Western Times News

Gujarati News

બેફામ સ્પીડે જતી કારે એસ.જી. હાઈવે પર સાઈકલિંગ કરતા ડોક્ટરને ફંગોળ્યા

અમદાવાદ, અમદાવાદમાં ફરી એક હિટ એન્ડ રનની ઘટના બની છે. અમદાવાદમાં એસ. જી. હાઈવે ખાતે હાઇકોર્ટ બ્રિજ પાસે આ ઘટના બની હતી. જેમાં એક એસયુવી કાર ચાલક બે સાઇકલ સવારને ટક્કર મારીને ભાગી ગયો હતો.

ટક્કર બાદ સાઇકલ પર સવાર બન્ને લોકો દૂર સુધી ફંગોળાયા હતાં. ઘટનામાં એક ડોક્ટર અને એક મહિલા ઘાયલ થયા છે. પોલીસે હાલ એસયુવી ચાલકની શોધખોળ કરી રહી છે.

અમદાવાદમાં શનિવારે વહેલી સવારે હાઇકોર્ટ બ્રિજ પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. વહેલી સવારે કેટલાક તબીબો મિત્રો સાથે સાઈકલિંગ કરી બ્રિજ પરથી સવાર થઈ રહ્યા હતાં.

આ દરમિયાન એકાએક પાછળથી કાળા રંગની એસયુવી આવી અને બે સાઇકલ ચાલકને ટક્કર મારી ત્યાંથી ફરાર થઈ ગઈ. ખોટી રીતે રોંગ સાઈડથી ઓવરેટક કરવા જતી કારની ટક્કરથી સાઇકલ પર સવાર તબીબ અને એક મહિલા બ્રિજ પર દૂર સુધી ઢસડાયા હતાં.

ઘાયલ સાઇકલ સવારની ઓળખ ડૉ. અનિસ તિવારી તરીકે થઈ છે. જે પ્રેરણાતીર્થ દેરાસર પાસે રહે છે. આ સિવાય અન્ય સાઇકલ ચાલકની ઓળખ કૃષ્ણા શુક્લા તરીકે થઈ છે, જે અમદાવાદના જ બોડકદેવ વિસ્તારમાં રહે છે.

મળતી માહિતી મુજબ, ઘાયલ તબીબ સહિતના મિત્રો સવારે કસરતના ભાગરૂપે સાઇકલિંગ કરી રહ્યાં હતાં. તે સમયે એક બેફામ કારે બે લોકોને ટક્કર મારી હતી. સમગ્ર ઘટનાની જાણ થતાં આસપાસના લોકો ત્યાં મદદે પહોંચી ગયાં હતાં. સ્થાનિકોએ તાત્કાલિક ૧૦૮ અને પોલીસને જાણ કરી દીધી હતી.

સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે. ઘાયલ તબીબે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. જેના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. પોલીસ સીસીટીવી વીડિયોના આધારે કાળા રંગની એસયુવીની શોધખોળ કરવામાં લાગી ગઈ છે. તેમજ આ એસયુવી કોણ ચલાવતું હતું અને કાર કોના નામે છે તે વિશે પણ પોલીસે તપાસ હાથ ધરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.