SG હાઈવે અને અમદાવાદની હદના રસ્તા પર ભારે વાહનો પર પ્રતિબંધના નિયમની ઘોર અવગણના
![](https://westerntimesnews.in/wp-content/uploads/2024/01/sghighway-flyover-1024x825.jpg)
(એજન્સી)અમદાવાદ, શહેરની હદ અને એસજી હાઈવે પર નિશ્ચિત સમય માટે ભારે વાહનો પર પ્રતિબંધ મૂકાયો છે. શહેરમાં ટ્રાફિક સમસ્યા દૂર કરવા અને ગંભીર અકસ્માતનું જોખમ ટાળવા વહીવટીતંત્ર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે. પરંતુ તાજેતરની સ્થિતિ જોતાં લાગે છે કે ભારે વાહનો પરના પ્રતિબંધ નિયમનું ઘોર ઉલ્લંઘન થઈ રહ્યું છે. પ્રતિબંધ છતાં દિવસ દરમ્યાન ડમ્પર, લકઝરી સહિતના વાહનોની અવર-જવર જોવા મળે છે.
હાલમાં નવરાત્રિનો માહોલ છે ત્યારે બેરોકટોક પ્રવેશ કરતાં ભારે વાહનોના કારણે ખેલૈયાઓને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. મહત્વનું છે કે શહેરની હદ તેમજ એસજી હાઈવે પર ભારે વાહનોના પ્રવેશ માટે નિશ્ચિત સમય આપવામાં આવ્યો છે. સામાન્ય રીતે ભારે વાહનોને હાઈવે પર અને શહેરની હદમાં મોડી રાતે પ્રવેશની મંજૂરી મળી છે. તે મુજબ વાહનો રાત્રે ૧૧ વાગ્યા બાદ અને સવારે ૮ વાગ્યા સુધીમાં જ શહેરમાં પ્રવેશ કરી શકે છે.
શહેરની હદમાં તમામ રસ્તાઓ અને દિવસ અને રાતે ધમધમતો એવા એસજી હાઈવે પર દિવસ દરમ્યાન ભારે વાહનો પ્રવેશી રહ્યા છે. ટ્રાફિક નિયમ મુજબ તમામ રસ્તા પર સવારે ૮ વાગ્યાથી રાત્રે ૧૧ વાગ્યા સુધી ભારે તેમજ અતિભારે વાહનો એટલે કે દિવસ દરમિયાન ડમ્પર, લક્ઝરી સહિતનાં વાહનોના પ્રવેશ પર પ્રતિબંધ છે. છતાં હાલમાં નવરાત્રિના તહેવારના સમયમાં ટ્રાફિક નિયમનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.
ભારે વાહનો પરના પ્રતિબંધને કોઈ ગણતું નથી. આખા દિવસ દરમિયાન ડમ્પર, લક્ઝરી સહિતનાં ભારે વાહનો બેરોકટોક પ્રવેશ કરતાં નવરાત્રિમાં એસજી હાઈવે પર આવતાં ખેલૈયાઓએ કલાકો સુધી ટ્રાફિકજામમાં ફસાવવું પડે છે. શું ટ્રાફિક પોલીસને આ ભારે વાહન નથી દેખાતાં. તેઓ કેમ તેના વિરુદ્ધ કાર્યવાહી નથી કરતા.
આ મુદ્દે ટ્રાફિક પોલીસનું કહેવું છે કે, પ્રતિબંધિત સમયમાં વધુ જરૂરિયાત માટે ડમ્પરને શહેરમાં ફરવા મંજૂરી આપી છે પણ આવા કેટલાં વાહનને મંજૂરી છે તેનો કોઈ ચોક્કસ આંકડો અમારી પાસે આવ્યો નથી. કે નથી એવી માહિતી કે કયા-કયા ભારે વાહનોને શહેરની હદ અને હાઈવે પર પ્રવેશ મળશે.