રદેશના હમીરપુર અને પ્રયાગરાજમાં મહત્તમ તાપમાન ૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
રાષ્ટ્રીય રાજધાનીના પ્રાથમિક હવામાન કેન્દ્ર સફદરજંગ વેધશાળામાં મહત્તમ તાપમાન ૪૦.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જે સામાન્ય કરતાં ચાર ડિગ્રી વધારે હતું. આ સતત ચોથો દિવસ છે જ્યારે દિલ્હીમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. પૂસા અને પીતમપુરા પ્રદેશોમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી હતી, જ્યાં મહત્તમ તાપમાન અનુક્રમે ૪૧.૬ ડિગ્રી સેલ્સિયસ અને ૪૧.૯ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) એ જણાવ્યું હતું કે બુધવારના રોજ (૧૯ એપ્રિલ) વાદળછાયું વાતાવરણ અને હળવો વરસાદથી શહેરમાં ગરમીથી થોડી રાહત મળી શકે છે. ૈંસ્ડ્ઢએ હવામાન વિશે વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે પશ્ચિમ હિમાલય ક્ષેત્રમાં સક્રિય પશ્ચિમી વિક્ષેપને કારણે મંગળવારના રોજથી ઉત્તર પશ્ચિમ મેદાનોમાં હળવા વરસાદનું અનુમાન છે.
આ મહિનાની શરૂઆતમાં હવામાન વિભાગ કાર્યાલયે ઉત્તર-પશ્ચિમ અને દ્વીપકલ્પના પ્રદેશો સિવાય દેશના મોટાભાગના વિસ્તારોમાં એપ્રિલથી જૂન દરમિયાન ઊંચા તાપમાનની શક્યતા વ્યક્ત કરી છે.
હવામાન વિભાગે પટના, બાંકા, જમુઈ, નવાદા, ઔરંગાબાદ, સુપૌલ અને બિહારના અન્ય ઘણા જિલ્લાઓમાં મંગળવારથી બે દિવસ માટે ‘લૂ’ની ચેતવણી સાથે ‘ઓરેન્જ’ એલર્ટ જારી કર્યું છે. આ ઉપરાંત વિભાગ અનુસારરાજ્યના બેગુસરાય, નાલંદા, ગયા, અરવલ, ભોજપુર, રોહતાસ, બક્સર, ખગડિયા અને મુંગેર વિસ્તારોમાં પણ ‘યલો’ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.
ભારતીય હવામાન વિભાગ ‘હવામાનની ચેતવણી’ માટે ચાર રંગ કોડનો ઉપયોગ કરે છે – લીલો (કોઈ કાર્યવાહીની જરૂર નથી), પીળો (જુઓ અને સાવચેત રહો), નારંગી (તૈયાર રહો) અને લાલ (એક્શન લો). બિહાર ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ‘લોકોને ગરમીથી બચવા માટે સલાહ આપવામાં આવે છે કે તેઓ બહાર ન નીકળે.’
પશ્ચિમ બંગાળના બાંકુરામાં મહત્તમ તાપમાન ૪૩.૭ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. જ્યારે રાજધાની કોલકાતામાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણા અને પંજાબમાં હીટવેવની સ્થિતિ પ્રવર્તી રહી છે અને બંને રાજ્યોના મોટાભાગના વિસ્તારોમાં મહત્તમ તાપમાન ૪૦ ડિગ્રી સેલ્સિયસથી ઉપર નોંધાયું છે. હવામાન વિભાગના અહેવાલ મુજબ હરિયાણાના હિસારમાં તીવ્ર ગરમી પડી રહી છે અને મહત્તમ તાપમાન ૪૧.૪ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું છે.
ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ અને હમીરપુર ૪૪.૨ ડિગ્રી સેલ્સિયસ સાથે સૌથી ગરમ રહ્યા હતા. હવામાન વિભાગે ઉત્તર પ્રદેશના પશ્ચિમ વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદની આગાહી કરી છે. લખનૌમાં મહત્તમ તાપમાન ૪૧.૩ ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન ૨૪.૫ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
રાજસ્થાનમાં ચિત્તોડગઢ સૌથી ગરમ સ્થળ હતું, જ્યાં મહત્તમ તાપમાન ૪૩.૨ ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હવામાન વિભાગે ૧૯ અને ૨૦ એપ્રિલના રોજ જાેધપુર અને બિકાનેર વિભાગો અને જયપુર, અજમેર અને ભરતપુર વિભાગોમાં હળવા વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી છે.
વિભાગે આગામી બે દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થવાની આગાહી પણ કરી છે. હિમાચલના નીચાણવાળા પહાડી વિસ્તારોના લોકોને આકરા તડકાથી પરેશાન થઈ ગયેલા લોકોને થોડી રાહત મળી છે કારણ કે ઘણી જગ્યાએ હળવા વરસાદ બાદ મહત્તમ તાપમાનમાં અમુક ડિગ્રી સેલ્સિયસનો ઘટાડો થયો છે.