નિકોલમાં ગટરનાં પાણી નદીની જેમ વહ્યાં

અમદાવાદ , શહેરમાં મીની વાવાઝોડા સાથે બે દિવસ સુધી વરસેલાં કમોસમી વરસાદનાં પાણી મોટાભાગનાં વિસ્તારોમાંથી તો ઉતરી ગયાં પરંતુ પૂર્વ પટ્ટામાં અમુક જગ્યાએ વરસાદી પાણી અને ગટરનાં પાણી મિક્સ થઇ નદીની જેમ વહી રહ્યાં હોવાની ફરિયાદોએ મ્યુનિ.સત્તાધીશોને નીચાજોણુ કરાવ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, છઠ્ઠી મેનાં રોજ શહેરમા મીની વાવાઝોડુ ફૂંકાયુ હતુ અને રાત્રિનાં સમયે ભારે વરસાદ ખાબક્યો હતો. ત્યારબાદ સાતમી મેનાં રોજ પણ બપોર સુધી હળવો ભારે વરસાદ ચાલુ રહ્યો હતો. તેમાં સૈજપુર ગરનાળામાં દર વર્ષે ભારે વરસાદ પડે એટલે પાણી ભરાઇ જતાં હોય છે તેવી જ રીતે કમોસમી વરસાદમાં પણ પાણી ભરાઇ ગયાં હતા.
જે ૯મીએ સવાર સુધી ઉતર્યા નહિ હોવાની ફરિયાદ મ્યુનિ.સત્તાધીશોનાં કાન સુધી પહોંચ્યા બાદ ઇજનેર ખાતાએ દોડધામ કરીને હેવીડ્યુટી પંપો મંગાવી સૈજપુર ગરનાળામાં ભરાયેલાં વરસાદી પાણીનો ગટરમાં નિકાલ કરાવ્યો ત્યારબાદ વાહનવ્યવહાર શરૂ થઇ શક્યો હતો.
તેવી જ રીતે પૂર્વમાં નિકોલનાં ગોપાલચોક અને અન્ય જગ્યાઓએ ગટરનાં પાણી રોડ ઉપર બેક મારતાં હોવાની સમસ્યાનો ઉકેલ લાવી દીધો હોવાનો દાવાનો છેદ કમોસમી વરસાદ સમયે ઉડી ગયો હતો.
નિકોલનાં ગોપાલચોક, નિકોલ ગામ રોડ, ઠક્કરનગર, બદ્રીનારાયણ સોસાયટી ચાર રસ્તા અને કલ્યાણ ચોક સહિત અમુક જગ્યાએ વરસાદી પાણીનો નિકાલ થયો કે નહિ તે નાગરિકો સમજી શક્યા જ નહિ અને આ તમામ જગ્યાએ ઘૂંટણસમા પાણી ભરાયેલાં રહેવા પામ્યા છે.
આ બાબતે સ્થાનિક અધિકારીએ સ્વીકાર્યુ હતું કે, નિકોલમાં ફરી ગટરનાં પાણી બેક મારવાનાં કારણે રોડ ઉપર નદી વહેતી થઇ હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.SS1MS