SG હાઈવે પર ગોતા, જોધપુર તથા સરખેજ વોર્ડને સમાંતર સર્વિસ રોડનું રૂ.૬ર કરોડના ખર્ચથી નવિનીકરણ થશે

જોધપુર-સરખેજ રોડ માટે રૂ.ર૩.૭પ કરોડ અને ગોતા માટે રૂ.૩૮.રપ કરોડ ખર્ચ થવાનો અંદાજ છે ઃ દેવાંગ દાણી
(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, અમદાવાદ શહેરના ગૌરવ સમાન એસ.જી.હાઈવેને નવા રૂપરંગ આપવામાં આવી રહયા છે. નેશનલ હાઈવે ઓથોરિટી, ઔડા, રાજય સરકાર અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સંયુકત રીતે રૂ.૧ર૦૦ કરોડના ખર્ચથી અંદાજે ૩૯ કી.મી.ની લંબાઈનો આઈકોનીક રોડ બનાવવામાં આવી રહયો છે.
ત્યારે મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ગોતા, સરખેજ અને જોધપુર રોડને આવરી લેતા એસ.જી.હાઈવેના સર્વિસ રોડને પણ નવા ક્લેવર આપવા માટે આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે રૂ.૬ર કરોડ કરતા પણ વધુ ખર્ચ થશે.
મ્યુનિ. કોર્પોરેશન દ્વારા સરખેજથી ગાંધીનગરને જોડતા એસ.જી.હાઈવે પર આઈકોનીક રોડની સાથે સાથે સર્વિસ રોડની રોનકમાં પણ વધારો કરવામાં આવશે જેમાં ઉત્તર પશ્ચિમ ઝોનના ગોતા વોર્ડમાં એસ.જી.હાઈવે સમાંતર બંને બાજુ ૧ર મીટર પહોળાઈના રોડના કામ શરૂ કરવામાં આવ્યા છે. આર્કેડ ૭૭થી કે.ડી. હોસ્પિટલ સુધીના પ૦ ટકા રોડ પર વેટમીક્ષની કામગીરી પુર્ણ થઈ ગઈ છે.
જયારે બાકીના પ૦ ટકા રોડ પર હાલ ખોદકામ ચાલી રહયું છે. તેવી જ રીતે વિવાંતા હોટલથી જગતપુર ઓફિસ સુધીના રોડ પર બી.સી. અને કર્બીગની કામગીરી પુર્ણ થઈ ગઈ છે. જયારે જમણી તરફ જગતપુર ઓફિસથી વૈષ્ણોદેવી સર્કલના રોડ પર સ્ટ્રોમ વોટર લાઈન નાંખવાની કામગીરી ચાલુ છે.
મ્યુનિ. સ્ટેન્ડિગ કમિટિ ચેરમેન દેવાંગ દાણીએ ઉપરોકત માહિતી આપતા વધુમાં જણાવ્યું હતું જોધપુર તથા સરખેજ વોર્ડમાં એસ.જી.હાઈવે સમાંતર બંને બાજુના ૧ર મીટરના સર્વિસ રોડના કામમાં જમણી અને ડાબી બાજુ થઈ કુલ પ જગ્યાએ બી.સી.ની કામગીરી પૂર્ણ થઈ ગઈ છે.
જયારે કર્ણાવતી કલબથી વાયએમસીએ કલબ સુધીના રોડને વર્ષ ર૦રપ-ર૬ના બજેટમાં સમાવેશ કરવામાં આવ્યો છે તેમજ પ્રહલાદનગર ક્રોસ રોડથી ઈસ્કોન બ્રીજ સુધીના રોડ પર વર્ષ ર૦ર૧-રરમાં કામ કરવામાં આવ્યું હતું.